Homeસાહિત્યમેં ગુજરાતી પુસ્તકોની એક દુકાને પૂછ્યું કે ચુનીલાલ મડિયાનાં પુસ્તકો છે ?

મેં ગુજરાતી પુસ્તકોની એક દુકાને પૂછ્યું કે ચુનીલાલ મડિયાનાં પુસ્તકો છે ?

Team Chabuk-Literature Desk : ચુનીલાલ મડિયા. આ લેખકને જ્યારે જ્યારે વાંચીએ ત્યારે ત્યારે ઈર્ષ્યાનો વીંછી ડંખ માર્યા વિના નથી રહેતો. શબ્દોનું વૈવિધ્ય. પારાવાર વૈવિધ્ય. તેમની વાર્તાની ખાસિયત કહું તો કોઈ પણ ફકરો કે લીટી લઈ લો એમાં શબ્દોને કંકુ ચોખા નાખી શણગાર્યા ન હોય એવું બને જ નહિ. મડિયાની આ ખાસિયત રહી છે. શબ્દો સાથે રમવાની તેમની આવડત ભલભલાને ઈર્ષ્યા પમાડે છે.

શબ્દોનું આવું જ વૈવિધ્ય જોઈતું હોય તો સોરઠી મલકમાં જન્મ લેવો પડતો હશે! એક નજર કરીએ તો ઘણાં સારા સર્જકોની લેખન શૈલી નવોદિતોની કલમમાંથી આજે ઉભરતી દેખાય છે. મડિયાની શૈલી ક્યાંય નથી દેખાતી. મડિયાને વાંચવા અને સમજવા તો સહેલા છે પણ તેમની શૈલીની ઉઠાંતરી કરવી એ આકરી છે. મડિયા બનવા માટે વાંચન કરતા અનુભવનું વધારે મહત્વ રહેલું છે. એમણે લખેલો શબ્દ વાંચીએ તો મોઢું ભરાઈ જાય. શબ્દો જાણે નાભી સોંસરવા નીકળ્યા હોય.

કમાઉં દીકરો વાર્તાનો અંત વાંચો – આવળના એ ખાબોચિયામાં લખૂડાના ઊના ઊના લોહીનું જે પાટોડું ભરાણું એમાં રાણાએ ખદખદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું.

ઘણા વિવેચકો વાર્તા વિશે લખે છે કે ફક્ત શબ્દોનું ભાથું બાંધવાથી કંઈ વાર્તાકાર થવાતું નથી. શબ્દોની રમઝટ તો વાચક કે ભાવકને લોભાવવા માટે હોય છે. મડિયા શબ્દોની સાથે જે ઘટનાને ઉપસાવે ત્યારે થાય કે વાર્તા આને કહેવાય. બીજા ઘણા સારા સર્જકોની વાર્તા આટોપીએ તો બે ઘડી ચોપડીને છાતી માથે મુકી ઊંડા શ્વાસ લઈ લેખક શું શું કહેવા માગતા હતાં તેનો તાળો મેળવવા મથીએ. તેની જગ્યાએ આપણા મડિયાને વાંચીએ એટલે એક ચોખ્ખુ દૃશ્ય સામે આવી જાય છે. ઘટના જાણે આંખની સામે બનતી હોય. કોઈ મોટી મોટી વાતો એ માંડતા નથી. ફલાણું ને ઢીંકણું વર્ણન કરતાં નથી. શરણાઈના સૂરમાં એમની શરણાઈ પણ પાત્ર બનીને બોલતી હોય અને મહેંદીના રંગમાં મહેંદી પણ બોલતી હોય.

હંમેશાં એ વાતનું દુ:ખ રહેશે કે મડિયા સમય કરતાં વહેલા ચાલ્યા ગયા. શું કામે ? શું એમણે કરવું હતું એ કામ તેમણે ધરતી પર પતાવી દીધું ? એમણે જે જે લખ્યું એ ઈશ્વરે આપેલા સમય કરતા વહેલું પતાવી નાખ્યું. ચાબુકને યાદ છે કે એક પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષીએ મડિયા સાથેના સંભારણાને વાગોળતા કહેલું કે, ‘એમની સોરઠી બોલી એટલે હસી હસીને લોટપોટ થઈ જાવ.’

એ હાસ્ય મડિયાની બે નવલકથામાં પણ આવ્યું. ગુજરાતીમાં ભદ્રંભદ્ર અને અમે બધાં જેવી ક્લાસિક બે નવલકથાઓ છે. એ પછી હાસ્યની મહાનવલ તરીકે કોઈને મુકવી હોય તો સધરા જેસંગનો સાળો ને મૂકી શકાય. તેના બે ભાગ પણ છે અને તેના પછીનો ભાગ સધરાના સાળાનો સાળો પણ છે.

2020માં પ્રગટ થયેલ મડિયાનું સમગ્ર પદ્ય નામના પુસ્તકમાં નિરંજન ભગતનો કિસ્સો અહીં અચૂક ટાંક્યા જેવો અને મડિયાની કોઈ પણ વસ્તુ શીખવા પાછળની ધગશનો ઉત્તમ નમૂનો છે.

‘મડિયા તમે બધું લખી શકશો, સોનેટ નહીં લખી શકો.’ બલ્લુકાકાએ મડિયાને કહ્યું, મારી હાજરીમાં. સમય 1951, સ્થળ 34, ચોપાટી રોડ, મુંબઈ. મડિયાએ એમની મહાકાય નવલકથા – ઈંધણ ઓછાં પડ્યાં અને એની પુરોગામી પાવકા જ્વાળા બલ્લુકાકાને ભેટ આપી હતી એનું વાચન બલ્લુકાકા કરતા હતા એવામાં મડિયા અને હું એમની સાથે મળ્યા ત્યારે વાતચીતમાં બલ્લુકાકાએ નવલકથાનું કદ ધ્યાનમાં રાખીને મડિયાને આ આહવાન આપ્યું.

નવલકથા અને વાર્તા સર્જક મડિયા સાથે જ અત્યાર સુધી જે નવા વાચકોનો પનારો પડ્યો હોય તેમના માટે તો મડિયાની 2020માં નવી ટેલેન્ટ સામે આવી કહેવાય. મડિયા આપણી વચ્ચેથી ગયા તેને તો વર્ષોના વર્ષ વીતી ગયા. ઘણા લેખકો આવ્યા અને ગયા છતાં આજે યુવા સર્જકોના માનસપટ પર મડિયાની અમીટ છાપ છે. ઘણા યુવા સર્જકોએ ચાબુકની સામે કબુલ્યું છે કે, ‘મડિયાને તો ન જ ભૂલી શકાય.’  

આપણે ત્યાં વારંવાર એવું થાય છે કે ગામડામાંથી શહેરમાં વસવાટ કરવા માટે કોઈ જાય ત્યારે તેની ભાષામાં ફેરફાર આવી જાય, એ લેખક હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખવાનું. મડિયા તો મુંબઈ જેવા મહાનગરમાં પણ રહ્યા છતાં તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ વાંચતા એવું જ લાગ્યા રાખે છે કે હજુ આ માણસ સૌરાષ્ટ્રના કોઈ અંતરિયાળ ગામડામાં ઓટલે બેસીને માનવો અને પશુઓનું નિરીક્ષણ કરતો હશે. અનુભૂતિના દ્વારમાંથી પસાર થઈને લખતા હશે.

હંમેશાં એ વાત પણ વિચારતા કરી દે છે કે મડિયાનું આયુષ્ય તો ટૂંકું રહ્યું. ફક્ત 46 વર્ષ. ને આ 46 વર્ષમાં પણ તેમણે કંઈ કેટલાય જીવોનો અનુભવ કર્યો. જેટલા અનુભવો કર્યા એ બધા કાગળ પર ઉતાર્યાં હશે!

મડિયાનું સમગ્ર પદ્ય પુસ્તકમાં જ મડિયા કુમાર માસિકને આપેલા સાક્ષાત્કારમાં એક વાતનો જવાબ આપે છે કે, ‘મારાં લખાણો ફરી વાંચવા જેટલો હજી અવકાશ મળતો નથી. સિવાય કે એનાં પ્રૂફ સુધારવાનાં હોય. મારી પ્રેરણા લખાણો કરતાં જીવનમાંથી વધારે પ્રમાણમાં મળતી હોય છે.’

ટૂંકા આયુષ્યમાં મડિયાએ જે કરવું હતું તે કરીને બતાવ્યું. ડંકાની ચોટ પર કરી બતાવ્યું. આજે નવી પેઢીના ઘણા સર્જકોમાં આળસવૃતિ ઘર કરી ગઈ છે. સારા સારા સર્જકોમાં. તેમનો મોટાભાગનો સમય તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ, ઘોડો ચણા ખાઈ અને ધરાય નહિ એમ ખાઈ જાય છે. એવામાં ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળીને અનુભવનું ભાથું બાંધી વાર્તાઓ તો ક્યાંથી લખવી. મડિયામાં બંને વાત દેખાય છે. એ નસીબદાર પણ રહ્યા કે આટલા અનુભવો પુસ્તકરૂપે ઉતાર્યા. મહેનતુ પણ રહ્યા કે જેટલા અનુભવો થયા તે લખી જાણ્યા. ખાલી વિચારવાયુ ન થયો કે આના પરથી પણ વાર્તા લખી શકાય અને પછી વિચારમાં જ વાર્તા રહી જાય.

એટલે જ સંપાદકો દ્વારા મડિયાની કેટલીક સારી વાર્તાઓ અલગ તારવવામાં આવે તો મુખ્ય ક્લાસિક તરીકે કમાઉં દીકરો, શરણાઈના સૂર અને વાની મારી કોયલ તો આવે જ છે. બીજી ખૂદ મડિયાને ગમતી અને ચાબુકને પણ પસંદ છે એવી 21 વાર્તાઓ છે. આ તમામ વાર્તાઓ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ તરીકેના પુસ્તકમાં સંગ્રહિત છે.

આ આર્ટિકલની વચ્ચે કેટલાક કાવ્યો હતાં. એ કાવ્યો મડિયાના પુસ્તક મડિયાનું સમગ્ર પદ્યમાંથી જ લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ચાબુક જુએ છે તો દુ:ખ થાય છે કે મડિયાએ કેટલું બધું સર્જન કર્યું અને તેમના વાચકો પાસે તેમાંથી અડધું પણ નથી. પુસ્તકમેળામાં કે કોઈ બુકસ્ટોલે જઈએ તો ઘણી બધી નવલકથાઓ અને નાટકો જડતા નથી. ગમતાં સર્જકની અન્ય કૃતિઓ મહામુસીબતે શોધવી એ વાંચકને મળેલો શ્રાપ છે.

ચુનીલાલ મડિયાના પુત્ર અમિતાભ મડિયા મડિયાનું સમગ્ર પદ્ય પુસ્તકમાં એક વાત નોંધે છે – 1997માં હું ભાવનગર ફરવા ગયો ત્યારે મેં ગુજરાતી પુસ્તકોની એક દુકાને પૂછ્યું કે ચુનીલાલ મડિયાનાં પુસ્તકો છે ? ‘નથી, પણ મડિયા કરતાંય સારા લેખક ઈશ્વર પેટલીકરનાં પુસ્તકો અહીં છે.’ જવાબ મળ્યો!

પેટલીકર માટે માન છે. ખૂબ જ માન છે. પણ વાત જો પેટલીકર અને મડિયાની સર્જક ક્ષમતાની હોય તો મડિયા જ જીતે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ફક્ત વીસ વર્ષમાં મડિયાએ એ કરી બતાવ્યું છે જે આપણે ત્યાં ઘણા સર્જકો નેવું ટપી ગયા છતાં નથી કરી શક્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments