Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના તારીખો જાહેર થઈ ગઈ છે અને સૌપ્રથમ આમ આદમી પાર્ટીએ પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો પણ જનતાની સમક્ષ જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ કરેલા સર્વેમાં સૌથી વધુ મત ઈસુદાન ગઢવીને મળ્યા છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કરી દીધું છે.
AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ એક પરિવર્તનની ક્ષણ છે અને ગુજરાતની જનતા પણ હવે પરિવર્તન ઈચ્છી રહી છે. પંજાબની જેમ અમે ગુજરાતમાં પણ જનતા પાસેથી અભિપ્રાય મેળવીને મુખ્યમંત્રીપદના ચહેરાનો નિર્ણય લીધો છે.
કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સર્વેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ગઢવી ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યાં છે અને મહેનત પણ કરી છે. સાબરમતી જેલમાં અમે સાથે હતાં ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યાં છે. ઈસુદાનના માતાએ જય માં મોગલ અને જય દ્વારકાધીશ કહીને જણાવ્યું હતું કે, માતાજી તેને આશિર્વાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આશિર્વાદ આપજો. ઈસુદાનના પત્ની હિરલ ગઢવીએ કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.
આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાંખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજુ કશું નથી જોઈતું પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરું. હું કર્મના સિદ્ધાંતમાં માનવા વાળો વ્યક્તિ છું. અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો કે ઈસુદાન તમે રાજનીતિમાં આવી જાઓ સિસ્ટમનો ભાગ બનો. ત્યાર બાદ મેં દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક જોયા. રાજનીતિ શોખ નથી મારી મજબૂરી છે. ગુજરાતની જનતાની પીડા નથી જોવાતી. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી. પરંતુ એક લક્ષ્મણ રેખા હોય કે હું ન્યુઝ ચલાવી શકું પરંતુ કાંઈ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
