Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના કાનપૂર જિલ્લાનો વીડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જ્યાં એક બાપ પોતાની પુત્રીને અગાશી પર ખંભા સાથે ભર તડકે બાંધી રહ્યો છે. બાળકી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાડો પાડી રહી છે પણ તેનો બાપ તેને છોડવા માટે તૈયાર નથી. આ વીડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને બાપની ધરપકડ કરી લીધી.
આ કાનપૂરના શિવલી વિસ્તારની ઘટના છે. બાળકીની માતા નથી. તેની ત્રણ વર્ષ પૂર્વે જ મૃત્યુ થઈ ચૂકી છે. મોટી દીકરીની વય નવ વર્ષની છે અને નાનો દીકરો પાંચ વર્ષનો છે. 29 મેના દિવસે આ વારદાત બની હતી. દીકરીને ઘરની બહાર ન નીકળવાનું કહી તેનો બાપ ઘરની બહાર કોઈ કામે ગયો હતો. પિતા ચાલ્યો જતાં તેની પુત્રી પાડોશીને ત્યાં ચાલી ગઈ હતી.
છોકરીનો પિતા ગુડ્ડન જ્યારે પરત ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પુત્રી ઘરમાં નહોતી. એ પાડોશીને ત્યાં રમી રહી હતી અને રમતા રમતા ઝઘડી રહી હતી. આ વાતથી પીત્તો ગુમાવતા ગુડ્ડને તેની જ પુત્રીને આગ વેરતા તડકાની નીચે અગાશી પર સોલર પાઈપ સાથે બાંધી દીધી. બે કલાક સુધી છોકરી સાથે આ બર્બરતા આચરાઈ. ગામના લોકો બાળકીને બચાવવા માટે પહોંચ્યા હતા પણ ગુડ્ડન કોઈની સાંભળવા તૈયાર નહોતો. છત ઉપર બાળકી કણસી રહી હતી. આ વચ્ચે ગામના લોકોએ સોશિયલ મિડિયાનો સહારો લીધો અને બાળકીનો વીડિયો બનાવી વાઈરલ કરી દીધો.
જોતજોતામાં વીડિયો પોલીસ પાસે પહોંચી ગયો. જે પછી હરકતમાં આવેલી પોલીસે ભાઉપુર ચોકીના ઈન્ચાર્જને ઘટનાસ્થળે મોકલવાની કામગીરી સોંપી. આરોપી ગુડ્ડનની ધરપકડ કરવામાં આવી. ગુડ્ડનનું કહેવું છે કે, ‘‘મેં કોરોનાના કારણે મારી પુત્રીને કોઈના પણ ઘરમાં જવાની ના પાડી હતી. બંને બાળકો માટે જમવાનું બનાવીને હું કામ પર ચાલ્યો ગયો. બપોરે જ્યારે પરત ફર્યો ત્યારે બાળકી પાડોશીને ત્યાં હતી. જ્યારે છોકરો રડી રહ્યો હતો. આ કારણે ગુસ્સામાં મેં તેને સજા આપી.’’
તો બાળકીએ કહ્યું છે કે, તેના પિતાએ તેને મારી નથી. રમતા રમતા એ લડી રહી હતી એટલે તેના પિતાએ આ પ્રકારનું કામ કર્યું હતું. બીજી બાજુ શિવલીના સીઓ પરસુરામ સિંહે કાર્યવાહી ન કરવાની મજબૂરી દર્શાવી કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પુત્રી તેના પિતાને વળગીને રડી રહી હતી. બાળકોની માતા નથી. પિતાએ પણ પોતાની ભૂલ માની છે. એવામાં પિતાની સામે કોઈ કડક પગલાં લઈએ તો પછી બાળકોનું શું થાય? જેથી અમે ખાલી તેની સાથે ઊંચા અવાજ વાત કરી. આગળ આવું ન કરવાનું કહ્યું અને ઘરે મોકલી દીધો છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા