Team Chabuk-International Desk: કોરોનાનો યુનાઈટેડ કિંગડમ – બ્રિટનથી આવેલો સ્ટ્રેન ભારતમાં હાહાકાર અને તબાહી મચાવી રહ્યો છે. સ્થિતિ એટલી ભયંકર છે કે ભારતમાં રોજના એક લાખ ઉપર કેસ આવી રહ્યા છે. રોજ નવા આંકડા અગાઉના દિવસના આંકડાનો કિર્તીમાન કડડભૂસ કરી નાખે છે. રોજ થનારી મોતના આંકડાઓ પણ એક હજારની પાર ચાલ્યા ગયા છે. ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી છે. હોસ્પિટલમાં ઈલાજ માટે લાંબી લાઈનો લાગી છે. સ્મશાનમાં લાંબી લાઈનો લાગી છે. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની પણ લાંબી કતારો લખલખુ પસાર કરાવી જાય છે. ભારત હવે કોરોનાના યૂકે સ્ટ્રેનની સામે કેવી રીતે લડશે? એ મહત્વનો મુદ્દો છે કારણ કે બ્રિટન કોરોનાના આ નવા સ્ટ્રેનની સામે ઘણી હદ સુધી બહાર આવી ચૂક્યું છે.
બ્રિટનમાં નવો સ્ટ્રેન ક્યારે આવ્યો?
ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન બ્રિટનમાં 15 ડિસેમ્બર 2020ના રોજ ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેને સામાન્ય રીતે યૂકે સ્ટ્રેન નામ આપવામાં આવ્યું હતું. લોકોને લાગતું હતું કે વર્ષ પૂર્ણ એટલે કોરોના પણ પૂર્ણ. જોકે કોરોનાએ બ્રિટનમાં એક નવું ઘાતક સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ ઘાતક એટલા માટે પણ કહી શકાય કે 26મી જાન્યુઆરીના રોજ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોન્સન ભારતના મહેમાન બનવાના હતા. બ્રિટનની સ્થિતિ કોરોનાના કારણે હાથમાંથી સરકતી જોતા એમણે પણ ભારત આવવાની ના પાડી દીધી હતી. આ વાઈરસ અત્યાધિક ખતરનાક છે. તેની સંક્રમણ શક્તિ પહેલા કરતા વધારે છે અને તે ઝડપથી ફેલાય છે. બ્રિટનમાં સ્થિતિ બગડતા વડાપ્રધાન બોરીસ જ્હોન્સને 4 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં લોકડાઉન લગાવી દીધું.
97 દિવસનું લોકડાઉન
આ લોકડાઉન એકવીસ દિવસનું નહોતું કે પચાસ દિવસનું પણ નહોતું. બ્રિટનમાં કોરોનાની નવી લહેર સામે લડવા માટે દુનિયાનું સૌથી મોટું 97 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં રોજના 55 હજારથી વધારે કેસ આવતા હતા. બાદમાં લોકડાઉન પછી સ્થિતિમાં સુધારો આવ્યો અને રોજના ચાર હજાર કેસ આવી રહ્યા છે. હવે મોટો સવાલ એ ઉપસ્થિત થાય છે કે બ્રિટને એવો કયો ઉપાય કર્યો કે નવા સ્ટ્રેનની સામે તે જંગ જીતવા સુધીની કગાર પર પહોંચી ગયું છે. હવે 97 દિવસના લોકડાઉન બાદ બ્રિટનમાં અનલોકની પ્રક્રિયા થઈ રહી છે. આ લોકડાઉનને દુનિયાનું સૌથી લાંબુ લોકડાઉન કહેવામાં આવી રહ્યું છે.
બ્રિટને કયા કયા પગલાં ભર્યા ?
કોરોનાના નવા સ્ટ્રેનની સામે લડવા માટે બ્રિટને કડક પગલાં ભર્યા હતા. શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલય તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દેવામાં આવ્યા છે. અભ્યાસ પર અસર ન પડે આ માટે ક્લાસિસ ઓનલાઇન રાખવામાં આવ્યા છે. અને લોકોને તાકીદ કરવામાં આવ્યા કે તેઓ પોતાના ઘરમાં જ રહે. માત્ર આવશ્યક કામ હોય તો જ ઘરની બહાર નીકળે. આ સિવાય પબ અને રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ટેક અવે અને ડિલેવરી જ કરવામાં આવી રહી છે. થીએટર અને સિનેમા ગૃહ પર પાબંધી લગાવી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દરેક યુવાને અઠવાડિયામાં બે વખત કોરોનાનો ટેસ્ટ કરવાની સલાહ આપી છે. વેક્સિનેશનની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન જ ત્રણ કરોડથી વધારે લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
બ્રિટનમાં હાલની સ્થિતિ
97 દિવસના લોકડાઉન બાદ બ્રિટનમાં અનલોકની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. દુકાન, જીમ, ઝૂ, હેર ડ્રેસર, બીયર ગાર્ડન અને તમામ પ્રકારની આઉટડોર સુવિધાને પુન: વેગવંતી કરી દેવામાં આવી છે. આ વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે શું બ્રિટનમાંથી કોરોનાની નવી લહેર સમાપ્ત થઈ ગઈ છે. આ અંગે વૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે કશું નથી કહી રહ્યાં. બીજી તરફ પીએમ બોરીસ જ્હોન્સને લોકોને ચિંતામુક્ત થઈ કોરોનાની વેક્સિન લગાવવાનું કહ્યું છે. આ સાથે જ લક્ષણ ન હોવા છતાં તેઓ ટેસ્ટ કરવાનું કહે છે. આ અંગે બોરીસ જ્હોન્સને કહ્યું કે, અમે હજુ નથી જાણતા કે વેક્સિન કેટલી સુરક્ષા આપી શકશે ? બ્રિટીશ વૈજ્ઞાનિકોનું આ અંગે કહેવું છે કે સરકાર લોકડાઉન તેના સમય પહેલા હટાવી રહી છે. જેનાથી જોખમનો ખતરો ડબલ થઈ જશે. તેમણે દેશમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત