Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં શુક્રવારના રોજ એક બાળકીની થયેલી હત્યાનો કોયડો ઉકેલાય ગયો છે. ઝાંસી પોલીસે આ કેસ માત્ર એક જ દિવસમાં ઉકેલી નાખ્યો હતો. ઝાંસીના મઉરાનીપુરના ગામ ધૌર્રામાં 13 વર્ષીય બાળકીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીની હત્યા તેના જ પિતાએ પ્રેમ પ્રસંગ સહિતના અન્ય કારણોને લઈ કરી હતી.

પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ગામના અન્ય લોકોએ તેની દીકરીની હત્યા કરી નાખી હતી. જોકે તેની ચતુરાઈ અને પોલીસની આંખમાં ધૂળ નાખવાની આ ચાલ કામ નહોતી આવી. પોલીસે કડક શબ્દોમાં પૂછતાછ કરતા તેણે રહસ્યનું પોટલું ખોલી નાખ્યું હતું.

ઝાંસીના મઉરાનીપુરના ગામ ધૌર્રાના રહેવાસી બલ્લુ પ્રજાપતિની પુત્રીની શુક્રવારના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા એવા સમયે થઈ જ્યારે તે કપડાં ધોઈ પરત આવી રહી હતી. પિતાએ પાડોશીઓ પર હત્યા કરી હોવાનો કેસ નોંધ્યો હતો. તપાસ દરમ્યાન ઘટનામાં કંઈક ભીનું સંકેલાતું હોવાનું દેખાતા પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. જેમાંથી પિતાનો કોઈ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યું હતું.

આ પ્રેમ પ્રસંગ અંગે ગામના કેટલાક લોકોને જાણકારી પણ હતી. જેથી હત્યારા પિતાએ આયોજન ઘડ્યું કે પહેલા તેની દીકરીનું કાસળ કાઢી નાખી અને બાદમાં તેની હત્યાનો દોષનો ટોપલો પ્રેમ પ્રસંગની જાણકારી રાખનારા લોકો પર ઢોળી નાખવો. યોજના પ્રમાણે જ બલ્લૂ પ્રજાપતિ પોતાની પુત્રીને ગામની બહાર લઈ ગયો હતો અને ધારદાર કુહાડીથી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સમગ્ર હત્યા ઉપરથી પડદો હટાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા