Team Chabuk : રાજા ભોજ ઊભા થઈ ગયા અને ચાલવા લાગ્યા. તેમની પાછળ સૈનિકો અને પ્રણામ કરતા વેપારી. સૌથી ઊંચી ટોચ પર ચંદ્રભાન બેઠો હતો. ગામના લોકો તેની આજુબાજુ ટોળુ વળીને બેઠા હતા. રાજા ભોજ રૂપ બદલીને આવ્યો હતો અને ઘણાએ તો તેને જોયો પણ નહોતો કે રાજા કેવો દેખાય છે ? એ તો આવી અને ટોળાની વચ્ચે જગ્યા લઈ બેસી ગયો. ચંદ્રભાન શું ન્યાય કરે છે એ જોવા લાગ્યો.
વેપારીએ ચંદ્રભાન સામે એ આખી વાત રાખી દીધી જે તેણે રાજાને પણ કહી હતી. વાત સાંભળીને ચંદ્રભાન ઊંચા અવાજે બોલ્યો, ‘ન્યાય કરવા માટે કોઈ રાજા હોવાની જરૂરીયાત નથી. ન્યાયનો તો પોતાનો અલગ જ દૃષ્ટીકોણ હોય છે. જો ન્યાયપૂર્ણ દૃષ્ટીકોણ હોય તો કોઈ પણ ક્યારે પણ સાચો ન્યાય કરી શકે છે.’ આ વખતે તો ચંદ્રભાને રાજાની સામે જ અને તેના મોઢા પર જ રાજાના પદનું અપમાન કરી નાખ્યું હતું. રાજાએ તેની આજુબાજુ જોયું તો કેટલાક માથાઓ ચંદ્રભાનની વાત પર સહમતિ દર્શાવતા કૂકડાની જેમ આગળ પાછળ ડોલી રહ્યા હતા.
ચંદ્રભાન અહીંથી ન અટક્યો એ આગળ બોલ્યો, ‘જો મારા હાથમાં હોત તો હું રાજાને અબઘડી અહીં બોલાવેત અને ન્યાય કરીને બતાવેત. પછી તેને કહેત કે રાજા ન્યાય આવી રીતે થાય છે.’ રાજા તો ચંદ્રભાનની વાણીને સાંભળતો જ રહ્યો.
ચંદ્રભાને સૌથી પહેલા વેપારી, ગામના મુખિયા અને મંદિરના પુજારીને બોલાવ્યો, ‘બતાવો, વેપારીએ જે વસ્તુઓ આપી એમાં કઈ કઈ વસ્તુઓ હતી ?’ ચંદ્રભાને જેવો સવાલ પૂછ્યો મુખિયા અને પુજારી તો હક્કાબક્કા રહી ગયા. એમને ખબર નહોતી કે માથે આવી મુસીબત આવી પડશે. ચંદ્રભાનના એક સવાલથી જ મુખિયા અને પૂજારી ધ્રૂજી ગયા. કાંપતા અવાજે ચંદ્રભાનને જવાબ આપ્યો, ‘અમે તો ફક્ત પોટલી જ જોઈ છે.’
વેપારીના મિત્રને ચંદ્રભાને કહ્યું, ‘તમે તો કહ્યું હતું કે એ બંનેને બતાવીને કિંમતી વસ્તુઓ પરત કરી દીધી હતી.’ હવે ઠાવકાઈ મારતા વેપારીના મિત્રનો વારો હતો. એ શું બોલે ? એની તો જીભ થોથવાવા લાગી. ચંદ્રભાને તેને મૂંગો જોઈ કહ્યું, ‘અરે તું તો બેઈમાન માણસ છો. આ બંનેને ખોટી જુબાની દેવા માટે તે પૈસા આપ્યા છે. તે પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે વેપારીને લૂંટી જ લેવો છે.’ ચંદ્રભાનની વાત સાંભળીને વેપારીનો મિત્ર ધ્રૂજવા લાગ્યો. તેના પગ લથડવા લાગ્યા. વેપારીનો મિત્ર ચંદ્રભાનના પગે પડીને ચોધાર આંસુએ રડવા લાગ્યો.
‘મને માફ કરો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હું વેપારીની કિંમતી વસ્તુઓ પરત કરવાનો વાયદો કરું છું. હું ઘરે જઈને જ ગુપ્ત જગ્યાએ સાચવી રાખેલી એ કિંમતી વસ્તુઓ પરત કરી દઈશ.’
સૌ દંગ રહી ગયા. વેપારી ચંદ્રભાનના ન્યાયથી અત્યંત ખુશ થઈ ગયો. લોકો પણ ચંદ્રભાનના વખાણ કરવા લાગ્યા. એ વખાણ લોકોની જ વચ્ચે બેસેલા રાજાના કાને પણ પડી રહ્યા હતા. રાજાને પણ થઈ ગયું કે સૂરજભાનનો દીકરો ચંદ્રભાન ચતુર છે. ન્યાયપ્રિય છે. તેણે મનમાં જ પોતાના ન્યાયને ખોટો ઠેરવ્યો અને દોષ દેવા લાગ્યો. સૈનિકો સાથે તે રાજ મહેલમાં પરત ફર્યો.
આખી રાત રાજાને ચંદ્રભાનના ન્યાયના શબ્દો જ યાદ આવ્યા રાખ્યા. એ જ્યારે પડખુ ફરીને ઉંઘવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે ત્યારે ચંદ્રભાનના એ શબ્દો તલવારની જેમ તેના કાનને વીંધતા પસાર થઈ જતા હતા, ‘ન્યાય કરવા માટે કોઈ રાજા હોવાની જરૂરીયાત નથી. ન્યાયનો તો પોતાનો અલગ જ દૃષ્ટીકોણ હોય છે. જો ન્યાયપૂર્ણ દૃષ્ટીકોણ હોય તો કોઈ પણ ક્યારે પણ સાચો ન્યાય કરી શકે છે. જો મારા હાથમાં હોત તો હું રાજાને અબઘડી અહીં બોલાવેત અને ન્યાય કરીને બતાવેત. પછી તેને કહેત કે રાજા ન્યાય આવી રીતે થાય છે.’
ઉચાટમાં અને ચંદ્રભાનના સ્મરણમાં વીતાવેલી આખી રાત બાદ આગલા દિવસે જ તેણે ચંદ્રભાનને રાજમહેલમાં આમંત્રિત કર્યો. સૈનિકો તેને લાવ્યા. રાજાએ ચંદ્રભાનની પ્રશંસા કરતા કહ્યું, ‘હું તારી ન્યાય કરવાની પદ્ધતિથી અત્યંત પ્રભાવિત છું. પણ એક વાત મારા મગજમાં નથી ઉતરતી..’
રાજાના મુખેથી પોતાની પ્રશંસા સાંભળી ચંદ્રભાન તો ગદગદિત થઈ ગયો. રાજાને તેણે પૂછ્યું, ‘કઈ મહારાજ?’ તેના હાથ હજુ જોડાયેલા હતા.
‘તું અભણ અને એક સામાન્ય માલધારી છો. આખો દિવસ ઘેટા બકરા ચરાવવાનો અને દૂધ વેચવાનો તારો વેપાર છે. તો તું આવો ઉચિત ન્યાય કેવી રીતે કરી શકે છો?’ રાજાને આખી રાત જે વાત સતાવતી હતી એ તેમણે ચંદ્રભાનની સામે રાખી દીધી.
ચંદ્રભાને પણ સંકોચ રાખ્યા વિના હસતા હસતા રાજાને કહી દીધું, ‘આ તો પેલી ચોટીની કરામત છે મહારાજ. જ્યારે પણ હું એ ટોચ પર બેસું છું ખબર નહીં મારામાં કઈ અસીમ શક્તિઓ આવી જાય છે. હું ત્યાં બેસુ એટલે સૌનો બરાબર ન્યાય કરી શકું છું. જેવો હું એ જગ્યાએથી નીચે ઉતરી જાઉં હું હતો એવો ને એવો બુંદિયાળ થઈ જાઉં છું.’
રાજા પણ ચંદ્રભાનની વાત સાંભળીને વિચારમાં ગરકાવ થઈ ગયો. તેણે ચંદ્રભાનનો અવાજ અને તેના શરીરને જોયું. વેપારીને ન્યાય આપતા સમયે જેવો ચંદ્રભાન દૈદિપ્યમાન થઈ રહ્યો હતો તેવો અત્યારે બિલકુલ નહોતો લાગી રહ્યો. તેનું એ તેજ લુપ્ત થઈ ગયું હતું. આ તો કોઈ સામાન્ય ગવાર છોકરા જેવો દેખાતો હતો. નક્કી એ ટોચમાં કંઈક હોવું જોઈએ. મહારાજાના મગજમાં વિચારોનું ભીષણ યુદ્ધ સર્જાયું. તેમણે તાળીઓ પાડી મંત્રીઓને બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિમર્શ કરવા લાગ્યો. બુદ્ધિશાળી મંત્રીઓએ રાજા સાથે વાર્તાલાપ કરી એ નિર્ણય પર પહોંચ્યા કે જેમ ત્યાં આસપાસમાંથી કિંમતી વસ્તુઓ નીકળી તેવી રીતે એ ટોચમાં પણ કંઈક છે. જેનું ખોદકામ હજુ સુધી નથી થયું.
રાજાએ સૈનિકો અને મંત્રીઓને હુકમ કર્યો, ‘જાઓ…. જાઓ અને ટોચને ખોદી તેની અંદરથી જે પણ નીકળે તે મારી સમક્ષ લઈ આવો.’
ગામના લોકોને આજ ટોચની આજુબાજુ બેસવાનો અવસર ન મળ્યો. રાજાના મહેલમાંથી આવેલા સૈનિકો અને મજૂરોએ ટોચનું ખોદકામ કરવાનું શરૂ કરી દીધું. ટોચ હતી તેનાથી પણ ઊંડુ ખોદકામ કરવું પડ્યું. દોરડા નાખી અને અંદર સુધી જવું પડતું હતું. હવે તો તે ટોચ ઓછી અને ફાટેલો જ્વાળામુખી વધારે લાગતો હતો. એક મજૂર સાવ અંદર સુધી ગયો અને તેનો પગ કોઈ જગ્યાએ જોરથી અથડાયો. મજૂર તો ડઘાઈ ગયો, ‘અરે કંઈક છે અહીં.’
તેણે બૂમ પાડી ઉપરના મજૂરોને અવગત કર્યા. ઉપરથી દોરડાઓ નાખવામાં આવ્યા અને અંદર રહેલા મજૂરે તેને કસોકસ બાંધી દીધું. એ એટલું વિશાળ હતું કે મજૂર અંધારામાં કલ્પના નહોતો કરી શકતો કે આ વળી કઈ બલા છે. મજૂરો તાકાત લગાવવા લાગ્યા પણ તે ઊંચુ નહોતું થઈ રહ્યું. મજૂરોની સાથે હવે સૈનિકો પણ જામ્યા. એમણે પણ તાકાત લગાવી. કંઈક ઊંચુ થઈ રહ્યું હોવાનું લાગ્યું. થોડી ક્ષણોમાં તો આંખની સામે એક મોટું સિંહાસન દેખાયું. એ ચમકી રહ્યું હતું. તેની ઉપર માટીના લોંદા ચોંટેલા હતા. એને જોનારાઓની આંખો અંજાઈ ગઈ. એમાં સોના હતા. ચાંદી હતી. રત્નજડીત હતું. રાજા ભોજના આદેશ પર તેને મહેલમાં લાવવામાં આવ્યું. મહેલમાં સાફ કરી તેને રાખ્યું.
સિંહાસન મળ્યાની ખુશીમાં મહારાજાએ જશ્ન મનાવ્યો. રાતના જ્યારે જશ્ન પૂર્ણ થયો તો મહારાજા સિંહાસન પર બેસવા માટે ગયા. રાજાએ તેની સમીપ જઈ ચારેબાજુ લટાર મારી. ઉપરથી નીચે સુધી તેનું નિરીક્ષણ કર્યું. એ ધ્યાનથી જુએ છે તો તેમાં કેટલીક પુતળીઓ હતી. એ હતી તો પુતળીઓ પણ જાણે હસી રહી હોય તેવું લાગતું હતું. જાણે હમણાં જ સજીવન થઈ જશે. કલાકારે સિંહાસનની શોભામાં અભિવૃદ્ધી કરવા બનાવી હશે આમ માની રાજા સિંહાસન પર બેસવા ગયો. એ ગોઠણને વળાંકવાળી બેસવા જ જતો હતો ત્યાં એકસાથે તમામ પુતળીઓ હસવા લાગી.
રાજા ભોજ બેસતા બેસતા રોકાઈ ગયો અને દૂર ચાલ્યો ગયો. પુતળીઓ હસે તેવું રાજાએ પહેલી વખત જોયું હતું. પુતળીઓ અટ્ટહાસ્ય કરી રહી હતી. રાજાને ભયભીત કરી રહી હતી, પણ ભોજ ડરી નહોતો રહ્યો. એ પુતળીઓના હાસ્યને નીરખી રહ્યો હતો.
હાસ્યને રોકવા માટે રાજાએ પુતળીઓને પૂછ્યું, ‘પુતળીઓ તમે મને જોઈ કેમ હસી રહી છો ?’
રાજા ભોજનો પ્રશ્ન સાંભળીને રત્નમંજરી આગળ આવી…
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત