કેન્દ્રની મોદી સરકારે કોઈની પણ વાત જાણે સાંભળવાનું બંધ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો આંદોલનનો મુદ્દો તો દેશમાં ચરમસીમા પર છે ત્યારે ઈન્કમ ટેક્સ રિટર્નની તારીખ લંબાવવાને લઈને પણ દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે છતાં કેન્દ્ર સરકાર અને એમાંય ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સિતારમન આંખ આડા કાન કરી રહ્યા છે.
કોરોનાના કારણે દેશની અર્થવ્યવસ્થા ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ છે. કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થામાં મોટું ગાબડું પડ્યું છે. તેવા સમયે મોડેથી શરૂ થયેલી ઈન્કમ ટેક્સ રિટર્ન કરવાની પ્રક્રિયા હજુ પણ દેશભરમાં પૂર્ણ નથી થઈ ત્યારે સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નજીક આવી જતાં દેશભરના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ અકળાયા છે. આઈટી રિટર્ન ફાઈલ કરવા માટેનો સમય વધારવા માટે અનેક વખત રજૂઆત કરી છે. ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ અંગે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે છતાં સરકારના પેટનું પાણી નથી હલતું.
શા માટે તારીખ વધારવી જરૂરી ?
સરકાર દર વર્ષે આઈટી રિટર્ન ફાઈલિંગ માટે નવા ફોર્મ બહાર પાડતી હોય છે. દર વર્ષે એપ્રિલ-મે મહિના સુધીમાં આ ફોર્મ આવી જતાં હોય છે અને 30 સપ્ટેમ્બર આઈટી રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જે ફોર્મ એપ્રિલ-મેમાં આવી જતાં હતા તે છેક સપ્ટેમ્બર મહિનામાં આવ્યા હતા અને રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ સરકાર દ્વારા 31 ડિસેમ્બર જાહેર કરવામાં આવી. આમ સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટને સમય ઓછો મળ્યો પરંતુ કામ દર વર્ષ જેટલું જ રહ્યું. તેથી આજની તારીખે પણ હજુ દેશભરમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની 30 ટકા કામગીરી બાકી છે. અને અંતિમ તારીખને બે દિવસનો જ સમય બચ્યો છે. તેથી તારીખ વધારવી જરૂરી હોય તેવું સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ માની રહ્યા છે.
રાત્રી કર્ફ્યૂના કારણે કામગીરી ઓછી થાય છે
રાજકોટના સીએ અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગની કામગીરી સાથે સંકળાયેલા નિર્મલભાઈ ઉમરેટીયાએ ધ ચાબુક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એક તો મોડેથી રિર્ટન ફાઈલિંગની કામગીરી શરૂ થઈ છે. દર વર્ષે જે સમય મળે છે તેટલો સમય પણ નથી મળ્યો. દર વર્ષે પણ સીએની ઓફિસોમાં રાત્રે મોડે સુધી ફાઈલિંગની કામગીરી ચાલતી હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતના મેટ્રો સિટીમાં 9 વાગ્યે કર્ફ્યૂ લાગી જતાં ઓફિસો મોડે સુધી ચાલુ નથી રાખી શકાતી. આ ઉપરાંત રિટર્ન ફાઈલિંગની વેબસાઈટ છે તે પણ વારંવાર હેંગ થઈ જાય છે. તેથી ઘણી કામગીરી ઓછી થઈ છે. તેથી સરકાર જો રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારે તો સારું રહે.
ભાજપના સાંસદ સુરેશ પ્રભુએ પણ તારીખ વધારવા કરી છે માગ
ટેક્સ ભરનાર અને ટેક્સ કન્સલ્ટન્ટ તો દેશભરમાંથી તારીખ લંબાવવા માટે માગ કરી જ રહ્યા છે પરંતુ ભાજપના રાજ્યસભાનાં સાંસદ સુરેશ પ્રભુએ પણ 16 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનને પત્ર લખીને તારીખ લંબાવવા અંગે રજૂઆત કરી હતી.

સુરેશ પ્રભુ ઉપરાંત પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વિની શર્માએ પણ 28 ડિસેમ્બરના રોજ નિર્મલા સિતારમનને પત્ર લખીને તારીખ લંબાવવા રજૂઆત કરી છે. અશ્વિની શર્માએ પત્ર લખીને રજૂઆત કરી છે કે, ‘કોરોનાકાળમાં ઉભી થયેલી પરિસ્થિતિ તથા મુશ્કેલીઓને જોઈને અલગ અલગ વેપારી સંગઠન, વેપારી મંડળ સહિત અનેક લોકોએ મને વારંવાર ઈન્કમ ટેક્સ અને જીએસટીની તારીખ લંબાવવા માટે રજૂઆત કરી છે. તમામની રજૂઆતોને આધારે હું તમને વિનંતી કરું છું કે અંતિમ તારીખને વધારીને 31 માર્ચ 2021 સુધીનો સમય આપવામાં આવે.’

આઈટી રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે જેને લંબાવવા માટે દેશભરના 40 જેટલા સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટના એસોસિએશન દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે છતાં કોઈ પરિણામ આવ્યું નથી. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે.હાલ બે દિવસનો સમય બચ્યો છે ત્યારે સીએ અને ટેક્સની કામગીરી સાથે સંકળાયેલા લોકો અકળાયા છે.
તારીખ ન લંબાવવા પાછળનો સરકારનો તર્ક એવો હોઈ શકે છે કે, સરકારને એવું લાગી રહ્યું છે કે જો 31 ડિસેમ્બર અંતિમ તારીખ રાખવામાં આવે તો મોટાભાગના લોકો તેમનું રિટર્ન ફાઈલ કરી દે જેથી એટલું ટેક્સનું કલેક્શન વધુ થઈ જાય.
આઈટી રિટર્ન ટાઈમસર ફાઈલ ન કરો તો શું થાય ?
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર 2020 સુધીનો સમય આપ્યો છે ત્યારબાદ જો કોઈ ફાઈલ કરે છે તો તેને પેનલ્ટી પેટે 1 હજારથી લઈને 10 હજાર સુધીની રકમ ભરવી પડશે. આ ઉપરાંત જે તે રકમ ઉપર વ્યાજ પણ ભરવું પડે છે.
આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારવાને લઈને દેશભરમાંથી ઉગ્ર માગ થઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર આ અંગે મીમ અને કાર્ટુન પણ શેર થઈ રહ્યા છે.



આમ સરકાર ટેક્સ પ્રોફેશનલ્સ અને ટેક્સ પેયર્સની માગ પર ધ્યાન તો નથી જ આપી રહી સાથે સાથે ભાજપના રાજ્યસભાના સાંસદ સુરેશ પ્રભુ અને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વિની શર્માની રજૂઆત પર પણ ધ્યાન નથી આપી રહી. ટેક્સ પેયર્સ અને ટેક્સ પ્રોફેશનલ્સની માગ પર સરકાર ઝડપથી ધ્યાન આપે તેવી માગ દેશભરમાંથી ઉઠી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત