Homeગામનાં ચોરેએક મિનિટમાં આટલા પગથિયાં ચડો તો તમે સ્વસ્થ છો

એક મિનિટમાં આટલા પગથિયાં ચડો તો તમે સ્વસ્થ છો

હમણાં હું અને મારી વાઈફ લિફ્ટની રાહ જોઈ રહ્યા હતા. એવામાં અમારા પાડોશી મળી ગયા. તેમણે અમને અચાનક સવાલ કર્યો. તમારું હ્રદય કેટલું મજબૂત છે? અમે ચોંકી ગયા. અને સામે પૂછ્યું મજબૂત ? પાડોશીએ શબ્દ સુધાર્યો અને હસતા-હસતાં કહ્યું, અરે બાબા મજબૂત શું તંદુરસ્ત. તમારું હ્રદય કેટલું તંદુરસ્ત છે ? મેં પણ મજાકમાં કહ્યું આમ તો તંદુરસ્ત છે. હજુ એકેય અટેક આવ્યો નથી. પણ એમ થોડી ખબર પડે કેટલું તંદુરસ્ત છે. તેમણે વળતો જવાબ આપ્યો અને કહ્યું કે, તમારે જાણવું હોય કે તમારું હાર્ટ તંદુરસ્ત છે કે નહીં. અને છે તો કેટલું તો તમે લિફ્ટમાં જવાનું રેવા દો અને મારી સાથે સીડી ચઢો. લિફ્ટ નીચે ન આવી એટલે અમે તેમની સાથે સીડી ચડ્યા. ઉપર જઈને ખબર પડી કે પાંચમાં માળે નવું ફેમિલી આવ્યું છે તે સામાન ચડાવી રહ્યું હતું એટલે લિફ્ટ ઉપર રોકાઈ રહી હતી.

સીડીઓ ચડતા ચડતા તેમણે માંડીને વાત કરી. પાડોશી બોલ્યા, પગથિયા ચડવાનો વધુ એક ફાયદો છે. તમે જાતે જ ચેક કરી શકશો કે તમારું હ્રદય કેટલું તંદુરસ્ત છે. આ વાત કરતાં કરતાં તેઓ બોલ્યા કે, આ હું નહીં પણ સ્પેનના સંશોધકોનો દાવો છે. સંશોધનકર્તાઓએ કહ્યું છે કે, તમે પગથિયા થકી હ્રદયની તંદુરસ્તી વિશે જાણી શકો છો. ઉપરથી જો તમે એક મિનિટમાં 60 સીડી ચડી શકો છો તો તમારું હ્રદય એકદમ સ્વસ્થ છે.

સ્પેનની યુનિવર્સિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ અને આ સ્ટડીના લેખક ડોક્ટર જિસસ પટેઈરોએ હેલ્થલાઈન વેબસાઈટને કહ્યું કે, સ્ટેયર્સ ટેસ્ટ હ્રદયની તપાસની બહુ સારી અને આસાન રીત છે. જો તમને 60 પગથિયાં ચડવામાં દોઢ મિનિટ કરતાં વધારે સમય લાગે તો તેનો મતલબ છે કે તો તમારુ હ્રદય સ્વસ્થ નથી અને તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ સ્ટડી યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના વૈજ્ઞાનિકોની બેઠકમાં પ્રસ્તુત કરાઈ છે. આ બેઠકમાં લેબમાં કરવામાં આવતી એક્સરસાઈઝ ટેસ્ટિંગની તુલના સ્ટેયર્સ ટેસ્ટ સાથે કરવામાં આવી હતી.

165 લોકો પર કરાયેલી સ્ટડીમાં મોટાબોલિક ઈક્વિવેલેંટ માપવા માટે પહેલાં લોકોએ પોતાની એક્સરસાઈઝ ક્ષમતા અનુસાર ટ્રેડમિલ પર ત્યાં સુધી ચાલવા અથવા દોડવા માટે કહેવાયું કે જ્યાં સુધી તેઓ થાકી ન જાય. થોડી વાર આરામ કર્યા બાદ આ લોકોને તેજ ગતિથી 60 પગથિયાં ચઢવા માટે કહેવાયું અને તેમનો મોટાબોલિક ઈક્વિવેલેંટ ફરી માપવામાં આવ્યું.

40થી 45 સેકન્ડથી ઓછા સમયમાં પગથિયાં ચઢનારા લોકોના મેટાબોલિક ઈક્વિલેન્ટ 9થી 10 METs  હતો. છેલ્લી સ્ટડીમાં એક્સરસાઈઝ દરમિયાન 10 METs મેળવનારા લોકોનો મૃત્યુદર ઓછો નોંધાયો છે. જે લોકોને પગથિયા ચઢવા માટે દોઢ મિનિટ કે તેથી વધુ સમય લાગ્યો તેમનો METs 8થી પણ ઓછો નોંધાયો હતો.

બીજી તરફ એક મિનિટ કરતા ઓછા સમયમાં 60 પગથિયાં ચઢવા માટે 32 ટકા લોકોની તુલનામાં જે લોકોએ પગથિયાં ચડવામાં વધુ સમય લીધો તેમના હ્રદયની કાર્યક્ષમતા અનિયમિત જોવા મળી. જો કે, આ સ્ટડી પર કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે, દર ત્રણમાંથી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ જલદી પગથિયાં ચઢી લીધા તેમાંથી પણ કેટલાક લોકોની હ્રદયની કાર્યક્ષમતા સારી ન હતી. દાવો છે કે આ લોકોને પણ હ્રદય સંબંધી બીમારી થઈ શકે છે.

ન્યૂ જર્સીની મહિલા હાર્ટ સેન્ટરની ડાયરેક્ટર અને પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રેની બુલોક કહે છે કે, સ્ટેયર્સ ટેસ્ટને વ્યાપક મૂલ્યાંકનના વિકલ્પ તરીકે જોવામાં ન આવે. તેમણે કહ્યું કે, સ્ટડીના આધારે પગથિયાં ચડવાની ક્ષમતાના આધારે કોઈ પણ ફિઝિકલ ફંઝક્શનની માહિતી મેળવવી એ ખોટી રીત છે. આ રીતે હ્રદયની તંદુરસ્તીની જાણ ન થાય. આટલી વાત પુરી કરી ત્યાં અમારો 8મો માળ આવી ગયો. પાડોશીએ કહ્યું કે, હવે તમારે નક્કી કરવાનું છે કે તમે આ સ્ટડીમાં માનો છો કે નહીં. મળીએ. અમે પણ આ મુદ્દે ચર્ચા કરતાં-કરતાં અમારા રૂમમાં જતાં રહ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments