Homeવિશેષસિંહાસન બત્રીસી : ત્રિલોચનાની દેવતાઓના આહ્વાહનની વાર્તા

સિંહાસન બત્રીસી : ત્રિલોચનાની દેવતાઓના આહ્વાહનની વાર્તા

Team Chabuk : પ્રજાપાલક એવા રાજા વિક્રમાદિત્ય હંમેશાં પ્રજાની સુખ અને સમૃદ્ધિની ચિંતા કરતા હતા. આ કારણે જ તેમણે મહાયજ્ઞ કરવાનો નિર્ણય લીધો. અગણિત રાજા-મહારાજાઓ, પંડિતો અને ઋષિઓને આમંત્રિત કર્યા. ત્યાં સુધી કે દેવતાઓને પણ આમંત્રિત કર્યા.

પવન દેવતાને તેઓ પોતે આમંત્રણ દેવા માટે પહોંચ્યા તથા સમુદ્ર દેવતાને આમંત્રણ આપવા માટે એક બ્રાહ્મણને મોકલ્યો. બંનેએ પોતાના કામથી વિદાય લીધી. પવન દેવતાનું તો ઠેકાણું ક્યાં ? યોગ સાધનાથી મહારાજા વિક્રમાદિત્યએ જાણ મેળવી કે આજ કાલ પવન દેવતા સુમેરુ પર્વત પર વાસ કરી રહ્યા છે. તેમણે વિચાર્યું કે સુમેરુ પર્વત પર પવન દેવતાનું આહ્વાહન કરવામાં આવે તો તેમના દર્શન થઈ શકે.

મહારાજાએ બંને વેતાલનું સ્મરણ કરતા વેતાલ ઉપસ્થિત થઈ ગયા. વેતાલે તેમને સુમેરુ પર્વતની ટોચ પર પહોંચાડી દીધા. પર્વતની ટોચ પર તો એટલી ઝડપથી પવનનો રેલો આવી રહ્યો હતો કે પગ પણ જમાતા નહોતા.

મોટા મોટા વૃક્ષ અને પથ્થરો પોતાની જગ્યાએથી ખસી જતા હતા. પણ વિક્રમ જરા પણ વિચલિત ન થયા. એ યોગ સાધનાથી સિદ્ધહસ્ત હતા જેથી એક જગ્યાએ અચલ થઈ બેસી ગયા. બહારની દુનિયાને ભૂલાવી દીધી અને પવન દેવની સાધનામાં લીન થઈ ગયા. ખાવા, પીવા અને ઉંઘવાનો ત્યાગ કરી દીધો..

કેટલાક દિવસો પસાર થયા અને એકાએક હવા સ્થિર થઈ ગઈ. પવન દેવ પ્રગટ થયા. તીવ્ર ગતિથી ચાલતી હવા મંદ મંદ ચાલવા લાગી. આકાશવાણી થઈ, ‘હે રાજા વિક્રમાદિત્ય તારી સાધનાથી હું પ્રસન્ન છું. તારી ઈચ્છા બતાવ.’

વિક્રમ થોડી ક્ષણમાં જ સામાન્ય અવસ્થામાં આવી ગયો. તેણે હાથ જોડીને કહ્યું, ‘પવનદેવ હું પ્રજાના હિત માટે મહાયજ્ઞનું આયોજન કરી રહ્યો છું. આથી તમારે તે યજ્ઞમાં પધારવાનું છે. તમારા આવવાથી યજ્ઞની શોભામાં અભિવૃદ્ધિ થશે.’

આ વાત વિક્રમે એટલી ભાવુક થઈને કહી કે પવન દેવ તો હસવા લાગ્યા. તેમણે વિક્રમાદિત્યને જવાબ આપ્યો કે, ‘સશરીર તો મારી યજ્ઞમાં ઉપસ્થિતિ અસંભવ છે. જો હું સશરીર આવ્યો તો તારા રાજ્યમાં ભયંકર તોફાન આવશે. ખેતર, વૃક્ષોથી લઈને મકાન અને ઝૂંપડીઓ ઉડી જશે. જો મારી ઉપસ્થિતિની વાત રહી તો સંસારના દરેક ખૂણામાં મારો વાસ છે. જેથી અપ્રત્યક્ષરૂપથી હું એ મહાયજ્ઞમાં હાજર રહીશ.’

પવન દેવનો અભિપ્રાય જાણી રાજા મૌન થઈ ગયા. પવન દેવે તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ‘તારા રાજ્યમાં કોઈ દિવસ અનાવૃષ્ટી નહિ થાય. કોઈ દિવસ દુકાળ નહિ પડે.’

આટલું કહી તેમણે વિક્રમને કામધેનુ ગાય આપી અને કહ્યું, ‘આની કૃપાથી કોઈ દિવસ તારા રાજ્યમાં દૂધની ઉણપ નહિ વર્તાય.’

પવનદેવ લુપ્ત થઈ ગયા. વિક્રમાદિત્યએ ફરી બંને વેતાલનું સ્મરણ કર્યું અને વેતાલ તેમને પહાડની ટોચ પરથી નગરની સીમા સુધી લાવ્યા.

બીજી તરફ જે બ્રાહ્મણને વિક્રમે સમુદ્ર દેવતાને આમંત્રિત કરવા માટે મોકલ્યો હતો. એ તો ખૂબ સમસ્યામાંથી પસાર થયો. કોઈ વેતાલ કે દૈવિય શક્તિ ન હોવાથી તેને લાંબો પથ કાપવો પડ્યો. જંગલમાં પશુઓ તેનો શિકાર ન કરી જાય આ માટે ધ્યાન રાખવું પડ્યું. ખૂબ કઠણાઈઓનો સામનો કર્યા પછી તે સાગરતટ સુધી પહોંચ્યો.

અહીં સમુદ્રની વચ્ચે જઈ તેણે સમુદ્રદેવતાનું આહ્વાહન કર્યું. તેણે દરિયાની વચ્ચે વારંવાર એ વાતનું ઉચ્ચારણ કર્યું કે, ‘મહારાજા વિક્રમાદિત્ય મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે. જેમાં તમારે અતિથી તરીકે પધારવાનું છે. હું તમારા માટે દૂત બનીને આવ્યો છું.’

અંતમાં સમુદ્ર દેવતા દરિયાની ઊંડાઈમાંથી બહાર આવ્યા. બ્રાહ્મણ સમુદ્ર દેવતાને આંખો સામે જોઈ ખુશ થયો. સમુદ્ર દેવ બોલ્યા, ‘પવન દેવતાએ મને બધી વાત કહી દીધી છે. હું પવન દેવતાની માફક જ મારી વાત તારી સામે રાખીશ. હું પ્રત્યક્ષ રૂપથી મહાયજ્ઞમાં સામેલ નહિ થઈ શકું.’

‘એટલે ?’ બ્રાહ્મણને ન સમજાતા પૂછ્યું.

‘એટલે કે હું જો યજ્ઞમાં સામેલ થયો તો વિક્રમાદિત્યના નગરમાં પૂર આવી જશે. રસ્તામાં આવનારી દરેક વસ્તુ ડૂબી જશે. ચારે બાજુ પ્રલયની સ્થિતિ પેદા થઈ જશે. ચારેબાજુ તબાહી મચી જશે.’

બ્રાહ્મણે જાણવા ઈચ્છ્યું, ‘સમુદ્ર દેવતા તમારો આદેશ શું છે ? જેથી હું મહારાજા વિક્રમાદિત્યને કહી શકું.’

સમુદ્રદેવતાએ કહ્યું, ‘હું કુશળતાપૂર્વક મહાયજ્ઞ પૂર્ણ થાય તેની શુભકામનાઓ પાઠવું છું. અપ્રત્યક્ષ રૂપથી વિક્રમ મારી યજ્ઞમાં હાજરી અનુભવશે, કારણ કે પાણીના એક એક ટીપામાં મારો વાસ છે. યજ્ઞમાં જે જળ હશે તેમાં પણ હું ઉપસ્થિત રહીશ.’

એ પછી તેમણે બ્રાહ્મણને પાંચ રત્ન અને એક ઘોડો આપતા કહ્યું, ‘મારી તરફથી વિક્રમાદિત્ય માટે આ ભેટ છે.’

બ્રાહ્મણ ઘોડો અને રત્ન લઈ પોતાના રસ્તે ઉપડ્યો. સફર લાંબો હતો અને બ્રાહ્મણ ઘોડાની લગામ પકડીને ચાલી રહ્યો હતો. ઘોડો મનુષ્યના અવાજમાં બોલ્યો, ‘આટલો લાંબો સફર છે, મારી પીઠ પર તું બેસી કેમ નથી જતો ?’

બ્રાહ્મણે ઘણી ના પાડી પણ ઘોડો પણ પોતાની વાત પર અડગ રહ્યો, ‘તું રાજાનો દૂત છે. ઈચ્છે તો મારા પર સવાર થઈ શકે છે. મારો ઉપયોગ કરી શકે છે.’

બ્રાહ્મણ ઘોડાની ઉપર બેસી ગયો. ઘોડો પવન વેગથી દોડ્યો અને સીધો રાજા વિક્રમના દરબારમાં આવી પહોંચ્યો. બ્રાહ્મણને જવામાં જેટલી વાર લાગી હતી એટલી આવવામાં વાર ન લાગી. ઘોડાની સવારી કર્યા પછી બ્રાહ્મણના મનમાં સવાલ ઊભો થયો, ‘કદાચ આ ઘોડો મારો હોત. પણ રાજા એ મને શું કામે આપે ? એ તો સમુદ્રદેવતાએ તેમને ઉપહાર તરીકે આપ્યો છે. હુ માગીશ તો ભોઠો પડીશ.’

બ્રાહ્મણે માર્ગમાં આવેલી વિડંબણાથી લઈને એક એક વાત વિક્રમાદિત્યને કહી. ને પછી સમુદ્ર દેવતાએ આપેલા પાંચ રત્ન અને ઘોડો તેમની સામે ધરી દીધા.

વિક્રમાદિત્યએ વિચાર્યું કે, બ્રાહ્મણે મહેનત કરી છે. સંઘર્ષ તેણે કર્યો છે. તો ઘોડો અને પાંચ રત્ન પણ તેના જ થયા કહેવાય. તેણે એ વસ્તુ બ્રાહ્મણને આપી દીધી. બ્રાહ્મણ તો રત્ન અને ઘોડો મળતા ખુશ ખુશ થઈ ગયો. તેણે તો સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે આવી અમૂલ્ય વસ્તુઓ મારી થઈ જશે.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments