Homeસાહિત્યજ્યોતીન્દ્ર દવેની ‘ખોટી બે આની’ની વાત-મયૂર ખાવડુ

જ્યોતીન્દ્ર દવેની ‘ખોટી બે આની’ની વાત-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: જ્યોતીન્દ્ર હાસ્યના મહાસાગર છે. પ્રથમ પંક્તિના છે એટલા માટે જ નહીં પરંતુ હાસ્ય નિબંધનું જે બંધારણ તેમણે ઘડ્યું એનાથી સ્વતંત્ર થવું મુશ્કેલ છે. જ્યોતીન્દ્ર પહેલા પણ હાસ્યના નિબંધો લખાયા જ હતા. ઉચ્ચ કક્ષાના હતા. શ્રેષ્ઠ હાસ્યનિબંધોના સંપાદનમાં તેને સ્થાન આપી શકીએ એ ઘાટના. પરંતુ બાદમાં એ લેખકો સતત હાસ્યની રચના નથી કરી શક્યા. સવાર-સાંજ કવિતા લખતા હોઈ અને વચ્ચે એક વાર્તા ફૂટી નીકળે તો ત્યાં પણ પોતાનું સૂક્ષ્મ યોગદાન આપતા જઈએ એમ જ માની લો. જ્યોતીન્દ્ર કાયમ હાસ્ય નામની પત્નીના થઈને રહ્યા.

જ્યોતીન્દ્રનો એક નિબંધ છે. ખોટી બે આની. અભ્યાસક્રમમાં પણ સ્થાન પામ્યો હતો. પામતો રહ્યો છે અને પામતો રહેશે. કેમ કે જ્યોતીન્દ્રના અન્ય નિબંધોની સાપેક્ષે ખોટી બે આની ખૂબ ટૂંકો છે. એમાં હાસ્યનું તત્વ એક જ ઘટના પર આધારિત છે. લેખકના હાથમાં ખોટી બે આની આવી ગઈ છે અને એ ગમે તે ભોગે તેનાથી છૂટકારો ઈચ્છે છે. પણ ખોટી બે આની અહીં ખૂદ ઈચ્છાધારી નાગના સ્વરૂપે છે. તેના બાહુપાશમાંથી છૂટકારો મેળવવો કઠીન છે. વચ્ચે વચ્ચે હાસ્યના પ્રસંગો આવતા રહે છે. અહીં જ્યોતીન્દ્ર સ્થૂળ હાસ્યની સાથે સાથે સૂક્ષ્મ હાસ્યનું મિશ્રણ કરે છે અને હસાવે છે. નિબંધ તો હાસ્યનો છે પણ તેની છાતીમાં મર્મપ્રધાન નામનું ગુલાબ ખીલ્યું છે.

જ્યોતીન્દ્રની સમસ્યા આપણી સમસ્યાથી જરાં પણ ઓછી નથી. ભૂતકાળમાં જ્યારે નોટબંધી થઈ ત્યારે હું જમ્યા પછી 500 રૂપિયાની નોટ રેસ્ટોરન્ટવાળા ભાઈને આપતો હતો. વચ્ચે કોઈએ ડબકું પણ મૂક્યું કે, આ નોટ તો હમણાં આઠ વાગે જ બંધ થઈ ગઈ. પણ પેલા રાજસ્થાનીભાઈએ તેની વાત પર વિશ્વાસ ન મૂક્યો. એટલા માટે કે હું પત્રકાર હતો! પત્રકાર પર તેણે ખોટો વિશ્વાસ મૂક્યો. જેમ આજે પણ કેટલાય લોકો મૂકી બેસે છે. એણે મારી પાંનસો રૂપિયાની નોટનો સહર્સ સ્વીકાર કર્યો અને મને છૂટા આપી સમસ્યામાંથી છૂટો કર્યો. પત્રકાર તરીકેનો મને એ પહેલો અને છેલ્લો ફાયદો થયેલો. સારું થયું એમણે નોટનો સ્વીકાર કર્યો, નહીં તો મારે પણ લાઈનમાં ઊભું રહેવું પડેત અને હું પણ જ્યોતીન્દ્રની ખોટી બે આની નિબંધની માફક એક સારો નિબંધ લખી શકેત એટલા કડવા અનુભવ મને થાત. જોકે જ્યોતીન્દ્ર જેવી પ્રતિભા અને બુદ્ધિચાતુર્ય હું ક્યાંથી લાવેત?

જ્યોતીન્દ્રને એમના સમયના વિવેચકો હસતા ફિલસૂફ તરીકે ઓળખાવે છે. જ્યોતીન્દ્ર જ્યારે કન્ડેક્ટરને મળવા માટે જાય છે ત્યારે એક સરસ વિધાન મૂકે છે, ‘જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે.’ વેપારીનું પાત્ર તો હજુ બોલે છે કે આ આની ખોટી છે પરંતુ કેટલાક માનવોના મુખનું અવલોકન કરતા આપણને ખ્યાલ આવી જાય છે કે તે શું કહેવા માગે છે. કન્ડેક્ટરના અનામી પાત્ર આગળ જ્યોતીન્દ્ર જે રીતે છણાવટ કરે છે તે તેની બુદ્ધિમતા અને નિરીક્ષણનો અસીમ પુરાવો છે.

નિબંધમાં લેખકને ચા પીવાનો હજુ સમય તો નથી થયો પણ પોતાનું કામ પાર પડી જાય એટલે એ સમય અવધિ પૂર્વે ચા પીવા રેસ્ટોરન્ટમાં જાય છે. મનુષ્ય ખૂદના ફાયદા માટે નીતિ નિયમોનું ઉલ્લંઘન કરતા પારોઠનાં પગલાં ભરતો નથી. જ્યોતીન્દ્રના એક જ નિબંધમાંથી માનવજીવનની સુક્ષ્મતાના કેટલાય દૃશ્યો ઉઘાડા પડે છે. ખરેખર તો અહીં એક માનવ અન્ય માનવની સાથે કરી રહેલી લુચ્ચાઈના અગણિત દાખલા ભરેલા પડ્યા છે. જ્યોતીન્દ્ર ઈચ્છેત તો પોતાની લાક્ષણિક ઢબથી આ લેખનને વધારે લાંબુ અને ધારદાર બનાવી શકેત, જેની રસપ્રયુક્તિમાં જરાં અમથી પણ ઉની આંચ ન આવેત, પણ જ્યોતીન્દ્ર જાણે છે કે તેણે ક્યાં અટકવું અને ક્યાં લંબાવવું.

આપણે ઈશ્વરને ક્યારે યાદ કરીએ છીએ? જ્યારે ખરી સમસ્યામાં ફસાયા હોઈએ ત્યારે. નહીં તો ઈશ્વર પ્રસાદ સિવાય ક્યાં યાદ આવે છે. જ્યોતીન્દ્રનું આ વાક્ય વાંચી તમે બુદ્ધિજનો સમજી જશો – ‘પૈસા લેવા માટે ગલ્લા પાસે ઊભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ મને લાગ્યું અને ‘એ ઉપકાર ગણી ઈશ્વરનો’ હું હરખાયો.’ જ્યોતીન્દ્ર પણ આ નિબંધમાં ઈશ્વરની વાતને કોમામાં મૂકે છે. લેખક આસ્તિકતાના દંભને એક ઝાટકે નાગો કરી નાખે છે.

જ્યોતીન્દ્ર પુરુષોની આંતરિક ઈચ્છાને પણ ઉઘાડી પાડે છે – ‘બે પુરુષ વચ્ચે ચાલતી હોય તોપણ સ્ત્રી તરફ જ જોનારની નજર ખેંચાય એમ એની નજરે બે આના વચ્ચે રહેલી બેઆની જ પડી!’ હાસ્ય તો શૃંગારની બાયપ્રોડેક્ટ છે અને તેના ઉત્તમ નમૂનાઓ જોવા હોય તો જ્યોતીન્દ્રના નિબંધોમાં જોવા મળશે. અહીં પણ જ્યોતીન્દ્ર તેનાથી વિમુખ નથી રહી શક્યા.

ભારતનો સૌથી શ્રેષ્ઠ હાસ્યલેખક અને ફિલસૂફ આ નિબંધ દ્વારા કહે છે, ‘આપણે લક્ષ્મીને અને સ્ત્રીને ચંચળ કહીએ છીએ, પરંતુ ગરીબ બિચારો પુરુષ, લક્ષ્મી ને સ્ત્રીના પાશમાં સપડાયેલો, ગમે તેટલાં ફાંફાં મારે પણ એકેના પાશમાંથી છૂટો થઈ શકતો નથી. કદાચ તેટલા જ માટે પોતાના માનસિક સંતોષને ખાતર એ સ્ત્રી તથા લક્ષ્મીને ચંચળજાત કહેતાં શીખ્યો હશે!’

ખોટી બે આનીનું પરાક્રમ કરવા જતા લેખક પાવલીમાં ભરાઈ જાય છે. એ પાવલીની કથા સંક્ષેપ્તમાં લેખક પતાવે છે. પણ માણસને પોતાનું કરેલું પરાક્રમ બડાઈ હાંકીને કહેવાની ઈચ્છા ખૂબ હોય. જ્યોતીન્દ્રના જમાનામાં નાની નાની વાતોમાંથી સુખની વાતો શોધી લેવાતી હશે. એટલે જ આટલું સર્વગુણસંપન્ન લખાતું હશે. એનો એક તાદ્દશ નમૂનો પણ જ્યોતીન્દ્રએ બે વાક્યમાં કહી બતાવ્યો છે. આ સમગ્ર નિબંધ વાંચ્યા પછી ચાર્લી ચેપ્લિનનું પેલું વિધાન યાદ આવી જાય છે કે, ‘હાસ્ય એ નજીકથી ટ્રેજડી છે પણ દૂરથી કોમેડી છે.’

જ્યોતીન્દ્રનું તો ઘણું ખરું હાસ્ય ચાર્લીના વિધાનની માફક સમસ્યાપ્રધાન રહ્યું છે. સમસ્યામાંથી પીડા ઉદભવે અને પીડામાંથી હાસ્ય પેદા થાય. જ્યોતીન્દ્રએ આવી કેટલીય પીડાઓને કાગળ પર ઉતારી છે અને આપણને હસતા રાખ્યા છે. જ્યારે જ્યોતીન્દ્રના હાસ્યનિબંધનું સંપાદન કરવાની વાત આવે છે ત્યારે ખોટી બે આનીને સમાવિષ્ટ કરતા કોઈ સંપાદક પોતાની જાતને રોકી શકતો નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments