Homeવિશેષહિંગોળગઢનો કિલ્લો : અમને એક ગુપ્ત દરવાજો મળી ગયો...

હિંગોળગઢનો કિલ્લો : અમને એક ગુપ્ત દરવાજો મળી ગયો…

જસદણથી જસ્મીન સુવાગીયા : ગત પ્રકરણમાં આપે વાંચ્યું કે કેવી રીતે હિંગોળગઢ અભ્યારણમાં અમે ત્રણે મિત્રો ઘુમ્યા. ત્યાંથી આલભાઈ સાથે થોડી વાતો કરી અને હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ વિશે જાણ્યું. હવે વાત કરીએ જસદણની શાન સમાન કિલ્લાની. જે આજે પણ જસદણની જેમ અડિખમ છે.

હિંગોળગઢના જંગલમાં જ છે ઔતિહાસિક કિલ્લો. આ કિલ્લો આપણો ભૂલાયેલો વારસો છે. અમે ત્રણેય સાથીદારો રોડની પેલી બાજુ આવેલા કિલ્લા પર પહોંચ્યા. કિલ્લો ઊંચી ટેકરી પર છે, પહાડી વચ્ચે બંધાયેલો આ કિલ્લો શાહી ઠાઠમાઠનું પ્રતિક છે. રાજાના કિલ્લા સુધી પહોંચવા માટે ઢોળાવવાળો રસ્તો છે. રસ્તામાં સતત ઊંચાઈ પર ચડવું પડે પણ રસ્તા પર બાઈકથી તમે કિલ્લા સુધી પહોંચી શકો.

રાજાનો આ કિલ્લો હિંગોળગઢના જંગલની વચ્ચે પહાડી પર સ્થિત છે. સુરક્ષા માટે એકદમ એભેદ એવી જગ્યા અને એટલે જ જસદણના મહારાજનો આ કિલ્લો અજય મનાતો હતો. કોઈ તેના પર કબજો કે આક્રમણ કરવાનું વિચારી શકે તેમ હતું નહીં. વીકા ખાચર નામના રાજવીએ આ કિલ્લો 1660ની સાલમાં બંધાવ્યો હતો.

જસદણ સ્ટેટની સ્થાપના પણ ખેરડીના ખુમાણો એ જ કરાવી હતી. રાજવી પરિવારના એક વ્યક્તિનું નામ તો ગુજરાતભરમાં લોકપ્રિય છે. લવ કુમાર ખાચર. આપણા પક્ષીવિદ્…

અમે ટિકિટ લઈને કિલ્લામાં પ્રવેશ્યા. જૂના પથ્થરો અને ઈંટોનું બાંધકામ તમને જોવા મળે. મુખ્ય દરવાજો સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. તમને ઈરાની શૈલી દેખાઈ, તો બીજી બાજુ દેશી સ્થાપત્ય પણ જોવા મળે. બાંધકામ અદભૂત લાગે,

દરવાજા પર લટકાવેલ ભાલા, ફરસી, રાઈફલ સહિતના અનેક હથિયારો તમને તે સમયની નજરો નજર ઝાંખી કરાવે.

જસદણ એક કાઠી રાજ્ય હતું અને અહીં પણ તમને ભાલો, ફરસી જેવા કાઠીઓના ખાસ હથિયારો જોવા મળે, તેવી જ રીતે અંગ્રેજોના આવ્યા બાદ મળેલી જૂની બંદૂકો પણ પ્રદર્શનમાં મુકાઈ છે.

હાલ આ કિલ્લાને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવાયો છે. મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશો એટલે અહીં તમને 2 માળની હવેલી જોવા મળે. નીચેના માળે આવેલા વિવિધ રૂમમાં રાજાશાહી સાથે જોડાયેલી વસ્તુઓનું પ્રદર્શન છે. જેમા રાજવી કાળની તસવીરો, શિકાર કરતાં મહારાજાના દુર્લભ ફોટોગ્રાફ, અલગ-અલગ રિયાસતોના નકશાઓ વેગેરે મૂકવામાં આવ્યા છે. કિલ્લાને એકમાત્ર દરવાજો છે, જે પશ્વિમ દિશામાં આવેલો છે, પાણીના કુંડ, અનાજના કોઠાર…. આજે તો કેમ કરીને માનીએ કે આ કિલ્લામાં એક સમયે લોકો રહેતા હતા. એક તરફથી ભેંકાર લાગે તો બીજી તરફ કેટલીક વસ્તુઓ નિહાળતા કિલ્લામાં જ ઉતારો કરી દેવાનું મન થઈ આવે.

અમે ત્રણેય ભેરૂઓ રસોડું જોઈને તો દંગ જ રહી ગયા, પિત્તળ અને કાંસામાંથી બનેલા વાસણો, દેશી માટીના બનેલા ચૂલાઓ, જિતેન્દ્રએ કહ્યું, ‘મિત્રો આખી જાન જમાડી શકીએ તેવી વ્યવસ્થા છે.’ કેટલાક વાસણો લાકડાના છે. કેટલાક ઓજારો જોઈને અમને ખબર ન પડી કે તેનો ઉપયોગ કેવી રીતે થતો હશે.

એક જમાનામાં આ શાહી રસોડામાંથી આવતી વ્યંજનોની ખુશ્બુથી સૌ કોઈ અભિભૂત થયા હશે. પણ વાસણ જોઈ લાગ્યા વિના ન રહ્યું કે રાજા મહારાજાઓનું ભોજન વધારે જ હશે. 

રસોઈ ઘર બાદ અમે અશ્વશાળામાં પ્રવેશ્યા. હાલ તો કોઈ અશ્વ નથી, પણ એક જમાનામાં રાજાના ઘોડાઓને બંધવાની અહીં વ્યવસ્થા હતી. કાઠિયાવાડના ઘોડાઓ આમ પણ ખૂબ જાણીતા છે. કાઠી ઘોડીને જોવા તો ભલભલા દૂર દૂરથી આવે. આ એ યુગ હતો જ્યારે તેજીલા તોખારની સવારી કરવી એ રાજાઓનો મોટો શોખ હતો. યુદ્ધમાં પણ ઘોડાઓની ખૂબ મહત્વની ભૂમિકા રહેતી અશ્વશાળાની દીવાલ પર રાઈફલથી ફાયરિંગ કરી શકાય તેવા ખાના મુકવામાં આવ્યા છે. આ બાંધકામમાં સૌથી વધુ સુરક્ષા પર ધ્યાન અપાયું હોય એવુ લાગતું હતું.

ગઢ પર તોપ પણ આવેલી છે, ટેકરી પરથી તોપમારો કરીને નીચે રહેલા દુશ્મનોને કચડવાની ઉત્તમ સૈન્યનીતિનો નમૂનો આંખ સામે દેખાય. ગઢમાં વિવિધ પક્ષીઓનો કલરવ સતત તમને તેની હાજરીની પ્રતિતી કરાવતો રહે. ઘણાં વિદેશી પક્ષીઓ પણ તમને પાંજરામાં જોવા મળે.

ગઢમાં રાજાનો બેઠક હોલ માણવાલાયક છે. લાકડાનું ફર્નિચર જૂના સફેદ પંખા, બેઠક હોલની વ્યવસ્થા વેગેરે જોઈને તમને બ્રિટિશયુગની યાદ આવી જાય

ગઢની સૌથી મોટી વિશેષતા લીલા રંગના નળિયા છે. જૂના કે નવા બાંધકામમાં નળિયાનો રંગ લાલ જ હોય છે. પરંતુ અહીંના મકાન પરના લીલા રંગના નળિયા જંગલના લીલા રંગ સાથે એકરૂપ થઈ જાય છે. ગઢ સિવાય તમને ભાગ્યે જ ક્યાંક લીલા રંગના નળિયા જોવા મળશે.

ગઢના બીજા માળે રાજાનો વિશ્રામ કક્ષ આવેલો છે. ખાસ લાકડામાંથી બનેલા બેડ, દીવાલ પરના ચિત્રો, કાઠીયાવાડી ભરત કારીગીરીથી દીવાલો બેનમૂન લાગે. ભરતના એક-એક દોરાને કેવી નજાકતથી એકબીજા સાથે ગૂંથવામાં આવ્યા હશે. આ કામમાં જો જરા પણ ગડબડ થાય તો આખુ ભરતકામ પતંગના દોરાની જેમ ગૂંચવાઈ જાય. આ જમાનામાં તો પતંગની જગ્યાએ મેં ઈયરફોનનો ઉલ્લેખ કર્યો હોત તો પણ ચાલેત.

આક્રમણના સમયે નીકળવા માટેની પણ વ્યવસ્થા કિલ્લામાં જોવા મળે. પૂર્વ દિશામાં એક ગુપ્ત દરવાજો છે. જ્યાંથી સંકટના સમયે બહાર નીકળી શકાય. મે કહ્યું કે,‘આ ઈમરજન્સી એક્ઝિટ લાગે?ֹ’ અને ત્રણેય ભેરૂ હસતા-હસતા કિલ્લાની બહાર નીકળ્યા. જંગલ હજુય મલકતુ હતું. અમારી મિત્રતાની જેમ…

(જો તમે પણ પ્રવાસના શોખીન હો તો તમારો લેખ અમને મોકલી આપો. અમારું ઈમેલ ચાબુક વેબસાઈટ પરથી જ મળી જશે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments