Homeગામનાં ચોરેબાબાએ એવી શું ભૂલ કરી કે રેસ્ટોરન્ટ બંધ કરીને ફરીથી ઢાબા પર...

બાબાએ એવી શું ભૂલ કરી કે રેસ્ટોરન્ટ બંધ કરીને ફરીથી ઢાબા પર આવવું પડ્યું ?

Team Chabuk-National Desk: બાબા કા ઢાબા… આ શબ્દ 2020માં લોકોએ બહુ સાંભળ્યો.. દિલ્હીમાં એક ઢાબો ચલાવતા બાબા રાતો રાત ફેમસ થઈ ગયા. કિસ્મત અચાનક બદલાઈ ગઈ. બાબાએ સ્વપ્નમાં નહીં વિચાર્યું હોય કે તેઓ એક કેબિનમાંથી રેસ્ટોરેન્ટ બનાવી નાખશે. પરંતુ આવું થયું પણ ખરું. પરંતુ બાબાને બહુ લાંબો સમય કિસ્મતે સાથ ન આપ્યો. ઢાબાથી શરૂ થયેલી બાબાની આ સ્ટોરી ફરી પાછી ઢાબા પર આવીને રોકાઈ ગઈ છે. ગત ડિસેમ્બર-2020માં બાબા કા ઢાબા એક રેસ્ટોરન્ટ બની ગઈ હતી. પરંતુ બાબાની આ રેસ્ટોરન્ટ બહુ લાંબી ન ચાલી. ફેબ્રુઆરી માસ આવતા આવતા બાબાની રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ અને હવે તેઓને ફરીથી ઢાબા પર આવવાની ફરજ પડી છે.

બાબાના નામથી જાણિતા કાંતા પ્રસાદ અને તેમની પત્ની બાદામી દેવી છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીના માલવિયાનગરમાં ફૂટપાથ પર પોતાનો ઢાબો ચલાવી રહ્યા છે. ગત વર્ષે તેમને સોશિયલ મીડિયા મારફતે એટલી પ્રસિદ્ધિ મળી કે તેઓને મદદ કરનારાઓની લાઈન લાગી ગઈ. બાબાને નામ અને દામ અપાવવામાં યૂટ્યૂબર ગૌરવ વાસનનું નામ સૌથી મોખરે રહ્યું. ગૌરવ વાસને બનાવેલા એક વીડિયોએ બાબાની કિસ્મત બદલી નાખી હતી.

પરંતુ બાબાને જેમ જેમ નામ અને દામ મળવા લાગ્યું તેમ તેમ ગૌરવ વાસન સાથે કાંતા પ્રસાદના સંબંધો બગડવા લાગ્યા. રૂપિયા આવતા કાંતા પ્રસાદે ગત વર્ષે પોતાની રેસ્ટોરન્ટ ચાલુ કરી. પરંતુ ડિસેમ્બર-2020માં શરૂ થયેલી આ રેસ્ટોરન્ટનો બિઝનેસ લગભગ 2 મહિના ચાલ્યો અને ફેબ્રુઆરીમાં રેસ્ટોરન્ટને તાળુ મારવાના દિવસો આવી ગયા.

કાંતા પ્રસાદનું કહેવું છે કે, રેસ્ટોરન્ટમાં તેઓને ખૂબ જ ખોટ થઈ રહી હતી. તેઓને ઓછામાં ઓછો 1 લાખ રૂપિયાનો ખર્ચ દર મહિને આવતો હતો. જ્યારે કમાણી માંડ માંડ 30 હજાર જેટલી જ થતી હતી. તેથી તેઓએ આ રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો અને જે ઢાબા પર તેઓ વર્ષોથી કામ કરતાં હતા તેને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો.

બાબા કાંતા પ્રસાદને જ્યારે ગૌરવ વાસન અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ જવાબ આપ્યો કે ગૌરવના દરવાજા હંમેશા ખુલ્લા છે. કાંતા પ્રસાદ માને છે કે, ગૌરવને લઈને ઘણા લોકોએ તેઓને ખોટી વાતો કહી હતી તેથી ગૌરવ સાથે તેમના સંબંધોમાં તણાવ પેદા થયો. હવે બાબા આ સમગ્ર ઘટનાને લઈને અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. બાબા કહી રહ્યા છે કે, ગૌરવ મારી પાસે આવવા માગે તો તેનું સ્વાગત છે.

કાંતા પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તેમને જે રૂપિયા મળ્યા તેનો ઉપયોગ રેસ્ટોરન્ટ બનાવવાની સાથે સાથે ઘર બનાવવામાં પણ લીધો હતો. કાંતા પ્રસાદે કહ્યું કે, કેટલાક રૂપિયા તેમણે ભવિષ્ય માટે બચાવીને અલગ પણ રાખ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments