Editors Gallary: મ્યૂકરમાઈકોસિસ જેવા મોટા પડકાર સામે ગુજરાતનું તંત્ર અને હોસ્પિટલની સિસ્ટમ પાંગળી પુરવાર થઈ રહી છે. આ કેન્સર કરતાં પણ વધુ ભયાનક રોગની સારવારમાં હજુ પણ તંત્ર ઢીલાશ કેમ કરી રહ્યું છે તે સમજાતું નથી ? મહામારી જાહેર કરી હોવા છતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગના તબીબો રજાની મજા માણી રહ્યા છે. એ જાણ હોવા છતાં કે મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓ માટે એક-એક દિવસ બહું મહત્વનો છે.
ડોક્ટર અને દર્દીઓના સગા હવે આ રોગને જાણી ગયા છે. આપણે પણ એ વાતથી અવગત છીએ કે આ રોગના દર્દીઓમાં ફંગસ એટલી જલદી ફેલાઈ રહ્યું છે કે તેમનું જ્યાં સુધી ઓપરેશન ન થાય ત્યાં સુધી તેમને જીવનું જોખમ છે. ઓપરેશન થયા પછી પણ તેમને ઈન્જેક્શન આપવા જરૂરી છે, તેવી પ્રાથમિક વિગતો આપણે જાણીએ છીએ. પરંતુ આ વાતને આપણા કરતાં તબીબો વધારે સારી રીતે જાણતા હોવા છતાં દર્દીની વેદના સમજવાની જગ્યાએ રવિવાર એટલે આરામનો વાર સમજી છુટ્ટી પર જતાં રહે છે.
પહેલી નજરમાં વાંક ડોક્ટરનો જ લાગે પરંતુ હકીકતે વાંક ડોક્ટરોનો નથી. વાંક તો સિસ્ટમનો છે. વાંક વ્યવસ્થા ગોઠવનારાઓનો છે. ગ્રાઉન્ડ લેવલે જે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ દર્દીઓની પાસે ખડેપગે છે તેઓ કામમાં કઈ કચાશ નથી છોડતા. તેઓ પણ દર્દીઓને બચાવવા માટે પુરેપુરી મહેનત કરે છે પરંતુ વ્યવસ્થાના અભાવે છેલ્લે તો દર્દીઓને અને દર્દીઓના પ્રિયજનોને જ ભોગવવાનો વારો આવે છે.
તંત્રએ આ મુદ્દે ગ્રાઉન્ડ લેવલે ઉતરવું જોઈએ અને સ્થિતિની સમીક્ષા કરી રવિવારનો દિવસ મ્યૂકરના દર્દીઓ માટે પરેશાની ન બને તે માટે પણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. સ્વાભાવિક છે દર્દીઓની સંખ્યા પણ હોસ્પિટલમાં વધારે હોવાની પરંતુ તેની સામે વ્યવસ્થા સુદ્રઢ હોય તો દર્દીઓનું કામ સહેલું બની શકે તેમ છે.
સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં બનાવેલા મ્યૂકોરમાઈકોસિસ વોર્ડમાં આવી જ હાલત છે. જો દર્દી ગુરૂ કે શુક્રવારે હોસ્પિટલમાં પહોંચ્યો તો બે ત્રણ દિવસ રિપોર્ટ અને અન્ય પ્રોસેસમાં જતાં રહે છે. જ્યારે દાખલ થવાનો વારો આવે ત્યારે રવિવાર નડી જતો હોય છે. આ એક દિવસના 24 કલાક દર્દીઓ કેમ પસાર કરે છે તે વેદના સમજાવવી અઘરી છે. કારણ કે મોત સામે છે અને તેઓ કે તેઓના સ્વજનો કંઈ કરી શકતા નથી હોતા. ઉપરાંત બધા દર્દીઓની પ્રાઈવેટ હોસ્પિટલમાં 20 લાખ રૂપિયા ખર્ચવાની ક્ષમતા નથી હોતી.
તંત્રએ મ્યૂકરના અલગ-અલગ વોર્ડ શરૂ કરી દીધા છે. પરંતુ દર્દીઓના રિપોર્ટથી લઈને હોસ્પિટલમાં એડમીટ થવાની તેમજ ઓપરેશન સુધીની જે પ્રક્રિયા છે તે ખુબ જ જટીલ છે. બહારગામથી મેટ્રો સીટીમાં આવેલા દર્દીઓ હોસ્પિટલના પરિસરમાં એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં અને બીજા વોર્ડમાંથી ત્રીજા વોર્ડમાં ભટક્યા જ કરે છે. એક દિવસ તો દર્દીઓના સગા અને દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં તેમજ અલગ-અલગ વોર્ડમાં તપાસ કરાવામાં જ જતો રહે છે. પાંચ વાગ્યા બાદ હોસ્પિટલમાં સ્ટાફ ઘટવા લાગે છે. રજાના સમયે થાકેલા-પાકેલા કર્મચારીઓ જવાબ દેવાના મૂડમાં હોય તો ઠીક બાકી દર્દી અને તેમના સ્વજનોને માત્ર સહન શક્તિ જ વધારવી પડે છે.
બીજા દિવસે દર્દીના બ્લ્ડ ટેસ્ટ તેમજ સીટી સ્કેન સહિતના ટેસ્ટ કરવામાં આવે છે. ફરી પાછી દર્દીઓની સંખ્યાના કારણે રિપોર્ટમાં રાહ જોવી જ પડે છે. ત્રીજા દિવસે રિપોર્ટ આવ્યા બાદ જે-તે ડોક્ટરને બતાવવાનું હોય છે અને એડમિટ થવાની પ્રક્રિયા આગળ વધે છે જો બેડ ખાલી હોય તો નસીબ બાકી એ રાહ જોવાની કે ક્યારે બેડ ખાલી થાય.
આ સિસ્ટમ સુધારવાની જરૂર છે. આ મુદ્દે ડોક્ટર અને દર્દી બંનેની સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. રવિવારે શું થઈ શકે તે તંત્રએ વિચારવું જોઈએ અને તાત્કાલિક દર્દીઓ માટે ખરા અર્થમાં સંવેદનશીલ નિર્ણય લેવો જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત