Team Chabuk-Editor View: અલખના ઓટલા તરીકે વિખ્યાત બનેલો ઈન્ટરનેટનો ચોરો સ્વતંત્ર સંગ્રામ ભૂમિ છે. એ સ્વતંત્રતાનો એલફેલ ગમે તેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તર્ક અને બુદ્ધિનો પ્રયોગ કે ભવિષ્યની ચિંતા કર્યા વિના, ઠલવાતા અનંત કચરાનું શ્રવણ કરતા કરતા મગજ બેકાબૂ થઈ જાય છે. સ્ટેન્ડ અપ કોમેડી થકી દાઝ ચડે એવા શબ્દપ્રયોગો અને વિષયવસ્તુ ઠાલવી, ઈન્ટરનેટના ફાયદા કરતા ગેરફાયદા અતિરિક્ત હોવાની પુષ્ટી થાય છે. આગળ કે પાછળનું જોયા વિના અને માત્ર યુઝર્સ અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધારવા માટે, ગમે તે વિષયને અપશબ્દોથી ઝગમગાવી દેવામાં આવે છે. દર્શકગણો ખીખીયાટા કરે છે અને સ્ટેજ પર રહેલા મહાનુભવને લાગે છે કે તે ઉમદા હાસ્ય પીરસી રહ્યો છે. એવું ઉચ્ચકક્ષાનું હાસ્ય જેનો જગતમાં જોટો જડે તેમ નથી.
વાત માત્ર મુનવ્વર ફારુકીના સંદર્ભે કરીશું તો ખોટું રહેશે, કારણ કે મુન્નવર ફારુકી સિવાય કેટલાય સ્ટેન્ડ અપ કોમેડીયન સ્ટેજ પર અપશબ્દોની ત્સુનામી લાવી દે છે. ફારુકીના સંદર્ભમાં એવા કથિત આક્ષેપ લાગ્યા છે કે તેણે મધ્યપ્રદેશના શો દરમિયાન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું. આ સમાચાર સામે આવ્યા પછી જેમણે મુન્નવર ફારુકીના વીડિયો નહોતા જોયા, એ પણ જોયા વગર ચાલતી ટ્રેનમાં ચડી ગયાં. એટલું જ નહીં ગઈકાલનો બેંગ્લોરનો શો રદ્દ થયા પછી તેણે સોશિયલ મીડિયા પર ઠાલવેલી પોતાની અભિવ્યક્તિ પર વ્યક્તિગત અદાલત ચાલુ કરી દીધી. ફારુકી પર એટલે નથી લખી રહ્યો કેમ કે ફારુકીના વીડિયો જોયા નથી. જોયા નથી તો હું કહી ન શકું કે એણે કઈ કઈ વિવાદિત ટીપ્પણી કરી છે.
જોકે જ્યારે પણ કોઈ હિન્દી સ્ટેન્ડ અપ કોમેડીયનના વીડિયો ચાલુ કરીએ છીએ ત્યારે તેમાં અપશબ્દો ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. જાણે એ સિવાય હાસ્ય સર્જાય જ ન શકે. દર્શકમાં હસનારા માત્ર પુરુષ નથી હોતા પણ વ્યવસ્થિત પરિધાનોથી સજ્જ મહિલાઓ પણ હોય છે. હવે કોઈ ફેમિનિસ્ટ ખબ ખબ કરતું આવી ચડશે અને દે દેકારો બોલાવશે કે પુરુષને જે સાંભળવાનો અધિકાર છે, જે સ્વતંત્રતા છે, એ સ્ત્રીને પણ છે. હા છે, ચોક્કસ છે બહેન શ્રી, પણ સામે વિષય તો જુઓ. સ્ટેન્ડ અપ કોમેડીના નામ પર ગાળો ઠલવાય છે અને તેને હાસ્ય કહેવામાં આવે છે. હાસ્ય આવું હોય?
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ પાસે હાસ્યનો જે ઉદ્દેશ્ય હતો તે હિન્દી ભાષી સ્ટેન્ડ અપ કોમેડીયનોની પાસે નથી. એમણે તો હાસ્યને જીવનનું ઉદ્દેશ્ય બનાવ્યું અને સ્ટેજ પરથી વારંવાર તેઓ કહી રહ્યા છે કે, ‘મારી એવી ઈચ્છા હતી કે આખું ઘર એકસાથે બેસીને સાંભળી શકે તેવું હાસ્ય પીરસવું બાકી સ્ટેજ નીચે ઉતરી જવું.’ અને તેવું હાસ્ય તેમણે બનાવ્યું અને પીરસી બતાવ્યું. એકની એક સાંભળેલી વાત હોવા છતાં એવું જ લાગે કે પહેલી વખત સાંભળી રહ્યા છીએ. મજા જ આવ્યા રાખે.
સ્ટેન્ડ અપ કોમેડિયનો હાસ્યને લોકપ્રિયતાની દૃષ્ટીએ જુએ છે, ગ્લેમર વર્લ્ડ તરીકે અને તેની તાત્કાલિક પ્રાપ્તિમાં અપશબ્દોનો દર્શકો પર હુમલો કરે છે. લોકપ્રિયતા તો કોને ન જોઈએ? પણ સાવ આ રીતે મેળવવી તે પણ ક્યાંનો ન્યાય? હાસ્ય જીવનમાં આનંદ આપવા માટે હોય છે. હા, કેટલુંક હાસ્ય હોય છે જેમાં ઉતારી પાડવાની વૃત્તિ દેખાય છે પણ એ કટાક્ષ છે અને તેનો સ્ટેજ પરથી વારંવાર ઉપયોગ કરવામાં નથી આવતો. કોઈ ગણતરીના પ્રસંગે જ તેનો ઉપયોગ થાય છે. કટાક્ષ સામે કટાક્ષ હોય છે. શાબ્દિક વેર લેવાની વૃત્તિ. જ્યોર્જ બર્નાડ શો અને ચર્ચિલના ઘણા પ્રસંગો આપણી સામે છે.
હાસ્યથી મનને પ્રફુલ્લિત અને પ્રસન્ન કરવાનું હોય છે જ્યારે પેલો ઓનલાઈનનો ગંદવાડ વિકૃતિ જન્માવી રહ્યો છે. રાજેન્દ્ર શુક્લ તેમની કવિતામાં અમથા અમથા કેમ ન હસીએની વાત કરે છે, પણ અમથા અમથા હસાતું નથી, અમથા અમથા હસાતું નથી એટલે આપણે કોઈ ઘટનાનું સ્મરણ કરી મલકી લઈએ છીએ, મિત્રો સાથે ગોઠડી માંડીએ છીએ, કાં ડાયરામાં કે કોઈ હાસ્યલેખકને સાંભળીને, હવે સોશિયલ મીડિયા તો.. જવા દો વાત!
અશ્લીલતાના બળથી સર્જાયેલા હાસ્યને જનતા સ્વીકારતી નથી અને સ્વીકારે છે તોપણ તેનું આયુષ્ય ચીરકાલીન હોતું નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ ભારતની ક્યા કુલ હૈ હમ, ક્યા સુપર કુલ હૈ હમ, મસ્તી સહિતની અઢળક ફિલ્મો છે. જોકે હવે તો હાસ્યના નામે અશ્લીલતા જ પીરસાઈ રહી છે. એ પોતાના શરીરને સૌષ્ઠવ બનાવવામાં તલ્લીન છે. બની શકે કે ઓનલાઈન જેમ એક પછી એક જંગ જીતી રહી છે એમ આ જંગમાં પણ એ જ વિજય પામે.
આવનારી પેઢી અહીંથી નહીં અટકે તો તેમના મગજમાં ક્યાંક એવી વ્યાખ્યા ચિતરાય ન જાય કે જ્યાં જ્યાં અપશબ્દો આવે ત્યાં ત્યાં હાસ્ય હોય! તેમને નહીં ખબર પડે કે હાસ્ય, વ્યંગ, કટાક્ષ, શ્ર્લેષ, વક્રોક્તિ…. આ બધું શું છે? આ શબ્દો બનીને ન રહી જાય તો સારું. છેવટે તો સારું હાસ્ય સર્જીને, અશ્લીલતાના પ્રવેશ વગર, લોકોને ખડખડાટ હસાવી દઈએ તો માનીએ. હલકી ખાલી પારેવાની પાંખને રહેવા દઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
