Homeગામનાં ચોરેદેશના સૌથી વૃદ્ધ કિડનીદાતા બન્યા કલા શાહ, 56 વર્ષના પુત્રને આપી કિડની

દેશના સૌથી વૃદ્ધ કિડનીદાતા બન્યા કલા શાહ, 56 વર્ષના પુત્રને આપી કિડની

Team Chabuk-National Desk: મુંબઈના એક પરિવારમાં 56 વર્ષીય પુત્ર પર સ્વાસ્થ્યનું સંકટ તોળાતા 81 વર્ષીય માતાએ પોતાની કિડની તેને દાન કરી દીધી હતી. નવી મુંબઈના અપોલો હોસ્પિટલના ડોક્ટરોએ દાવો કર્યો છે કે 81 વર્ષની ઉંમરમાં કિડની દાન કરવાનો આ દેશનો પ્રથમ કેસ છે. વૃદ્ધાએ કિડની દાન કરી દિલ્હીના 80 વર્ષની ઉંમરે કિડની દાન કરનારના વિક્રમને તોડ્યો છે.

DHOSA

56 વર્ષીય રાજેન શાહની 2020માં આકસ્મિક કારણોસર કિડની ખરાબ થઈ ગઈ હતી. સપ્તાહમાં ચાર વખત તેમને ડાયાલિસીસ કરાવવાની જરૂર પડતી હતી. જેનાથી છૂટકારો મેળવવા માટે હાલમાં જ ચિકિત્સકોએ તેમને કિડની પ્રત્યારોપણની સલાહ આપી હતી. પરિવારજનોએ રાજેન શાહ માટે કિડની ડોનરની શોધખોળ શરુ કરી હતી. જોકે તેમની વૃદ્ધ માતા કલા શશિકાંત શાહ પુત્ર રાજેનને કિડની આપવા માટે તૈયાર થઈ ગઈ. તેમની આ પહેલ પર ડોક્ટરો પણ કૌતુકમાં સરી પડ્યા હતા.

કલા શાહની વય વધારે હોવાના કારણે ડોક્ટરોને સંદેહ થયો. જોકે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાં તેમની કિડની ઉપયુક્ત હોવાનું સામે આવ્યું. ડોક્ટરો પણ આ માટે તૈયાર થઈ ગયા. અંતે માતાની કિડની પુત્રના શરીરમાં સફળતાપૂર્વક પ્રત્યારોપિત કરવામાં આવી.

રાજેન શાહ ટાઈપ ટુ ડાયાબિટીઝ અને હાઈપરટેન્શનના દર્દી છે. જેથી કિડનીની ગંભીર બીમારી હોવાથી અઠવાડિયામાં ચાર વખત ડાયાલિસીસ કરાવવું પડતું હતું. તેઓ અને તેમનો પરિવાર મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહે છે. રાજેન શાહ આઈટી કંપનીમાં નોકરી કરે છે. 2021માં કિડની પ્રત્યારોપણ બાદ માતા અને પુત્ર સ્વસ્થ છે. રાજેન શાહને કિડની આપવા માટે તેની પત્ની પણ તૈયાર થઈ ગઈ હતી. પરંતુ તેમને હાઈપરટેન્શન હોવાના કારણે ડોક્ટરોએ તેમને મનાઈ ફરમાવી.

81 વર્ષની વયે પણ સ્વસ્થ હોવાનું રહસ્ય ઉજાગર કરતા કલા શાહે કહ્યું હતું કે તેઓ સવારે જલ્દી ઉઠે છે. યોગ્ય સમયે ભોજન લે છે. હંમેશા સક્રિય રહે છે. ઘરમાં પૂરી રીતે સકારાત્મક વાતાવરણ છે. જેથી ચિંતાનો કોઈ સવાલ નથી. આ કારણે જ તેઓ 81 વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. અપોલો હોસ્પિટલના ડોક્ટર અમોલ પાટીલે જણાવ્યું હતું કે આ પહેલા દિલ્હીમાં 80 વર્ષીય વ્યક્તિએ કિડનીનું દાન કર્યું હતું. કલા શાહની વય 81 વર્ષની છે. એ રીતે શાહ સૌથી વૃદ્ધ અને જીવિત કિડની દાતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments