ઝાલાવાડી જલજીરાની કલમે : આજની તારીખે પણ કોમેડીનું ક્લાસિક થવું એ ગોળ લઈ કીડીઓ શોધવા જવા બરાબરનું કામ છે. તમારું ગંભીર લખાણ કે કેમેરામાં કંડારાયેલું કંઈ પણ ક્લાસિક થઈ શકે. સસ્પેન્સ પણ. જોકે નામી અનામી કલાકારોને સામાન્ય માનવી તરીકે પડદા પર ન માત્ર ઉતારવા, પરંતુ સાકાર કરવા અને ક્લાસિક બનાવવું ?
તારક મહેતાથી લઈને વિનોદ ભટ્ટ સુધીના સાહિત્યકારો હાસ્યની શ્રેષ્ઠ કૃતિઓ આપી ચૂક્યા છે, પરંતુ હાસ્યમાં ક્લાસિક હોય તેવું અમે બધા સાથે જ થયું છે. જે હાસ્યસમ્રાટ એવા જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ લખી હતી.
હવે ઉપરના ફકરામાં તો સાહિત્યની વાત થઈ. સિનેમામાં હાસ્ય આપવું એટલે ? વર્ષોથી માલમાલા વિકલી જે તેલુગુ ફિલ્મ ભાગ્યલક્ષ્મી બમ્પર ડ્રો પરથી પ્રેરણાનું ઝરણું લઈને બનાવી છે. તે જોવી બધાને ગમે છે પણ ક્લાસિક આજ સુધી નથી.
વાત અહીં કુંદનલાલ શાહની જ કરવાની છે. જેમણે સ્મોલસ્ક્રિનથી લઈને બિગસ્ક્રિન સુધી કોમેડી કલ્ટ ક્લાસિકનું એકહથ્થુ શાસન ચલાવ્યું. માત્ર ફિલ્મ જાને ભી દો યારોને નહીં, પણ તેમની સિરીયલોને પણ ક્લાસિક બનાવી. પુણેની એફટીઆઈઆઈમાં દિગ્દર્શક તરીકેની ડિગ્રી મેળવનારા કુંદનલાલ શાહનું દિમાગ તો પહેલેથી જ હાસ્ય સાથે અટેચ થયેલું.
શરૂઆતમાં યે જો હૈ જિંદગી નામની ટીવી શ્રેણીનું નિર્માણ કર્યું. જે 1984માં ટેલિકાસ્ટ થઈ. એ પછી સઈદ અખ્તર મિર્ઝા અને અઝીઝ મિર્ઝા સાથે મળી ઈસ્કરાની સ્થાપના કરી અને પછી નુક્કડનું મેદાનમાં આવવું. નુક્કડ જેનો ગુજરાતી અર્થ થાય ગલીનું નાકુ, શેરી. જેના 40 એપિસોડ બનાવ્યા.
આ સિરીયલ થકી યંગસ્ટર્સની કોમેડીનો એમણે પરફેક્ટ ડોઝ આપ્યો હતો. વાગલે કી દુનિયા હોય કે આર.કે.લક્ષ્મણનો કોમનમેન હોય. આ બધું જ કુંદનલાલના ગજવાની કમાલ છે.
1980થી 1990ના સમયગાળામાં મોટાભાગની સુપરહિટ સિરીયલો આપનારા કુંદનલાલ શાહ જ હતા. માણસને મનોરંજન આપવું અને કેટલી હદ સુધી આપવું તેની શાહને પૂરેપૂરી ખબર હતી.
પરિવારના તમામ લોકો સાથે આ મનોરંજન માણી શકો. તેમાં પણ વાગલે કી દુનિયાના એક એપિસોડમાં તો શાહરૂખ ખાન પણ હતો. જેણે કુંદનલાલ શાહની જ બાદમાં આવેલી સુપરહિટ ફિલ્મ કભી હા કભી નામાં કામ કરેલું.
આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ નથી કે તેમાં શાહરૂખ ખાન હતો કે, પછી શાહરૂખ જે આ ફિલ્મને પોતાના કરિયરની સુપરહિટ ફિલ્મ ગણતો હોય. આ ફિલ્મની સૌથી મોટી અને ખાસમખાસ વાત તેનું રોમેન્ટીસિઝમ હતું. તેના ગીતો હતા.
એ કાશ કે હમ હોંશ મૈં અબ કે પછી આના મેરે પ્યાર કો… જેવા જબરદસ્ત ગીતોનો પણ તેમની ફિલ્મમાંથી જ સૂર્યાસ્ત થયો. આ ગીતો આજે પણ ભૂલાતા નથી. શાહરૂખ અને કુંદનલાલને આ ફિલ્મ માટે બે ક્રિટિકલ એવોર્ડથી પણ નવાજવામાં આવેલા.
કરિયરમાં તમામ વસ્તુ આપી ચૂકેલા આ માણસ પાસેથી દુનિયાને કોઈ બેસ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તે હતી જાને ભી દો યારો. એવો કોઈ મોટો કલાકાર ન હતો. સમાંતર સિનેમામાં કામ કરેલા કલાકારો કે પછી વિલનના રોલમાં દુનિયા ગજાવતા અભિનેતાઓની આ ફિલ્મમાં ફોજ હતી.
અત્યારની ઘાસપુસીયુ કોમેડીમાં તમે જે જુઓ છો કે, ક્લાઈમેક્સમાં બધા ભેગા થઈ જાય અને ધબધબાટી બોલાવે તેવું કુંદનલાલે ત્યારે કર્યું હતું. છેલ્લે દ્રોપદીનો સીન. જેમાં દુ:શાસનના કિરદારમાં ખૂદ અત્યારના પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરા હતા.
નસીરૂદ્દીન શાહનું પાત્ર ‘વિનોદ ચોપરા’ તે વિધુ વિનોદના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. આવો ઈતિહાસ હવે પાછો કેમ સર્જાય ? આ ફિલ્મ આજની તારીખે તમામ અભિનેતાઓ માટે વરદાન રૂપ છે. 2 નવેમ્બર 2012માં રિ-રિલીઝ પણ કરવામાં આવેલી. તો જાને ભી દો યારોની શરૂઆત કેમ થઈ ?
કુંદનલાલ શાહના બે મિત્રો હતા. જે તેની સાથે FTIIમાં જ અભ્યાસ કરતા હતા. નામ રાજેન્દ્ર શૌરી અને રવિન્દ્ર ઓઝા. આ બંનેને ફિલ્મમાં કામ કરવું હતું. લમણે મોટી કુટ એ કે કામ મળતું ન હતું. કામ ન મળતા ફોટોગ્રાફીની દુકાન ખોલી નાખી.
આ કુંદનલાલ શાહનો મૂળ સ્ત્રોત હતો. ઉપરથી ફિલ્મનું બજેટ ત્યારના જમાનાને છાજે એવું મસમોટું સાત લાખ રાખવામાં આવ્યું હતું. નસીરૂદ્દીન શાહ અને કુંદનલાલ શાહને ફી પેટે સૌથી વધારે પંદર-પંદર હજાર રૂપિયા મળ્યા હતા.
ફિલ્મમાં કાસ્ટ તો અપર્ણા સેનને કરવાની હતી. કુંદનલાલભાઈ જ્યારે સ્ક્રિપ્ટનું તેની સામે રિડીંગ કરતા હતા ત્યારે તે આરામ ફરમાવી ગઈ અને બસ પૂરું… એક ક્લાસિક ફિલ્મ તેના હાથમાંથી દરિયાના મોજાની જેમ ચાલી ગઈ. એવું મોજુ જે પાછું આવવાનું જ નહોતું.
ફિલ્મનો સેકન્ડ હાફ નસીરૂદ્દીન શાહને નબળો લાગતો હતો. તેમણે આ ફિલ્મમાં બદલાવ પણ લાવેલો. તેમને અને સતીષ કૌશિકને કોમેડીમાં અન્યાય સામે લડવાની ઝુંબેશની રસાકસી ભરી મેચ ચાલતી હોય તેવું લાગતું ન હતું.
જાને ભી દો યારોથી લઈને મોટાભાગની ફિલ્મોની પ્રોબ્લેમ એડિટીંગ રહી છે. જ્યારે કાપવા બેસેલા ત્યારે આ ફિલ્મ 3 કલાક 45 મિનિટની થઈ હતી.
ફિલ્મનો એક સીન છે. નસીરૂદ્દીન અને ઓમ પૂરી ફોન પર વાત કરતા હોય છે. જે પાછળથી હિન્દી સિનેમાનો ક્લાસિક સીન પણ બન્યો. આ સીનને બે વાગ્યે ફિલ્માવવાનો શરૂ કર્યો. બન્યું એવું કે નસીરૂદ્દીને આ સીનને ફિલ્માવવાની ના કહી દીધી, કારણ કે ઓમ પૂરી અને તે એક જ રૂમમાં હતા. અને ફોન પર આ સીન ફિલ્માવવો તેમના માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો.
મીડિયાથી લઈને તમામ જગ્યાએ એક વાતની ચર્ચા વિચારણાઓ થઈ રહી છે કે આ ફિલ્મ કલ્ટ ક્લાસિક છે. કલ્ટ ક્લાસિકનો અર્થ શું ? તે તો કોઈએ કહ્યું નથી. જે પેશનેટ થઈ ગઈ હોય. જે ફેનબેઝ પોપ્યુલારીટીના સિમાળા તાણી ગઈ હોય. તેને કલ્ટ ક્લાસિક કહેવાય.
તેનો એક એક સીન ક્લાસિક ગણવામાં આવે છે. આખી ફિલ્મ તો બરાબર પણ સીન્સ એટલે ? તેમાં પણ દરેક સીન્સને ધ્યાનથી જોવામાં આવે તો એ પોતે જ એક શોર્ટ ફિલ્મ તરીકે નિર્માણ પામતી હોય તેવું લાગે.
ક્લાઈમેક્સની કોમેડીનું તો શું કહેવું ? તેમાંય ભીમ બનેલો ઓમ!! તેનો ડાઈલોગ, ‘દ્રોપદી તેરે અકેલી કે નહીં હૈ, હમ સભી ઉસકે શેર હોલ્ડર હૈ…’ અને વાતાવરણમાં ફેલાય જતું હાસ્યનું મોજુ.
આ કુંદનલાલ શાહની કમાલ હતી. ઉપરથી મહાભારતના ટ્રેજિક એવા સીનમાં છેલ્લે સલીમ અને અનારકલી આવી જાય તે તો નોખા. પછી તો ભાતભાતની ચિત્ર વિચિત્ર બી ગ્રેડની કોમેડીઓ કુંદનલાલ શાહની જાને ભી દો યારોની નકલ તરીકે પણ આવી. જે રિયાલીટી શોમાં આપણે વર્ષો સુધી ન માણવી હતી તો પણ માણી.