Homeગામનાં ચોરેએ સવાલનો જવાબ અહીં છે : કોરોનાની વેક્સિન કેવી રીતે બની ?

એ સવાલનો જવાબ અહીં છે : કોરોનાની વેક્સિન કેવી રીતે બની ?

Team Chabuk-International Desk: ભારતમાં વેક્સિન આપવાનો મંગળ પ્રારંભ થઈ ચુક્યો છે. હાલ ભારતમાં બે કંપનીએ બનાવેલી વેક્સિન લોકોને આપવાનું શરૂ થઈ ચુક્યું છે. કોરોના મહામારીએ દુનિયાને એવા ભરડામાં લીધી હતી કે વાઇરસની શરૂઆત થતાં જ લોકો વેક્સિન વેક્સિન કરવા લાગ્યા હતા. વૈજ્ઞાનિકો પણ આ અઘરા વાઇરસને મૂળમાંથી પકડીને ફેંકી દેવા માટે વેક્સિન પાછળ રાત-દિવસ મહેનત કરવા લાગ્યા હતા. વિશ્વભરના અલગ અલગ દેશમાં કોરોનાની વેક્સિન બનાવવા પર કામ થવા લાગ્યું. ક્યાંક ધીમે ધીમે સફળતા મળવા લાગી. તો ક્યાંક વેક્સિન કારગર ન નીવડી. તેમ છતાં વૈજ્ઞાનિકો હાર્યા નહીં. એક પ્રયોગ નિષ્ફળ જાય તો બીજો પ્રયોગ. એમ ને એમ સંશોધન થતું રહ્યું.

આવી મહામારીને નાથવા માટેની વેક્સિન બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે છતાં સંશોધનકર્તાઓએ કામ ચાલુ રાખ્યું. સફળ વેક્સિન બનાવવા માટે દરેક પાસાઓને વિચારવા પડતાં હોય છે. તેની આડઅસરને પણ ધ્યાને લેવી પડતી હોય છે. અલગ અલગ ઉંમરના લોકો પર ટ્રાયલ કરવું પડતું હોય છે. તમામ ટ્રાયલમાં લાગે કે હવે આ વેક્સિનથી કોઈને વાંધો નહીં આવે ત્યારે તે વેક્સિનને ફાઈનલ એપ્રુવલ આપવામાં આવતું હોય છે. સમગ્ર પ્રોસેસ વિચારીએ તેટલી સહેલી નથી. આટલી ઝડપથી કોઈ રોગની વેક્સિન બની જવી એ પણ એક ચમત્કાર જ છે. જે ચમત્કાર હવે માનવ જગતને રક્ષણ પૂરું પાડશે.

પરંતુ વેક્સિન બનાવવા માટેની સંપૂર્ણ પ્રોસેસ શું હોય છે અને કેવી રીતે સંશોધનની આખી પ્રક્રિયા હોય છે તેને જાણવી જોઈએ અને સમજવી જોઈએ. વાત કરીએ ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ બનાવેલી વેક્સિનની. કેવી હોય છે સમગ્ર રિસર્ચની પ્રક્રિયા તેના વિશે થોડી સમજ મેળવીએ.

ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા એ શોધ્યું કે વાઇરસને નબળો પાડવા માટે શું જરૂરી છે ? રિસર્ચમાં જાણવા મળ્યું કે, વાઈરસના સ્પાઇક પ્રોટીનને ખતમ કરવાની જરૂર છે. કોરોના વાઇરસ શરીરમાં બાદમાં જાય છે તે પહેલા આ સ્પાઇક પ્રોટીન પર હુમલો કરે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પાસે ChAdOz1 વાઇરલ વેક્ટર ટેક્નોલોજી છેલ્લા 10 વર્ષથી છે. વાઇરલ વેક્ટરથી જ ઓક્સફોર્ડ અનેક બીમારીઓની વેક્સિન બનાવે છે અને પ્રયાસ કરતા રહે છે. ChAdOz1 વાયરલ વેક્ટર દ્વારા વૈજ્ઞાનિકોએ એડિનો વાઇરસને મોડિફાઇ કર્યું. એડિનો વાઇરસથી ચિમ્પાંજીને સામાન્ય શરદી થાય છે. ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ ChAdOz1ને પસંદ કરી કેમકે આ મજબૂત ઇમ્યૂન રિસ્પોન્સ ઉભો કરે છે.  

ChAdOz1 વાઇરલ વેક્ટર વાઇરસને ફેલાવા નથી દેતો એટલે કે અન્ય વાઇરસ પેદા નથી કરવા દેતો. ChAdOz1 વાઇરલ વેક્ટર થિયરીથી જ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમની સારવાર કરી હતી. ChAdOz1ને ડિઝીસ એક્સ માટે હંમેશા તૈયાર રખાય છે. WHOની પરિભાષા મુજબ ભવિષ્યમાં આવનારી મહામારીને ડિઝીસ એક્સ કહે છે. ડીઝીસ એક્સ મુજબ જ ચીનના વૈજ્ઞાનિકોએ કોરોનાનો જિનેટિક સિક્વન્સ શોધી કાઢ્યો. ઓક્સફોર્ડે તેને ChAdOz1નો ઉપયોગ કરી વેક્સિન બનાવાની પ્રક્રિયા શરૂ કરી. ChAdOz1 વેક્ટર અને SARS-CoV-2ના સ્પાઇક પ્રોટિનને ભેગા કર્યા. વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હતો એટલે તુરંત પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યું. પ્રાણીઓ પર ટ્રાયલમાં સકારાત્મક ડેટા મળ્યો એટલે હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું.

ઓક્સફોર્ડની વેક્સિનનું ક્લિનીકલ ટ્રાયલ 3 તબક્કામાં શરૂ કર્યું. સામાન્ય રીતે ત્રણે ટ્રાયલ અલગ-અલગ હોય છે. ડોક્યુમેન્ટ્સની કાર્યવાહી અને ફંડિંગની પણ મુશ્કેલીઓ પડે છે. ઓક્સફોર્ડે ફેઝ-1 અને ફેઝ-2ને ભેગા કર્યા અને ફેઝ-2 અને ફેઝ-3ને સાથે કરી દીધા. ફેઝ એકઠા કરવાથી વેક્સિનની પ્રોસેસની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ. યોગ્ય રીતે ટ્રાયલ થાય એટલે ઓક્સફોર્ડે અલગથી ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ બનાવ્યું. ઓક્સફોર્ડની વેક્સિનનું ટ્રાયલ હજુ પણ ચાલુ જ છે અને મોનિટરિંગ બોર્ડ સેફ્ટી પર નજર રાખી રહ્યું છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ દાવો કર્યો છે કે દરેક વોલન્ટિયર્સ પર વેક્સિનની 5-5 વખત ટેસ્ટ કરાઈ છે. વેક્સિન ટ્રાયલમાં 4 દેશના 24 હજાર લોકોએ ભાગ લીધો. હાલ વેક્સિનનું અંતિમ ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં 4 દેશના 30 હજાર લોકો ભાગ લઈ રહ્યા છે.

આમ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એક સફળ વેક્સિન મળી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોવિશીલ્ડ નામની વેક્સિન બનાવી છે. અને આ વેક્સિનના ઉત્પાદનનું કામ ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મળ્યું છે. ભારતમાં હાલ જે બે વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં કોવેક્સિન ઉપરાંત કોવિશીલ્ડ પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments