Homeગામનાં ચોરેભાસ્કર સમૂહ પર દરોડાઃ ભાસ્કરે કહ્યું, નાઈટ શિફ્ટમાં આવેલા કર્મચારીઓને સાડા બાર...

ભાસ્કર સમૂહ પર દરોડાઃ ભાસ્કરે કહ્યું, નાઈટ શિફ્ટમાં આવેલા કર્મચારીઓને સાડા બાર વાગ્યે ઘરે જવા દેવાયા, મહિલા અધિકારીઓ પણ નહતા

Team Chabuk-National Desk: દેશમાં સૌથી વધુ અખબારનો ફેલાવો ધરાવતું દૈનિક ભાસ્કર ગ્રુપ સવારથી સમાચારોમાં છવાયેલું છે. સવાર-સવારમાં જ દૈનિક ભાસ્કર સમૂહની (bhaskar group) અલગ અલગ શહેરોમાં આવેલી ઓફિસો (office) અને માલિકોના ઘર સહિતની જગ્યાએ આવક વેરા (income tax) વિભાગમાં દરોડાની (raid) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવક વેરા વિભાગની ટીમે દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત ઘણી ઓફિસોમાં કાર્યવાહી કરી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આવક વેરા વિભાગની ટીમે ભાસ્કર સમૂહમાં કામ કરતાં ઘણા લોકોના ઘરે જઈને પણ દરોડા પાડ્યા છે.

સમગ્ર કાર્યવાહી સામે ભાસ્કર સમૂહ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરીને આ કાર્યવાહીની આલોચના કરવામાં આવી છે. ભાસ્કર દ્વારા લખવામાં આવ્યું છે કે, સાચા પત્રકારત્વથી સરકાર ડરી ગઈ છે. ગંગામાં મૃતદેહોથી લઈને કોરોનાથી થયેલાં મોતના સાચા આંકડા દેશની સામે રજૂ કરનારા ભાસ્કર ગ્રુપ પર સરકારે દરોડા પાડ્યા છે. ભાસ્કર સમૂહ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવક વેરા વિભાગની ટીમે ઓફિસમાં હાજર લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા હતા અને બહાર પણ જવા દેવામાં આવ્યા ન હતા. નાઈટ શિફ્ટના લોકોને પણ ઓફિસમાંથી બહાર જવા દેવામાં આવ્યા નહતા. દરોડામાં સામેલ અધિકારીઓએ કહ્યું હતું કે, આ તેમની પ્રક્રિયાનો ભાગ છે અને પંચનામુ કર્યા બાદ તેમને બહાર જવા દેવામાં આવશે.

ભાસ્કરે કહ્યું કે, નાઈટ શિફ્ટમાં આવેલી ડિજિટલની ટીમને છેક બપોરે સાડાબાર વાગે ઘરે જવા દેવામાં આવી હતી. ભોપાલ અને અમદાવાદ સહિત જ્યાં ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા ત્યાં ભાસ્કરની ડિજિટલ વિંગમાં મહિલા કર્મચારીઓ પણ હાજર હતા. પરંતુ મહત્વની વાત એ છે કે આવક વેરા વિભાગની ટીમમાં કોઈ મહિલા કર્મચારી નથી. સિનિયર અધિકારીઓએ દરોડાની આ કાર્યવાહી પાછળનું ચોક્કસ કારણ પણ આપ્યું ન હોવાનું ભાસ્કર સમૂહે કહ્યું છે.

પોતાના અહેવાલમાં જૂના અહેવાલો ટાંકીને ભાસ્કર આગળ લખે છે કે, બીજી લહેર દરમિયાન 6 મહિના સુધી ભાસ્કરે દેશ અને કોરોના પ્રભાવિત મુખ્ય રાજ્યની વાસ્તવિક સ્થિતિને સમગ્ર દેશ સમક્ષ રજૂ કરી હતી. ગંગામાં તરતા મૃતદેહો હોય કે કોરોનાના કારણે થયેલાં મોતના આંકડા છુપાવવાની વાત હોય, ભાસ્કરે નીડર પત્રકારત્વ દાખવી જનતાની સામે સત્ય રજૂ કર્યું હતું. જેથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ભાસ્કર ગ્રુપનું માનવું છે.

દરોડાના મામલે સંસદ ઠપ્પ

ભાસ્કર સમૂહ પર આવક વેરાના દરોડાની કાર્યવાહી બાદ આજે સંસદની કાર્યવાહી પણ તોફાની બની હતી. સંસદના ચોમાસુ સત્રમાં ભાસ્કર ગ્રુપ પર પાડવામાં આવેલા આવક વેરા વિભાગના દરોડાનો મુદ્દો વિપક્ષે જોરશોરથી ઉઠાવ્યો હતો. રાજ્યસભા ગૃહમાં વિપક્ષે આ કાર્યવાહી મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે 2 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં પણ ફોન ટેપિંગ અને જાસૂસીનો મુદ્દો ઉઠાવીને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે પણ આ અંગે કહ્યું કે, દરોડા દ્વારા મીડિયાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમનો સંદેશ નક્કી છે કે, જે ભાજપ સરકાર સામે બોલશે, તેઓને છોડવામાં નહીં આવે. આ પ્રકારની વિચારધારા ખૂબ જ ખતરનાક છે. તમામને આની સામે અવાજ ઉઠાવવો જોઈએ. આ પ્રકારના દરોડા બંધ કરવામાં આવે અને મીડિયાને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે.

ભારત સમાચાર ચેનલ પર પણ કાર્યવાહી

દૈનિક ભાસ્કર સમૂહની સાથે ઉત્તર પ્રદેશમાં ભારત સમાચાર ચેનલની ઓફિસમાં પણ આવક વેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવક વેરા વિભાગની ટીમે ભારત સમાચાર ચેનલની ઓફિસ અને એડિટર-ઈન-ચીફ બૃજેશ મિશ્રા, સ્ટેટ હેડ વીરેન્દ્ર સિંહ અને બીજા પ્રમોટર્સના ઘરે પહોંચીને પણ તપાસ કરી છે. મહત્વનું છે કે ભારત સમાચાર ચેનલે કોરોના મહામારી, હાથરસ દુષ્કર્મ કેસ અને ઉત્તર પ્રદેશમાં વધી રહેલી ગુનાખોરી મામલે સરકારની ભારે આલોચના કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments