Homeતાપણુંમોદીના ટાગોર લુક પર મમતા એ જે જે કહ્યું એ ભાજપને નહીં...

મોદીના ટાગોર લુક પર મમતા એ જે જે કહ્યું એ ભાજપને નહીં ગમે

લોકસભા ચૂંટણી બાદ હવે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ચૂંટણી આવી ચૂકી છે. બિહારની ચૂંટણી જીતી જનારી ભાજપ હવે ગમે તે ભોગે બંગાળનો ગઢ સર કરવા માગે છે. બે મહિનાથી તો કેન્દ્રના નેતાઓની બંગાળમાં ઉઠક બેઠક પણ વધી ગઈ છે. અને હવે મમતા બેનર્જી પણ કેન્દ્રના નેતાઓના આવાગમન પર ચૂંટણી પ્રચાર કરી વરસી પડ્યા છે.  

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મંગળવારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પદયાત્રા કાઢી હતી અને રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કેન્દ્રના મોટામાથાઓને આડેહાથ લીધા હતા અને મન મૂકીને પ્રહારો કર્યા હતા. મમતાએ ભાજપને ચેલેન્જ કરતા કહ્યું કે, ત્રીસ સીટ જીતીને બતાવો 294નું સપનું પછી જોજો.

મમતાએ કહ્યું કે, હવે ભાજપના નેતાઓ દર અઠવાડિયે આવે છે. ફાઈવ સ્ટાર ભોજન ખાઈ છે અને દેખાડે છે એવી રીતે જાણે આદિવાસી સાથે ભોજન લે છે. અમે 365 દિવસ રવીન્દ્રનાથ ટાગોરની સાથે છીએ. પણ ભાજપ રોજ ખોટેખોટા વીડિયો બનાવીને સમાજનું વિભાજન કરવાનું કામ કરે છે.

મમતા બેનર્જીએ બીરભૂમની સભામાં પીએમ નરેન્દ્ર મોદીના રવીન્દ્રનાથ ટાગોર લૂકને લઈ કહ્યું કે, કોઈએ નવું રૂપ ધારણ કર્યું છે. કોઈ વખત એ ટાગોર બનવા ઈચ્છે છે. કોઈ વખત ગાંધી બનવા ઈચ્છે છે. ભાજપવાળા કેન્દ્રિય એજન્સી અને પૈસાનો ઉપયોગ કરીને બંગાળમાં ઘુસવા ઈચ્છે છે.

મમતાએ ભાજપને પડકાર આપતા કહ્યું છે કે, પહેલા ત્રીસ સીટ જીતીને બતાવે એ પછી 294 સીટ જીતવાનું સપનું જુએ. આ સિવાય મમતા બેનર્જીએ ખેડૂતોના મુદ્દે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

મમતાએ કહ્યું કે, દિલ્હીથી ભાજપના જે નેતાઓ અહીં આવે છે તેમને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર વિશે કશી ખબર નથી. કહે છે કે તેઓ શાંતિનિકેતનમાં પેદા થયા છે. મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે, આજે વિશ્વભારતી યુનિવર્સિટીને રાજનીતિમાં ધકેલવામાં આવી રહી છે. બંગાળમાં નફરતની રાજનીતિને આસરો આપવામાં આવી રહ્યો છે. એ લોકો હિંદુ ધર્મને ખત્મ કરવા ઈચ્છે છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની આલોચના કરતા કહ્યું કે, ભાજપ અહીંયા પૈસાને તોલી રહી છે. એ પૈસા આપે તો લઈ લો બાકી વોટો તો અમને જ આપો. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ હવે રાષ્ટ્રગાનમાં પણ બદલાવ લાવવા ઈચ્છે છે. બંગાળની સંસ્કૃતિ પર નિશાનો સાધવા માગે છે. તેમને લાગે છે કે ટીએમસીના કેટલાક ધારાસભ્યો ખરીદીને તે પાર્ટીને તોડી નાખશે. પણ એવું થશે નહીં.

બીરભૂમની રેલીને સંબોધિત કરતા પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા કરી હતી. જેમાં હજ્જારો લોકોએ ભાગ લીધો હતો. જોકે આ એ જ જગ્યા છે જ્યાં થોડા સમય પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ રોડ શો કરી જનતાને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો.

294 અને 182

ભાજપ કોઈ પણ રાજ્યમાં હવે ચૂંટણી પ્રચાર કરવા માટે જાય છે ત્યાં એક નિવેદન આપે જ છે કે અમે રાજ્યની તમામ બેઠકો જીતીશું. ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ પાટીલે પણ પોતાની નિયુક્તિ બાદ જોશ અને જુસ્સા સાથે કહેલું કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 182માંથી 182 સીટ જીતશે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ 294માંથી 294 સીટ જીતવાનો દાવો કરી રહી છે. જોકે ગુજરાતમાં તો પાટીલે પેટા ચૂંટણીમાં 8માંથી 8 સીટ જીતી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે હવે વર્લ્ડકપ જીતે છે કે નહીં તે જોવાનું રહેશે. આ તરફ બંગાળમાં 294માંથી 294 જીતવી એટલે ? શું કેન્દ્રના ભાજપના નેતાઓની આ ગોખણપટ્ટી છે કે જેટલી સીટ હોય તે બધી સીટ જીતવા વિશે વારંવાર કહેવાનું ચાલું જ રાખવાનું?

સૌરવ સ્ટ્રોક

આ વચ્ચે એવી વાતો પણ થઈ રહી છે કે બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 12 જાન્યુઆરીના રોજ ભાજપમાં જોડાઈ શકે છે. 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. ત્યારે ભાજપ સૌરવ ગાંગુલીને બંગાળમાં પોતાનો ચહેરો બનાવે છે કે આ માત્ર અફવા ઉડી રહી છે તે આવનારી 12 તારીખે જ ખ્યાલ આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments