Homeગામનાં ચોરેટોલ ટેક્સ અંગેના આ નિયમો જાણશો તો ફાયદામાં રહેશો

ટોલ ટેક્સ અંગેના આ નિયમો જાણશો તો ફાયદામાં રહેશો

વાહન લઈને હાઈવે પર નીકળ્યા હોય. સ્પીડમાં વાહન ચાલતું હોય અને આગળ ટોલનાકુ દેખાય એટલે બ્રેક મારવી પડે. ધીમે ધીમે વાહનોની લાઈન આગળ વધતી હોય. વારો આવે જો તમારી કોઈ વગ કે લાગવગ હોય તો ઓળખાણ આપી ફ્રીમાં નીકળી શકો, બાકી ગજવામાંથી રૂપિયા કાઢી આપવા પડે. મોટાભાગના લોકોને લાગે કે આપણે ટોલનાકા પર જે રૂપિયા આપીએ છીએ તે તો એક પ્રકારની લૂંટ જ છે. કેમ કે રસ્તાઓમાં કઈ ઠેકાણા હોતા નથી છતાંય ટોલ ટેક્સ તો ભરવાનો જ.

ટોલ ટેક્સ શું છે ?

સીધી ભાષામાં કહીએ તો રોડ પર તમારું વાહન હંકારવાનું મેન્ટેનન્સ એટલે ટોલ ટેક્સ. સરકાર જ્યારે હાઈવે કે એક્સપ્રેસ વે બનાવતી હોય ત્યારે તેની કિંમત પણ બહુ મોટી હોય છે. સરકાર રોડનું કામ પ્રાઈવેટ કંપનીઓને આપી દેતી હોય છે અને રોડ બની ગયા બાદ તેની સાર સંભાળ અને ખર્ચ કાઢવા માટે આ કંપનીઓને વાહનચાલકો પાસેથી અમુક રકમ ઉઘરાવવાની પરવાનગી આપે છે. જેથી કંપનીઓ વાહનચાલકો પાસેથી આ ટોલ ટેક્સ ઉઘરાવે છે. જ્યારે વર્ષો બાદ કંપનીને રૂપિયા મળી જાય એટલે સરકાર આ ટોલ ટેક્સ ખતમ પણ કરી શકે છે અથવા રકમ ઘટાડી શકે છે. પરંતુ મોટાભાગે આવું થતું નથી. વર્ષોના વર્ષો ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ જ હોય છે.

ટોલ ટેક્સ ક્યા આધારે નક્કી થાય ?

રોડ પર ઉઘરાવાતા ટોલ ટેક્સ નક્કી કરવા માટે ઘણા બધા ધારા ધોરણો છે. પ્રથમ વાત કરીએ તો બે ટોલનાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ. ઘણી જગ્યાએ 60 કિલોમીટર કરતાં ઓછા અંતરમાં પણ ટોલનાકા ઉભા કરી દેવામાં આવેલા. અમદાવાદ-રાજકોટ હાઈવે પર જ બામણબોર ટોલનાકાથી થોડા જ અંતરે બેટી પાસે ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા દિવસો સુધી ચાલ્યું પણ ખરું. અંતે વિરોધ થતાં બેટી પાસેનું ટોલનાકુ બંધ કરવું પડેલું. બીજું કે જો રોડ પર કોઈ બ્રીજ, ટનલ કે બાયપાસ હોય તો ટોલ ટેક્સ વધુ હોઈ શકે છે. હાઈવે કરતાં એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધુ હોય છે. અને જેમ વાહન મોટું હોય તેમ ટોલ પણ વધુ ચુકવવો પડતો હોય છે. તો આ બધા ધોરણોને આધારે ટોલ ટેક્સ નક્કી કરવામાં આવતો હોય છે.

ટોલનાકા પર અત્યાર સુધી કેશ પેમેન્ટ લેવામાં આવતું હતું પરંતુ હવે સરકારે ટોલનાકા પર વાહનો માટે ફાસ્ટ ટેગ ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે. તેથી વાહનો ઝડપથી પસાર થઈ શકે. અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે.

ટોલ ટેક્સ ચુકવવાથી તમને શું ફાયદો ?

ટોલ ટેક્સ ચુકવવાથી ઘણા લોકો માને છે કે રોડ આપણી જાગીર છે. ના એવું નથી હોતું. ટોલ ટેક્સ ચુકવવાથી રોડ પર તમને ઘણી બધી સુવિધાઓ મળે છે. જેમ કે જે રોડ પર ટોલ ઉઘરાવાતો હોય છે તે રોડ પર પોલીસ કર્મીઓ સુરક્ષામાં હાજર હોય છે. રોડ પર કોઈ એવી ઘટના બને તરત જ પોલીસ ત્યાં પહોંચી જાય છે. ઉપરાંત ટોલ રોડ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ક્રેનની પણ સુવિધા હોય છે. વાહનનો અકસ્માત થાય તો ટો-અવેની પણ સુવિધા હોય છે. કાયદા પ્રમાણે તો ટોલ રોડ પર ટોયલેટ, પીવાના પાણીની સુવિધા, બસને સ્ટોપ કરવાની સુવિધા પણ હોવી જરૂરી છે.

વાહનચાલકોને ખાડા મુક્ત રોડ આપવાની સૌપ્રથમ જવાબદારી જે તે કંપની કે સરકારની હોય છે. ત્યારબાદ થોડા થોડા અંતરે જોવા મળતાં કિલોમીટર દર્શાવતા સાઈન બોર્ડ, રસ્તાની વચ્ચે ઉગાડેલા છોડ વગેરે પાછળ ટોલમાંથી ખર્ચ કરવામાં આવતો હોય છે.

આવું થાય તો તમે ટોલ ટેક્સ ભર્યા વિના નીકળી શકો છો !

વર્ષ 2016માં લુધિયાણાના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં માહિતી માગવા માટે આરટીઆઈ કરી હતી. જે પ્રમાણે જો તમારે ટોલનાકા પર લાઈનમાં ત્રણ મિનિટ કરતાં વધુ રાહ જોવી પડે તો તમે ટોલ ચુકવ્યા વિના હકથી પસાર થઈ શકો છો. પરંતુ સૌ જાણે છે કે ઘણી વખત ટોલનાકા પર એટલી લાંબી લાઈન હોય છે કે 30 મિનિટ સુધી પણ વારો નથી આવતો છતાં વાહનચાલકો ટોલ ટેક્સ ભરીને પસાર થતાં હોય છે. કેમ કે લોકો કાયદાકીય લડતમાં ઉતરવા નથી માગતાં હોતા એના કરતાં 30-50 રૂપિયા આપીને ત્યાંથી પસાર થવામાં વધુ ઉચિત માને છે.

ટોલ ટેક્સ એક કોઈ પ્રકારનો ટેક્સ નથી પરંતુ રોડ વાપરવાની એક પ્રકારની ફી છે. અને ફીના બદલામાં જો તમને સુવિધા ન મળતી હોય તો તમે હાઈકોર્ટમાં ફરિયાદ પણ કરી શકો છો જો કે હાઈકોર્ટમાં ફરિયાદની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ હોવાથી લોકો ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments