લેખક – હરિશંકર પરસાઈ
સાહિત્ય પ્રકાર – વ્યંગ
મૂળ ભાષા – હિન્દી
અનુવાદ – Team Chabuk
ગંગા સ્નાન જ નહીં સાધારણ સ્નાન વિશે પણ ખૂબ મોટો અંધવિશ્વાસ છે. જેમ કે રોજ સ્નાન કરવું જોઈએ. – ગરમી હોય કે ઠંડી. શા માટે નહાવું જોઈએ ? ગરમીમાં સ્નાન કરવું તો માફ કરી શકાય છે, પણ ઠંડીમાં રોજ સ્નાન કરવું બિલકુલ પ્રકૃતિવિરૂદ્ધ છે. જેમને ઈશ્વર પર વિશ્વાસ છે, એ એમ શા માટે નથી વિચારતા કે શિયાળાની ઋતુ પણ જો રોજ સ્નાન કરવાની હોત તો તે આટલી ઠંડી પેદા જ શું કામે કરેત ?
શિયાળાની ઋતુ તેણે સ્નાન કરવા માટે બનાવી જ નથી. પણ તમે ‘સી-સી’ કરતા જાવ છો અને રોજ સ્નાન કરતા જાવ છો. અને મને એ આજ સુધી સમજમાં નથી આવ્યું કે સ્નાન કરવાને અને ખાવાને શું સંબંધ છે ? કોઈ મિત્ર રજાના દિવસે સવારે આવી જાય છે અને બપોર સુધી બેસે છે. હું તેને જમવા વિશે કહું છું. તો કહે છે, ‘હજુ તો નહાયો પણ નથી.’
કેવી દલીલ છે! નહાયો નથી તો ખાવાનું શું કામે નહીં ખાઈ ? સ્નાન તો શરીરથી કરે પણ જમે તો મોઢાથી જ છે.
રોજ સ્નાન કરવાના પક્ષમાં ભાત ભાતના તર્ક આપવામાં આવે છે; જેમ કે સ્ફૂર્તિ આવે છે, મગજ સાફ થાઈ છે, કામમાં મન લાગે છે, વગેરે. આ બધું ખોટું છે. રોજ સ્નાન કરનારા કેટલાય મૂર્ખ મેં પણ જોયા છે અને આળસુ એવા કે આજ સ્નાન કરીને ઉંઘે તો કાલ સ્નાન કરવાના સમયે જ ઉઠે. પ્રતિભાનો તો નહાવાથી ઉલટો સંબંધ છે. જે વધારે સ્નાન કરશે તેમની પ્રતિભા એટલી જ ધોવાતી જશે. એક સાબિતી પર્યાપ્ત રહેશે.
કાલિદાસે પાતની કાવ્ય રચના ક્યાં કરી ? ઉજ્જૈનમાં ? બિલકુલ નહિ. મેં બે દિવસ ઉજ્જૈનમાં રોકાઈને જોઈ લીધું છે. ત્યાં ઘણા જ માંકડ છે. માલવી વૈદ્ય અને માંકડ પ્રસિદ્ધ છે. કાલિદાસ આખી રાત માંકડો સામે લડતો હશે. ઉજ્જૈનવાળાઓ એ તર્ક કરે કે વિક્રમાદિત્યના પ્રતાપના કારણે માંકડ તેમના રાજ્યમાં નહોતા હોતા. તો હું માની નહિ શકીશ. માંકડ પર ચક્રવર્તીનો કાબુ નથી ચાલતો. ઈશ્વરના ખાટલામાં પણ માંકડ હોય છે. સિદ્ધ થયું કે કાલિદાસે ઉજ્જૈનમાં કાવ્ય નથી લખ્યું પણ કાશ્મીરમાં લખ્યું.
કાલિદાસે આખું કાવ્ય કાશ્મીરમાં લખ્યું. ઉજ્જૈનમાં તો તેઓ સારા અક્ષરોની પાંડુલિપિ બનાવતા રહ્યા. ઉજ્જૈનવાળા દર વર્ષે કાલિદાસની પ્રેસ કોપી બનાવવાની સ્મૃતિમાં જલસા કરે છે. કાલિદાસનો કેસ પ્રમાણિત કરે છે કે સ્નાન ન કરવાથી પ્રતિભાનો વિકાસ થાય છે. ઘણા લોકોને આ વૈજ્ઞાનિક તથ્યનું જ્ઞાન નથી કે સ્નાન કરવાથી ત્વચાના છિદ્રો ઉઘડી જાય છે અને તેમાંથી પરસેવાની સાથે સાથે પ્રતિભાના કણ પણ નીકળે છે.
મારા એક મિત્ર તો રોજ સ્નાન કરવાની પ્રવૃતિને રૂઢીવાદી પ્રવૃતિ માને છે. એ આને સામંતી સભ્યતાનું ચિન્હ માને છે. સામન્તોને કોઈ કામ તો કરવું નથી પડતું, આ કારણે તેઓ દિવસનો મોટો ભાગ સ્નાન કરવામાં વ્યતીત કરતા હતા. સ્નાન કરવાની કળા અને સ્નાન પ્રસાધનોનો જેટલો વિકાસ સામંતી યુગમાં થયો છે તેટલો કોઈ અન્ય યુગમાં નથી થયો. તેમને આજે ખૂબ જ દુ:ખ થાય છે કે મધ્યમવર્ગ આજે આવી માન્યતાઓનો પોષક છે. શ્રમજીવીઓની પાસે સ્નાનમાં ખોટો ટાઇમ બગાડવાનો વખત નથી. શ્રમજીવીના આંદોલનમાં એટલા માટે જ અપેક્ષિત તીવ્રતા નથી આવી રહી કે તેમના નેતા મધ્યમવર્ગીય છે, જે રોજ નહાય છે.
મેં એવા લોકો જોયા છે જે રોજ માત્ર એટલા માટે અકડ દેખાડીને ચાલે છે કારણ કે તેઓ દિવસમાં બે વખત સ્નાન કરે છે. આને તે સૌથી મોટી ઉપલબ્ધિ માને છે અને તેને જીવનની સાર્થકતાનો અનુભવ કરે છે. ખૂબ જ ગર્વથી કહે છે, ‘ભાઈ, કોઈ પણ ઋતુ હોય, અમે તો બે વખત ડબલું રેડીએ જ છીએ. અને એય ઠંડા પાણીથી.’
સ્નાનના અનુભવના મોટા મહત્વ સમજાવે છે, ‘બસ, પહેલું ડબલું રેડી લો, ત્યારે જ થોડી ઠંડી લાગે છે. એ પછી તો ઠંડી લાગતી જ નથી. ગરમી લાગે છે. એ પછી દિવસભર ખૂબ સારું લાગે છે.’ હું નથી જાણતો પોતાના શરીરની તમામ ઉષ્ણતા ઠંડા પાણીથી લડવા માટે રોજ બહાર કાઢવી એ કેટલી હદ સુધી સારું છે. આ ઉષ્ણતાથી કોઈ ઉપયોગી કામ કરી શકાય છે.
ગત મહિને જ્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી હતી, તો મને એક વિદેશી મિત્ર મળ્યો. એ અહીં કોઈને ત્યાં ત્રણ ચાર દિવસ સુધી મહેમાન હતો. સ્નાન વિશે વાત કરતાં તેણે જણાવ્યું, ‘આજે સવારમાં હું સ્નાન કરવા પહોંચ્યો, તો જોયું કે સિમેન્ટનાં હોજમાં પાણી ભરેલું હતું. આખી રાતનું ઠંડું પાણી. પહેલા તો મન ન ચાલ્યું. પણ પછી મેં લોટો ભરીને નાખી દીધું. પાંચ મિનિટ સુધી શરીર સુન્ન રહ્યું.’
મને તો સાંભળીને જ કંપારી છૂટી ગઈ. તેની પાસે બેસવું મારા માટે અસહ્ય થઈ પડ્યું. મને જેવો ખ્યાલ આવતો કે આણે સવારમાં હોજના પાણીથી સ્નાન કર્યું છે તો હું ઠુંગરાઈ જતો. તેની સાથે રીક્ષામાં બેઠો તો એક ખૂણામાં લપાઈ ગયો. ક્યાંક તેના શરીરને મારું શરીર સ્પર્શ ન કરી લે. કોઈ વખત રીક્ષાની હલચલનના કારણે તેના કપડાં પણ અડકી જતા તો મારા દાંત ધ્રુજી ઉઠતા. એ ત્રણ દિવસ રહ્યો અને હું તેની અવગણના કરતો રહ્યો.
જ્યારે એ જતો હતો તો મેં તેને કહ્યું, ‘ભાઈ, તારામાં તો ગજબની ઈચ્છાશક્તિ છે. આવી દૃઢ ઈચ્છાશક્તિથી તું કોઈ પણ મોટું કામ કરી શકે છે. તું ગૌરીશંકરની ચોટી પર ચડી શકતો હતો. તું કોઈ આવિષ્કાર કરી શકતો હતો. પણ તું તેનો ઉપયોગ ઠંડા પાણીથી સ્નાન કરવામાં કરી રહ્યો છે. તારી શક્તિનો વ્યર્થ ઉપયોગ કરી રહ્યો છે. આવનારી પેઢીઓ તારા પર ફિટકારની લાગણી વરસાવશે. કહેશે, એ જમાનામાં જ્યારે દેશનું નિર્માણ થઈ રહ્યું હતું. ત્યારે કેટલાય એવા તરુણ હતા. જે પોતાની શક્તિનો ઉપયોગ ઠંડા પાણીથી સ્નાન કરવામાં ખર્ચતાં હતાં. ઈતિહાસ ક્યારેય તને માફ નહિ કરે. આગામી પેઢીઓ તારા નામ પર રડશે.’
એ હસતો રહ્યો. અત્યાધિક શારીરિક કષ્ટ આપવું હતું. કુ-સંસ્કારોના મૂળીયા ખૂબ ઊંડા હોય છે. રવીન્દ્રનાથે યોગ્ય જ કહ્યું છે કે જ્ઞાનની નિર્ઝરની અંધ-વિશ્વાસોની મરુભૂમિમાં ખોવાઈ ગઈ છે. આ લેખને વાંચીને જો કોઈ વાચક વ્યર્થ સ્નાનમાં સમય નષ્ટ ન કરવાનો નિશ્ચય કરે છે તો હું મારો શ્રમ સાર્થક સમજીશ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત