Team Chabuk-National Desk: ડિઝીટલ ચૂકવણીનો જમાનો આવી ગયો છે. દુકાને દુકાને ઓનલાઈન પેમેન્ટ થાય છે. કોરોના આવ્યા બાદ ઓનલાઈન પેમેન્ટમાં વધારો થઈ ગયો છે. મહાનગરોમાં તો ઓનલાઈન સિવાય વાત નહીં, આમ પણ અત્યારે કેટલીક દુકાનોમાં ચિલ્લરની અછત પ્રવર્તી રહી છે. એક, બે અને પાંચના સિક્કાઓની જગ્યાએ દુકાનદારો ચોકલેટ પકડાવી દે છે. આવી સ્થિતિમાં કોઈ પાસે પાંચ પૈસાનો સિક્કા હોય એ તો કેમ બને પણ એવું બન્યું છે અને એ સ્કીમમાં જ દુકાનનો માલીક લપેટાઈ ગયો છે.
પાંચ પૈસાના સિક્કા તો કોની પાસે હશે? આવો ખયાલી પુલાવ પકાવીને એક બિરયાની સ્ટોલના માલિકે ગ્રાહકોને ખુલ્લી ઓફર કરી કે જેની પણ પાસે પાંચ પૈસાનો સિક્કો હશે, તેને મફતમાં બિરયાની જમાડવામાં આવશે. આ ઓફર આપવી દુકાનના માલિકને ભારે પડી ગઈ હતી. બીજા દિવસે પાંચ પૈસાના સિક્કાની સાથે ત્રણસો લોકો દુકાન પર આવી પહોંચ્યા હતા. સ્થિતિ હાથમાંથી સરકી રહી હતી. લોકોની ભીડ ઉતરોતર વધી રહી હતી એટલે રેસ્ટોરન્ટના માલિકે પોલીસને બોલાવી અને શટર પાડી દીધું.
આ આખી ઘટના આકાર પામી છે તમિલનાડુના મદુરૈ વિસ્તારમાં, જ્યાં એક વ્યક્તિએ સુકન્યા બિરયાની સ્ટોર ખોલ્યો છે. દુકાન માલિક પોતાની દુકાનનું પ્રમોશન થાય આ માટે નીતનવીન આઈડિયા વિચારતો હતો, તેમાં આ આઈડિયા તેના ભેજામાં ક્લિક થઈ ચ્યુંગમની જેમ ચોંટી ગયો. તેણે તુરંત જાહેરાત કરી નાખી, કે જે પણ પાંચ પૈસાનો સિક્કો લઈ આપે તેને મફતમાં બિરયાની ખવડાવવામાં આવશે. ઓફર આપતી વખતે દુકાનના માલિકને એ વાતની ખબર સુદ્ધા નહોતી કે તમિલનાડુના આ વિસ્તારની આસપાસ જ પાંચ પૈસાનો સિક્કો ખિસ્સામાં સાચવી આટલા બધા લોકો રખડતા હશે.
બીજા દિવસે બિરયાની ખાવા માટે દુકાનની આગળ ભીડ જામી હતી. ત્રણસોથી વધુ લોકો પાંચ પૈસાના સિક્કા સાથે પહોંચી ગયા હતા. મફતની બિરયાની ખાવાના ચક્કરમાં લોકો એ પણ ભૂલી ગયા હતા કે કોરોનાની ગાઈડલાઈન જેવું કંઈ છે. હાથમાં પાંચ પૈસાનો સિક્કો હતો અને જીભમાં બિરયાનીનો સ્વાદ પામવાની મહેચ્છા હતી. અંતે દુકાનના માલિકે પોલીસને બોલાવી હતી. પોલીસે લોકોની ભીડને સંભાળી હતી અને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. જેમને મફતમાં બિરયાની ખાઈ જ લેવી હતી એ લોકો આ મુદ્દે ફરિયાદ કરી રહ્યા હતા, પણ આનાથી એક વસ્તુ શીખવા મળે છે કે, લોકો આજેય કેટ કેટલી વસ્તુઓ ઘરમાં છુપાવીને બેઠા છે. બસ, કહેતા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત