Homeગામનાં ચોરેટેકનિકલ ખરાબીના કારણે ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં પડી

ટેકનિકલ ખરાબીના કારણે ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં પડી

Team Chabuk-National Desk: પાકિસ્તાને ગુરૂવારના રોજ દસ માર્ચે એવો દાવો કર્યો હતો કે ભારતની એક મિસાઈલે તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. જેને લઈ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. શુક્રવારના રોજ 11 માર્ચે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ રક્ષા મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે, 9 માર્ચ 2022ના રુટીન મેન્ટનન્સ દરમિયાન ટેકનિકલ ખરાબીના કારણે એક મિસાઈલ દુર્ઘટનાવશ ફાયર થઈ ગઈ હતી. ભારત સરકારે તેને ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચસ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. એ જાણવામાં આવ્યું છે કે મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં જઈ પડી છે. આ ઘટના અત્યંત ખેદજનક છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈનો પણ જીવ નથી ગયો.

પૂર્વે પાકિસ્તાને આરોપ લગાવતા કહ્યું હતું કે ભારતની તરફથી એક સુપરસોનિક ઓબ્ઝેક્ટ તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરતા એક વિસ્તારમાં પડી છે. આ ઓબ્ઝેક્ટ એક મિસાઈલ હતી. પાકિસ્તાને કહ્યું હતું કે, ઓબ્ઝેક્ટની ઝડપ 124 કિલોમીટર પ્રતિ-કલાકની હતી અને તે ખાનેવાલ જિલ્લાના મિયાં ચન્નૂ વિસ્તારની પાસે પડી હતી. પાકિસ્તાનનો દાવો હતો કે આ હુમલામાં સ્થાનિક લોકોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. જોકે ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવા સમાચાર નથી.

પાકિસ્તાની સૈન્યની મીડિયા અને પીઆર વિંગ ISPRના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઈફ્તિખારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ઘટના નવ માર્ચની છે. પ્રાથમિક તપાસમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની તરફથી આવેલ સુપરસોનિક ઓબઝેક્ટ સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઈલ હતી. નિવેદનમાં બાબર ઈફ્તિખારે એ પણ કહ્યું હતું કે મિસાઈલ અચાનક પાકિસ્તાનની તરફ આગળ વધી ગઈ. પાકિસ્તાનની વાયુસેનાની તેના પર નજર મંડાયેલી હતી.

મિસાઈલ પડ્યા બાદ પાકિસ્તાનની સરકારની પ્રતિક્રિયા આવી હતી. ત્યાંના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ ઘટનાને ભારતની આક્રામકતામાં ખપાવી હતી. એક પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યા અનુસાર શાહ મહમૂદે કહ્યું હતું કે ભારતે આ ઘટનાની જવાબદારી લેવી પડશે અને સ્પષ્ટતા કરવી પડશે. જોકે બાદમાં રક્ષા મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments