Team Chabuk- Creative Desk: તો તમે છગનલાલ છો. સવારમાં વહેલા ઉઠો છો. વહેલા ઉઠવાની તમને વારસાગત ટેવ છે. તમારા બાએ કહ્યું કે હું સવારના પાંચ વાગે ઉઠતી હતી. તમારા બાપુજીએ કહ્યું કે, તેઓ સવારના સાડા ચાર વાગ્યે ઉઠતા. પરંપરાનું વિચ્છેદન ન થાય આ માટે છગનલાલ તમે પાંચ વાગ્યે ઉઠવાનો ક્રમ રાખ્યો છે. તમે તો એવું પણ શ્રવણેલું કે તમારા દાદા ચાર વાગ્યે ઉઠતા હતા અને તેમના પિતા સાડા ત્રણ વાગ્યે ઉઠતા હતા….
સવારમાં પાંચ વાગ્યે તમે ઉઠો છો. પત્નીનેય રવાડે ચડાવી દીધી છે. ચાલવું તમને ગમી ગયું છે. કોઈ વાહન આવડતું ન હોવાથી ચાલવું જોઈએ, એવો સંદેશો તમે સૌ વાહનચાલક મિત્રોને આપતા રહો છો. તમારા આ વિચારને હજુ સુધી તો કોઈએ ધ્યાનમાં નથી લીધો. પત્ની સવારમાં ગરમ ગરમ ટિફિન બનાવી આપે છે. તમે તેની સામે સુમન શાહનો જેન્તી જેમ હંસાની સામે હસે, તેમ હસો છો. ગઈકાલના ઝઘડાનું શમન થઈ ચૂક્યું છે. ચા પી ઘરમાંથી નીકળો છો. લિફ્ટ પાસે ઊભા રહો છો ત્યારે પત્ની પણ હાથને કસરત કરાવવા માટે ત્યાં ઊભી હોય છે. લિફ્ટનો દરવાજો બંધ થવાનો હોય છે ત્યાં તમે એકબીજાને જોઈ ફરી સ્મિત વેરો છો. આ તમારો રોજિંદો ક્રમ છે.
એક વખત વધારે પ્રેમ દાખવતા તમારો હાથ લિફ્ટમાં આવતા આવતા રહી ગયેલો. એ એક વખતની ગત રાત્રિએ તમારો તમારી પત્નીની સાથે ઝઘડો થયો હતો. તમારો હાથ આવી ગયો તેમાં પત્ની અતિ આનંદિત થયેલી. યાદ છે, એણે રાતના ભોજનમાં બે રોટલી વધારે ખાધેલી.
લિફ્ટ નીચે જાઈ પછી રસ્તા પર તમે કૂતરું પાછળ પડ્યું હોય એમ ચાલવા લાગો છો. જ્યારથી તમે ગીરના સિંહ અને માણસોનાં હુંફાળા સંબંધો જોયા છે ત્યારથી તમને રસ્તાનાં કૂતરા સિંહ કરતા વધારે બિહામણા લાગે છે. છગનલાલ તમને પ્રતાડિત કરવા માટે તમારી પત્નીએ કૂતરાની રિંગટોન પણ રાખી હતી!
છગનલાલ હવે સ્વીકારો કે કૂતરાથી તમને ભય લાગે છે. અત્યાર સુધી કરડ્યું નથી પણ ચાલતાં ચાલતાં તમને એ સ્ત્રીનું સ્મરણ થઈ જાય છે જેને બ્રિજ પાસે ચાર કૂતરાઓએ ફાડી નાખેલી. તમે તેની રક્ષા કરવા કાજે પાર્થની જેમ બાણ નહીં પણ બાંયો ચડાવી દોડેલા હતાં. તમે તમારી શૂરવીરતાનું પ્રથમ વખત પ્રદર્શન કરો એ પહેલા તો લોકોના ટોળા ઉમટી પડેલા. ક્યાં ક્યાં વાગ્યું છે તેનું છગનાવલોકન કરી તમે ત્યાંથી છટકી ગયેલા, કારણ કે તમારે એક્ઝેટ સાત વાગ્યે ઓફિસે પહોંચી જવાનું હોય છે. તમે ઘર કરતાં ઓફિસને વધારે ચાહો છો. આ ચાહ તમને વારસાગત તો નથી મળીને?
આજે પણ શેરીના બે ચાર કૂતરાઓ તમને જોઈ ભસવા લાગ્યા. થોડી વાર તમે સ્થિતપ્રજ્ઞ થઈ ગયા. તમે નીચા નમી પથ્થર ઉઠાવવાનો પ્રયત્ન સાધ્યો. કૂતરા તેમની ગલીમાં સોયમાં દોરો પરોવાય એમ ફટાફટ પરોવાઈ ગયા. તમે જલ્દીથી ચાલવા લાગ્યા. સામેથી કેટલાય લોકોને વોકિંગ કરતા આવતા જોઈ તમને પણ હર્ષ થયો. ભેગું રહેવું કેટલું સારું!
કોઈ ધીમે દોડે છે.
કોઈ ઝડપથી.
કોઈ મધ્યમ
કોઈ તેનાથી પણ વધારે વેગીલું બન્યું છે.
જેની પાસેથી તમે દવા લો છો એ ડોક્ટરનું ઘર આવે છે. તેના ઘરની લાઈટ બંધ છે. એ છાશવારે તમને સવારમાં વ્યાયામ કરવાનું પોરસ ચડાવતા રહે છે, પણ પોતે હજુય ખાટલામાં પડ્યા છે. પોલીસ સાહેબ પણ વોકિંગ પર નીકળ્યા છે. એમનાથી ચલાતું નથી. નોકરી મળ્યા પછી ઘણું બધું છૂટી ગયું. એમાં પત્ની સાથે પાતળું દેહ પણ ભૂતકાળમાં છોડી આવ્યા. તમે અને એ નોકરી બદલવાની ખૂબ વાતો કરો છો. વિવાદ વકરતા ગુસ્સે થાવ છો. કોઈને ક્યાં કોઈની નોકરી ગમી છે. બે દિવસ પહેલા તમે ઝઘડેલા એનું જ તો આ ફળ પાક્યું છે. જેમાં મોટી ઈયળ છે. એણે તમારી સામે જોયું નહીં પણ તમે ત્રાંસી નજર નાખી લીધી. છગનલાલ તમે વિચારો છો, ‘આ વહેલો નહીં મરે, મારું પંચનામું કરીને મરશે.’
રસ્તા પર સાડી પહેરીને કેટલીક સ્ત્રીઓ નીકળી છે. એમણે આજે સ્પર્ધાનું આયોજન કર્યું છે. તેમાંથી એક મહિલા ધાવકને તમે ચહેરાથી ઓળખો છો. એ છગનલાલ તમારા નીકળવાના સમયે જ દોડવા નીકળે છે. આપના દિવ્યચક્ષુ તેના ઉરપ્રદેશ પર હોય છે. એને ખ્યાલ છે, પણ તેણે કોઈ દિવસ આ વાતનો વિરોધ વ્યક્ત નથી કર્યો. વિરોધ નથી કર્યો એનો અર્થ એવો થોડો છે છગનલાલ કે ભવિષ્યમાં કરશે નહીં? તમે તો એમ જ માનો છો કે એ તમને અંદરખાને ચાહે છે. જ્યારે તમે પસાર થાવ ત્યારે જ કેમ તે બુટની દોરી બાંધવાના યત્નમાં લાગી જાય છે.
એ ચાલતાં ચાલતાં ક્યાંક ગબડી પડશે તો? છગનલાલ તમે હસશો કે પછી એ સુંદર સ્ત્રીને ઉઠાવવા જશો?
હજુ ગઈકાલે જ તો તમે તમારી અખબારી વેબસાઈટમાં લખ્યું હતું, ‘ત્રણ વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાધા બાદ બળાત્કારના ગુનામાં જયમલભાઈ નિર્દોષ ઠર્યાં.’
બે ઘડી તમે સ્ત્રીશક્તિકરણનાં ખોટા ડિંડક પર તમારી નજીક બેસેલા પુરુષોને ભાષણ આપ્યું હતું. વોટ્સએપમાં આવેલા બે ત્રણ અવતરણો પણ તમે કહી સંભળાવ્યાં હતાં. ઓફિસમાં રીતસરનો છાકો પાડી દીધો હતો. જ્યારે ઓફિસની કન્યાઓ આવી ત્યારે તો તમને સાંપ સુંઘી ગયેલો. પાછળથી તમારા બોસ જેમનું નામ ‘V’ છે, તેઓ આવેલા અને તમને આટલું નબળું હેડિંગ મારવા બદલ ઘઘલાવી નાખેલા. તમે હેડિંગ તડકતું ભડકતું મારેલું. આ અશ્લીલતા તમારી અંદર ત્યાંથી જ તો નથી આવી ગઈને?
તમે ઘરે ચા પીવ છો, પણ છેલ્લા સાતેક વર્ષથી બહાર ચા પીવાની કુટેવ પડી ગઈ છે. આ કુટેવ તમને રાજકોટથી પડી છે. તેમાં સહીયારો ભાગ તમારા મિત્રોએ ભજવ્યો છે. તમે પાંચ રૂપિયા ખર્ચી ચા પીવ છો અને ઊભા રહી જાવ છો. કોઈની પ્રતીક્ષા કરી રહ્યા છો. બે ચાર જાણીતા લોકોને ખબર છે કે તમે કોની પ્રતીક્ષા કરો છો.
ને ત્યાં સામેનાં રોડ પરથી એક રીક્ષા પસાર થાય છે. રીક્ષાચાલક તમારી સામે હાથ ઊંચો કરે છે. તમે પણ એ દૈનિક પ્રવૃત્તિમાં ઝંપ લાવો છો. એ ભાઈના માથા પર લાંબા વાળ છે. એની સાથે રીક્ષામાં એક વખત આવા જ લાંબા વાળ ધરાવતા બે લોકો આવ્યા હતા.
‘બિચારા, તેના વિસ્તારના કેશકર્તનકારો બેકાર છે!’
બેકારીનો શબ્દ મગજમાં ભ્રમણ કરવા લાગતા તમે દેશની સરકારને ગાળો આપો છો. એટલું ખુન્નસ ઉભરાઈ આવે છે કે બાદમાં તમે વર્તમાન સરકારને નહીં પણ પ્રથમ સરકારને મનમાં ગાળો ભાંડો છો. એ પછી તમને થોડી નિરાંત થાય છે. છગનલાલ આ તમારી માનસિક દવા છે. તમે સરકાર વિરોધી ક્ષેત્રમાં કામ કરતા હોવાથી તમારે પ્રથમ સરકારને રોજ ગાળો આપવી પડે છે.
રીક્ષાવાળો ફરીને તમારી પાસે આવી ગયો છે. તમે પાછળની સીટ પર બેસો છો. બ્રિજના કૂતરાનાં ભયથી તમે આ રીક્ષાનું લગવું બંધાવ્યું છે. તમારા ગંતવ્યસ્થાન સુધી પહોંચવાના તમે તેને વીસ રૂપિયા ચૂકવો છો. તમને વધારે વાત કરવાનો શોખ નથી, પણ એને વાત કરવાનો ખૂબ શોખ છે.
એ રોજ રીક્ષા લઈ દૂર દૂર સુધી જાય છે તેની વાતો કરે છે.
રીક્ષા અથડાય તેની પંદરમી વખત વાત કરે છે અને તમને એવું લાગે છે કે આજે રીક્ષા સાચેક ભટકાય તો સારું.
પરિવારની વાત કરે છે.
ઘરમાં દીકરી અને દીકરો છે તેની વાત કરે છે. બેઉં હોશિયાર છે એવું એને લાગે છે. તમને નથી લાગતું, કારણ કે તમે કોઈને મળ્યા વિના વિશ્વાસ કરતા નથી.
કાલ કોઈનાં ડખ્ખામાં એનો હાથ ભાંગ્યો એવી વાત કરતા રીક્ષાનું સ્ટેરિંગ છોડી દે છે. તમે તેને, ‘અરે… સામે…. સામે… જુઓ….’ કહો છો. છગનલાલ તમને કેટલો જીવ વ્હાલો છે. આટલો બધો વ્હાલો જીવ ક્યાં લઈને જશો? ખૂદને આટલો પ્રેમ કરવો સારો નહીં.
રિક્ષામાંથી ઉતરો છો. વીસ રૂપિયા ભાડુ ચૂકવો છો. આજે તમે રાજી છો, કારણ કે તમારો બોસ ‘V’ તમારો પગાર વધારવાનો છે. આજે ઈર્ષ્યા અને કૂથલીખોરીનો દિવસ છે. જોવા જઈએ તો પગાર તમારો જ વધવો જોઈએ. તમે બાર-બાર કલાક કામ કરો છો. એકનાં વિનાના બે કામ કરો છો. ચાર ચાર જણા સમોવડા કામ કરો છો. એકલા હાથે કંપનીના કેટલાય રૂપિયા બચાવો છો. આમાને આમા તમારું શરીર લેવાય ગયું છે. તમારે દાક્તર પાસે દર બે અઠવાડિયે ધક્કા ખાવા પડે છે.
‘વધુ બે વર્ષ તમે આ કંપનીમાં કામ કરશો તો છગનલાલ થઈ ર્યું. કુપોષણની લિસ્ટમાં સરકાર તમને પણ ઉમેરશે. એણે આટલાને સાચવ્યા છે તો તમને સાચવવામાં એની કેડે ભાર નહીં આવે.’ – આ વાત હું નથી કહેતો તમારા સહકર્મચારીઓ કહે છે, ‘આ જોઉં તો ખરી, એક એક ચૂંટણી સંભાળી, બજેટ સંભાળ્યું, ઉપરનુંય ન નીચેનુંય, યાત્રાઓ સંભાળી, પ્રધાનમંત્રીના પ્રવાસો સંભાળ્યા, સાહેબે કેટલા ઉદ્ધાટનો કર્યા, એ બધા ઉદ્ધાટનનાં તમે સાક્ષી રહ્યા, કામની ધગશ તો એટલી કે તમારા ‘V’જી ગોવા ગયા પણ તમે ગિરનાર ન ગ્યા. તમને જ મળવું જોઈએ છગનલાલ.’
છગનલાલ આવી વાતોથી તમે ઊંચા થઈ જાવ છો. મનથી, ધરતીથી નહીં. તમે તો ઉર્વરાથી જોડાયેલા માણસ છો. ઓફિસમાં પહોંચો છો ત્યારે અગાઉથી તમારા પર ધન્યવાદની વર્ષા થવા લાગે છે. તમે એ વર્ષામાં અનિમેષ ભીંજાવ છો. તમને ખબર છે કે કયો છાંટો ભીંજવે છે ને કયો છાંટો બરફની ગાંગડી બની માથામાં અથડાય છે. તમે તેને નામજોગ યાદ રાખો છો. શું કરી લેવાના તમે?
આજે પાછું તમે બારેક કલાક કામ કર્યું. રાતના ધડિંગ કરતો એક સંદેશ ટપક્યો.
તમે વોટ્સએપમાં સંદેશાઓ ચેક કર્યા અને આ શું છગનલાલ?
સાવ આવું?
તમે જેને રોજ ખીજાતા હતા. જેને લખવાની કશી ખબર નહોતી પડતી. એન્જિનિયરિંગમાં કાંઈ નહોતું એટલે તમારા ફિલ્ડમાં આવી ગયો હતો. તમે એને સાથ આપ્યો સહકાર આપ્યો અને બધું શીખવાડ્યું. વચ્ચે એને જવાહર ચાવડા વિશે લખવાનું કહ્યું તો એ તમારી સામે મગરની જેમ એકધારો જોતો હતો. તમે જમતા જમતા આવેલા અને ચાવડાને શબ્દોમાં ચણી નાખેલો. છ મહિના પહેલા આવેલો એ છોકરડો 2500 લઈ ગયો અને તમે દોઢ વર્ષ રાત દિવસ જખ મરાવી તો 1500! એટલા માટે કે એ પોતાના કોમ્પ્યુટર કરતા ‘V’ની આંખો સામે વધારે રહેતો?
બધાને દુ:ખ છે. તમારા દુ:ખમાં તો સૌ સુખી છે. તમે ઓફિસનાં બીજા માળે સૂનમૂનિયાંની જેમ બેઠા છો, બધા તમારી ખબર કાઢી ગયા છે. હવે?
નીચે ઠેકડો મારી પડી જાઉં? બસ ને ખટારા રણઝણાટીઓ બોલાવતા આવતા હશે, ચગદાઈ જાઉં? ઘરમાં પુસ્તકોને ઉધઈથી બચાવવા ફિનાઈલની ગોળી રાખી છે, ઘરવાળી ટેસથી જમીને ઉંઘી જાય પછી હુંય સાવ ઉંઘી જાઉં. હું તો એપાર્ટમેન્ટનાં બોવ ઉપરના માળે રહું છું, ઠેકડો મારી જાવ. શું કરું?
ચારમાંથી એક વિકલ્પ. તમારી સામે મેં આ ચાર વિકલ્પ રાખ્યા છે. જે તમારા ભેજામાં અત્યારે વંટોળે ચડ્યા છે. તમારે આમાંથી જ એક પસંદ કરવાનો છે છગનલાલ. કરી લો અને મારી પાસે આવી જાવ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત