Homeવિશેષચાબુકને જીતેશનો સવાલ : જોનાથન સ્વીફ્ટ વિશે જણાવો

ચાબુકને જીતેશનો સવાલ : જોનાથન સ્વીફ્ટ વિશે જણાવો

તો આજ સન્ડે ફન્ડેનો સવાલ આવ્યો છે પોરબંદર પાસે આવેલા કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામેથી. સવાલ પૂછનારા છે ખાગેશ્રીની પ્રાથમિક શાળાના શિક્ષક જીતેશભાઈ મઢવી. અંગ્રેજીમાં રૂચિ ધરાવે છે. આજે પણ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરે છે. પ્રશ્ન શાનદાર અને જાનદાર છે. જોનાથન સ્વીફ્ટ વિશે જણાવો.

ગજબ કહેવાય. આજે જીતેશ દોંગાનું ઈન્ટરવ્યૂ પણ ચાબુકમાં પ્રસિદ્ધ થયું અને બીજું આજે તમારો સવાલ પણ આવી ગયો. એક જ નામ.

તમારો પ્રશ્ન મળ્યો તેને ઘણો સમય થઈ ગયો. આ પ્રશ્નને તો ગઈકાલે દિવાળી પર જ પ્રસ્તુત કરી દેવાની જરૂર હતી, કારણ કે દિવાળીના દિવસે જ બાળ દિવસ હતો. દિવાળીના કારણે જ એક સાથે ઘણી ઘટનાઓ પર પાણી ફરી વળ્યા. જે લેવા જેવી હતી.

જોનાથન સ્વીફ્ટને જીતેશભાઈ એક કટાક્ષ લેખક તરીકે ઓળખવામાં આવે છે. એમની ઓળખ જ કટાક્ષકાર તરીકે થઈ હતી. સમય જતા ગુલીવર ટ્રાવેલ્સ આવી અને તેઓ સાહસકથાના લેખક બની ગયા. એ સાહસકથાનો મુખ્ય હેતુ તો કટાક્ષ કરવાનો જ હતો. જે આજે પણ કેટલાક સાહિત્યરસિકો નથી સમજી શક્યા.

તેના વિશે અભિવ્યક્તિનું એક બહુચર્ચિત વાક્ય છે. એ આધુનિકતાની સામે ક્લાસિકનો મુદ્દો લાવતો અને વિવાદ છેડતો. તેણે એક નિબંધ લખ્યો હતો. જેમાં તેણે આધુનિક લેખકોની તુલના કરોળીયાની સાથે કરી હતી. જ્યારે ક્લાસિક જેમના લખાણનો પરચમ લહેરાતો હોય તેની તુલના મધમાખીઓ સાથે કરતા હતા. સ્વીફ્ટનું એવું માનવું હતું કે, ક્લાસિકમાં મીઠાશ પણ હોય છે અને પ્રકાશ પણ હોય છે. આ મુદ્દાએ એ સમયના લેખન જગતમાં ભારે ઉહાપોહ મચાવ્યો હતો.

જીતેશભાઈ તેની કેટલીક વાતો અને તેના કેટલાક નિબંધો ઉત્સુકતા જગાવવાની જગ્યાએ ચિતરી ચડે તેવા હતા. એક વખત તો તેણે નિબંધ લખ્યો હતો કે તમારું પેટ કેવી રીતે ફુલાવવું? સામાન્ય રીતે આ વિષય પર ત્યારે તો કોણ લખે?

જીતેશભાઈ અત્યારના મીડિયા જગતમાં પેટ ઘટાડવા વિશે જાત જાતના ઉપાયો લખવામાં આવે છે, પણ કોઈ પાતળી પરમાર જેવા દુખિયારાને પોતાનું શરીર વધારવું હોય તો આ માટેના ઉપાયો સૂચવવામાં નથી આવતા. તેણે શરીર સ્થૂળકાય કરવાનો નિબંધ તો લખ્યો પણ આગળ જતા તેણે સંડાસ પર પણ નિબંધ લખેલો હતો.

તે સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપતો તેમાં જગતના ભાવકો અને તેના અલબેલા સાહિત્યક મિત્રોને વાંધો નહોતો. વાંધો એ હતો કે કોઈ વખત જોનાથન સ્વીફ્ટનું મગજ ઘુમરીએ ચડી જાય તો કોઈ દિવસ મગજમાં પણ ન આવે તેવા વિષયો પર તે લખવાનું શરૂ કરી દેતો હતો. આવા અવનવા નિબંધો લખવા સિવાય જીતેશભાઈ એ શબ્દો પણ નવા નવા વાપરતો હતો. સાહિત્યમાં તેનું પ્રદાન શબ્દ માટે પણ છે. ઓક્સફર્ડ ડિક્ષનરીમાં કાઉબોય નામનો શબ્દ છે. અંગ્રેજી સાહિત્યના ઈતિહાસમાં એ શબ્દનો પ્રથમ ઉપયોગ કરનારો સ્વીફ્ટ જ હતો.

ગુલીવર ટ્રાવેલથી સુવિખ્યાત થયેલા જોનાથન સ્વીફ્ટની એક વાત શંકા ઉપજાવે છે. તેણે કેટલું લખ્યું હશે ? મોટાભાગે તે ઉપનામથી લખતો હતો. ઘણા બધા ઉપનામ રાખ્યા હતા અને આ રીતે ઘણું બધું છપાવ્યું હતું. ગુલીવર ટ્રાવેલ છપાવી ત્યારે તેની 10,000 કોપી વેંચાઈ હતી.

એ ચોપડી પર કોઈ જોનાથન સ્વીફ્ટનું નહીં પણ પુસ્તકના પાત્ર લેમ્યુઅલ ગુલીવરનું નામ હતું. તેનું શીર્ષક પણ ભયાનક હતું. Travels into Several Remote Nations of the World. In Four Parts. By Lemuel Gulliver, First a Surgeon, and then a Captain of Several Ships.

જીતેશભાઈ આપણને લાગે કે ગુલીવર ટ્રાવેલ્સ એ કોઈ સાહસકથા છે. એવું છે નહીં. એ માનવજાત પર કરવામાં આવેલો મહાકટાક્ષ છે. હિન્દીમાં તેનો પાઠ ભણવામાં આવતો ત્યારે આપણા માસ્તરોએ પણ આપણને એ વાતથી અવગત ન કર્યા કે તમે જે પાઠને ભણી રહ્યા છો તે વાસ્તવમાં ખૂબ લાંબી કથા છે. તે કોઈ બાળકથા નથી. તેના પાયામાં સટાયર એટલે કે કટાક્ષનું બીજ રોપાયેલું છે. એ કટાક્ષના પાયામાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ જેવા બે દેશો ધરબાયેલા પડ્યા છે.

કેવો કટાક્ષ ? અમીરોનું શરીર મોટું છે. તેઓ રાજકારણમાં આવે કે બિઝનેસમાં આવે. નાના માણસોએ તેમને કોઈને કોઈ રીતે પૈસા આપવા પડે છે. વેતિયાઓના ટાપુમાં ટેણીયાઓ જ્યારે ગુલીવરને ભોજન કરાવડાવે છે અને ગુલીવર ખાતો જ જાય છે તો આ એ વાત સાબિત કરે છે કે નાના લોકો મોટા લોકોને ખવડાવ્યા કરે છે. નાના લોકો એ બુદ્ધી વગરના છે. મોટાઓને તો ગમે એટલું ભોજન કરાવશો એ ખાતા જ રહેશે. આવા નાના નાના કટાક્ષો હતા. તે આપણે ત્યાં બાળ સાહિત્ય કે કિશોર સાહિત્ય કરી દબાવી નાખ્યા.

લેખક તરીકે તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે પણ આ લેખકને લેખક બનવું જ ન હતું. એ તો પાદરી થવા માટે પેદા થયો હતો. પાદરી બનવા માટેનો સંપૂર્ણ અભ્યાસ પણ તેણે કર્યો હતો. આ જ ક્ષેત્રમાં તેણે ડિગ્રી પણ હાંસલ કરી હતી, પણ પછી પ્રિસ્ટો સાથે થોડું ધમાસાણ થઈ ગયું.

એ યુદ્ધ પાંગર્યું કઈ રીતે. જોનાથન સ્વીફ્ટની એક કૃતિના કારણે. જોનાથન સ્વીફ્ટે એક વ્યંગરચના લખેલી હતી. અ ટેલ ઓફ અ ટબ. આ લખાય ત્યારે સ્વીફ્ટ ઈંગ્લેન્ડમાં રહેતો હતો. કથા કંઈક એવી છે કે, ક્રિશ્ચિયન ધર્મ સાથે સંકળાયેલા એક ભાઈના ત્રણ દીકરાઓ હોય છે. તેના પિતા વસિયત ઘડે છે. વસિયત પ્રમાણે તેમને કોટ મળે છે. આ કોટ ફેશનના માળખામાં ફિટ નથી બેસતા હોતા. ત્રણે ભાઈઓ તેને બદલવાનું કહે છે. બદલવો કઈ રીતે ? નક્કી કરે છે બાપુજીની વસિયતમાં ખામી શોધો અને કોટ બદલો. ખામી શોધવામાં વ્યંગ સર્જાય છે. આ વ્યંગથી ક્વિન એન ખૂબ નારાજ થયા. જોનાથનની ચર્ચમાં નિયુક્તિ થવાની હતી. આ નિયુક્તિમાં ક્વિન એને અવરોધ લાદી દીધો. સ્વીફ્ટે ચર્ચ સામે દંગલ કર્યું.

એ કૃતિને હું જીતેશભાઈ તેના ચર્ચમાં કાર્ય કરવાના અવરોધનું પુખ્તા કારણ નથી માનતો. એ નાનપણથી જ ડબલિનમાં ઉછર્યો હતો. ઈંગ્લેન્ડમાં રહ્યો હતો. ચર્ચમાં તેને કોઈ ભૂમિકા ભજવવા ન મળતા તે આયર્લેન્ડ આવી ગયો. અહીં તેણે આયર્લેન્ડના સમર્થનમાં લખવાનું શરું કર્યું. ઈંગ્લેન્ડના ઉમરાવો આ ધ્યાનમાં જ રાખીને બેઠા હતા કે ક્યારે સ્વીફ્ટનું ગળું હાથમાં આવી જાય. કૃતિના વ્યંગે એ ભાગ ભજવ્યો. વ્યંગથી મેં ફલાણા વ્યક્તિનો મજાક ઉડાવ્યો જ નથી એવું સાબિત કરવું ઘણું અઘરૂ છે, કારણ કે વ્યંગના એકસાથે ઘણા અર્થો પ્રગટ થતાં હોય છે.

એ આયર્લેન્ડના સમર્થનમાં લખતો એ વાત પણ આયર્લેન્ડના કેટલાક બળદિયાઓને ગમતી નહોતી. 1720માં તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યો. તેનું પ્રિન્ટર કબ્જે કરી લેવામાં આવ્યું. સ્વીફ્ટની વાર્તાનો મોટો વળાંક અહીં આવે છે જીતેશભાઈ.

હવે તે પોતાના નામે કોઈ કૃતિ છાપી શકે તેવી અવસ્થામાં નહોતો એટલે તેણે છદ્મનામ જેને અંગ્રેજીમાં કહેવાય સ્યુડોનેમમાં લખવાનું શરૂ કરી દીધું. આમ તેના ઘણા આર્ટિકલો અલગ અલગ લેખકોના નામથી છપાતા હતા. જે લેખકોનું ધરતી પર અસ્તિત્વ જ નહોતું.

કોઈ નવો લેખક આવી જાય અને વાચકો વાંચે તો મોટી ઉપાધી એ રહેતી કે આ શ્રીમાન જોનાથન સ્વીફ્ટે જ લખ્યું છે કે પછી બીજા કોઈ લેખકે.

જીતેશભાઈ તેને એક યુવતી પ્રેમ કરતી હતી તેની તેને ખબર જ નહોતી. ઉનાળો ચાલતો હતો. જોનાથન લંડનમાં વસવાટ કરી રહ્યા હતા. વસવાટ દરમિયાન તેઓ વાનહોમરિઘ પરિવારના સંપર્કમાં આવ્યા. તેમને તેની સાથે વધારે સંબંધ નહોતો રાખવો. સમય જતા એક મુસીબત ઊભી થઈ. તેને એક છોકરી લવલેટર લખતી હતી. લવલેટરની નીચે નામ લખેલું હોય વેનિસ્સા. સમય જતા તેને ખ્યાલ આવ્યો કે મને પ્રેમ કરનારી છોકરી એ બીજી કોઈ નહીં પણ ઈસ્ટર છે. આ ઈસ્ટર વાનહોમરિઘની દીકરી હતી. પ્રેમમાં પડ્યા પછી એ સ્વીફ્ટની પાછળ પાછળ આયર્લેન્ડ સુધી ધક્કો ખાઈ આવેલી, પણ લેખક સાથેના સંબંધોમાં તેને દુ:ખ સિવાય કંઈ ન સાંપડ્યું.

ભવિષ્યમાં ક્યારેય આયર્લેન્ડ ફરવા જવાનું થાય તો ત્યાં એક ગાંડાની હોસ્પિટલ છે. આ ગાંડાની હોસ્પિટલની જીતેશભાઈ આમ તો કોઈ મુલાકાત નથી લેતું, પણ મુલાકાત લેવાનું કારણ એ છે કે આ એ સમયે જોનાથનના વધેલા ધનમાંથી ઊભી કરવામાં આવી હતી. જે તેણે દાન કરેલ. આજે તેનું નામ સેન્ટ પેટ્રીક મેન્ટલ હોસ્ટિપલ છે. અહીંના કેટલાક ગાંડાઓ બોલતા હોય કે, ‘તું તો જો વેતીયો.’ તો જોનાથન સ્વીફ્ટે કલ્પના કરીને લખેયા ટેણીયા યાદ આવ્યા વિના નથી રહેતા.

સ્વીફ્ટ પણ પ્રેમિકા ઈસ્ટરના રંગમાં રંગાય ગયેલો એ વાતનો તેની કવિતાથી ખ્યાલ આવે છે. કેડનેસ અને વેનિસ્સા નામની કવિતા તેણે લખી હતી. આ બેઉં વચ્ચે સેક્સ સંબંધો હતા. જે પૂરવાર કરવા તેણે કોફી શબ્દનો ઉપયોગ કર્યો હોવાનું પણ કહેવાય છે. તો જીતેશભાઈ તમને અમારા જવાબથી પૂરતો સંતોષ થયો હશે. આભાર સવાલ પૂછવા બદલ.

(તમારી પાસે પણ આવા સવાલ હોય તો અમને પૂછો. Team Chabuk એ સવાલનો જવાબ શોધવાની પૂરતો પ્રયત્ન કરશે. અમારું ઈમેલ આઈડી અમારી નાનકડી વેબસાઈટમાંથી જ તમને મળી જશે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments