Team Chabuk-International Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભારતીય મૂળના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેઓ યૂએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. જોકે આ વખતે તેમની અમેરિકાની યાત્રા અન્ય કારણોસર પણ ચર્ચાની એરણે ચડી છે. 24 સપ્ટેમ્બરના રોજ ક્વાડ સમિટ છે. જ્યાં ક્વાડ દેશોના નેતા, જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશિહિદે સુગા ભાગ લેશે. આ પહેલા ક્વાડ સમિટ વર્ચ્યુઅલી જ કરવામાં આવતી હતી. ક્વાડ શું છે તેની વિગતે જાણકારી મેળવીએ.

ચીનની હાલ શક્તિનો અતિરેક થઈ રહ્યો છે. અમેરિકાના તેની સાથેના વ્યાપારી સંબંધો પહેલાથી જ વણસી ચૂક્યા છે. ભારત સાથેના સીમાવર્તી વિવાદ વિશે કહેવાની જરૂર નથી. ચીન સાથે આ તમામ દેશોની દુશ્મની છે, જે વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાઈરસ બાદ તો કેટલાક રાષ્ટ્રો માટે દાઝ્યા પર ડામ બરાબર થઈ છે. અમેરિકા અને બ્રિટને તો હસ્તમેળાપ કરી વુહાનમાં ફરી તપાસનો ધમધમાટ કરાવ્યો હતો.
ક્વાડને ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ્સ (QSD) તરીકે ઓળખવામાં આવે છે. તેના સભ્ય દેશોની સંખ્યા ચાર છે. અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન. આ સંગઠનનો હેતુ સમુદ્રી સીમાઓના હિતોની રક્ષા કરવી, જળવાયુ પરિવર્તન અને હાલ કોવિડ મહામારી સામે લડવું પણ તેમાં સામેલ છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી શક્તિનો મુકાબલો કરવો એ પણ તેના ઉદ્દેશ્યની પ્રાથમિકતામાં આવે છે.

ક્વાડની શરૂઆત 2004માં હિંદ મહાસાગરમાં આવેલી સુનામીથી માની શકાય છે. ત્યારે ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાને એક સાથે મળીને રાહત અને બચાવની કામગીરી કરી હતી. જોકે આ ઓપરેશનની પૂર્ણાહુતિ થતા જ આ સંગઠનને ધ્વંસ કરી દેવામાં આવ્યું. 2006માં તત્કાલીન જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબેએ આ ગ્રુપને પુન: શરૂ કરવાનો પ્રસ્તાવ સામે રાખ્યો. તેમણે કહ્યું કે, આ ગ્રુપમાં સમાન વિચારધારા ધરાવતા દેશોએ જોડાવું જોઈએ અને હિન્દ-પ્રશાંત મહાસાગરની સુરક્ષામાં સહયોગ આપવો જોઈએ.
2007માં શિન્જો આબેએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં કેવિડ રડ પ્રધાનમંત્રી બન્યા. જે ક્વાડના આલોચક પણ હતા. તેમણે ચીનના દબાણના કારણે ક્વાડમાંથી પોતાના હાથ ઊંચા કરી લીધા હતા. 2008 સુધીમાં આ ગ્રુપ પૂર્ણ થઈ ગયું. 2017માં જાપાને ફરી ક્વાડને શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. મનીલામાં પ્રથમ વર્કિંગ લેવલની મીટિંગ રાખવામાં આવી. 2020માં ભારત-અમેરિકા-જાપાન સાથે માલાબાર નેવલ એક્સરસાઈઝમાં ઓસ્ટ્રેલિયા પણ જોડાઈ ગયું.

ક્વાડ એક ઔપચારિક ગઠબંધનની જગ્યાએ સોફ્ટ ગ્રુપ છે. તેની પાસે કોઈ નિર્ણય લેવાનો અધિકાર નથી. જેવો નિર્ણય નાટો કે યૂએનમાં લેવામાં આવે છે. આ ગ્રુપ સમિટ, મીટિંગની જાણકારી સામે રાખવી અને સૈન્ય અભ્યાસ દ્વારા કામ કરે છે. આ ગઠબંધનનું કોઈ જટિલ માળખું નથી. કોઈ પણ દેશ આ સંગઠનને ક્યારે પણ છોડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત