Team Chabuk-Literature Desk : જ્ઞાનપીઠ એવોર્ડ. જેને એનાયત થાય તે રાજ્ય સિવાયના બીજા રાજ્યો માટે તે સાહિત્યકારની ઓળખ કરવી એ કપરી સાબિત થાય. શોધ સંશોધન કરવું પડે.
2014માં ભાલચંદ્ર નેમાળેને આ એવોર્ડ મળેલો. નેમાળે કવિતા સિવાય નવલકથા કકૂન માટે મહારાષ્ટ્રમાં ખૂબ ખ્યાતિ પામેલા. અંગ્રેજીના સિલેબસમાં અનુસ્નાતકના વિદ્યાર્થીઓને એ ભણવામાં આવે છે. કકૂન નામ સાંભળીને ગુજરાતીના વિદ્યાર્થીઓ ગૂગલ સર્ચ કરવા લાગેલા. પણ તેનો અંગ્રેજીમાં અનુવાદ થયેલો એટલે કેટલાક વિદ્યાર્થીઓને યાદ રહી ગઈ.
રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એનાયત થયો તે નામ ગુજરાતની જીભે બોલાતું છે, પણ બીજા રાજ્યો માટે તે અજાણ્યું નામ ગણાય. શાયદ હિન્દીમાં તેમની નવલકથાઓ પ્રસિદ્ધ થયેલી છે એટલે હિન્દીના વાંચકો માટે તે ઓળખીતું નામ બની જાય. એ પછી વારો આવ્યો ક્રિષ્ના સોબતીનો.
શરૂઆતના સમયગાળામાં એવું હતું કે જ્ઞાનપીઠ એવોર્ડ એ કોઈ કૃતિ કે લબ્ધપ્રતિષ્ઠિત રચનાને આપવામાં આવતો. જે ક્લાસિક હોય. જે વાંચકોની પ્રિય હોય. જેમાં માનવસંબંધોના તાણાવાણા જોડાયેલા હોય.
હવે આ એવોર્ડ લેખકે રચેલા સમસ્ત સાહિત્યના અધ્યયન બાદ આપવામાં આવે છે. જેથી માત્ર એક કૃતિ નહીં પરંતુ સાહિત્ય માટે તેમણે પોતાનું સમસ્ત આપ્યું હોય તેની ડિમાન્ડ રહે છે.
આ પહેલા પણ કંઈ કેટલાય પારિતોષિકો મેળવી ચૂકેલા ક્રિષ્ના સોબતી હિન્દીનો જીવ હતા. તેમના ચરિત્રો એક બીબામાં ઢળ્યા વિના સ્વતંત્રાની ઝાંખી કરાવે છે. ખૂબ ઓછા લેખકોમાં એ વસ્તુ જોવા મળે કે તેનું એક ચરિત્ર તેના બીજા ચરિત્ર કરતા આગળ પડતું હોય. ગુજરાતીમાં આ કરવું આકરું છે. થઈ નથી શક્યું એમ પણ માની શકાય. પણ ક્રિષ્ના સોબતીના કિસ્સામાં અલગ છે. ‘સૂરજમુખી અંધેરે કે’ અને ‘એ લડકી’ના ચરિત્રો ભિન્ન છે. પરંતુ વિવાદાસ્પદ કહી શકાય તેવી તેમની સાહિત્યકૃતિ એટલે ઝિંદગીનામા. ઝિંદગીનામામાં તેમના અને પંજાબી જ્ઞાનપીઠ એર્વોડ વિજેતા અમૃતા પ્રિતમ વચ્ચે જંગ છેડાયેલી.
1979માં કૃષ્ણા સોબતીએ ઝિંદગીનામા નામની નવલકથા લખેલી. જે રાજકમલ પ્રકાશને છાપી હતી. જેને સાહિત્ય અકાદમી પારિતોષિક પણ મળ્યો. એ પછી 1983માં અમૃતા પ્રિતમે એક નવલકથા લખી. જેનું શિર્ષક હરદત્ત કા ઝિંદગીનામા હતું.
ક્રિષ્ના સોબતીએ વાંચ્યું ત્યારે ખબર પડી કે હરદત્ત નામ તો ખૂબ નાના અક્ષરોમાં હતું. જ્યારે લોકોની નજરે તો ઝિંદગીનામા જ ચઢતું હતું. ક્રિષ્ના સોબતીનું માનવું હતું કે કોઈપણ નવલકથામાં ઝિંદગીનામા શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ તેમણે જ કર્યો છે.
અમૃતા પ્રિતમને ફોન કરી ક્રિષ્ના સોબતીએ કહ્યું કે, તમે આ નવલકથાનું જે માર્કેટિંગ કરો છો તે બંધ કરો. આ નવલકથાનું શીર્ષક મારા શીર્ષક સાથે મેચ થાય છે. અમૃતા પ્રિતમે ક્રિષ્ના સોબતી સાથે વાત પણ ન કરી અને ફોન તુરંત રાખી દીધો.
રાજકમલ પ્રકાશનનું એવું કહેવું હતું કે તમે ઝિંદગીનામાના બીજા ભાગનું લેખન તૈયાર કરો. પરંતુ ક્રિષ્ના સોબતીએ જણાવ્યું કે, મારે મારા શીર્ષકની રક્ષા કરવી જોઈએ. ઉપરથી અમૃતા પ્રિતમ પ્રસિદ્ધ લેખિકા હોવાના કારણે તેમના પુસ્તક ઝિંદગીનામાની તો ઉર્દુ અને પંજાબી નકલો પણ વેચાવા લાગેલી. કોર્ટમાં આ કેસ ગયો.
ક્રિષ્ના સોબતીએ નામની તડફંચી કરવાના મેક્સવેલ અને અર્નેસ્ટ હેંમિગ્વેની સાથોસાથ 1975નો કિસ્સો પણ અદાલતમાં રજૂ કર્યો. સાહિત્યની ગરિમાનો સવાલ હોવાના કારણે અમૃતા પ્રિતમ આજે પણ પ્રખ્યાત છે. પરંતુ તેમની નવલકથા હરદત્ત કા ઝિંદગીનામા આ કેસના કારણે ફેમસ નથી. ક્રિષ્ના સોબતી ત્યારે અને અત્યારે કેટલા સાચા હતા તે આ ઉદાહરણ પરથી જાણી શકાય છે.
આ જંગ બાદ તો ક્રિષ્ના સોબતી ભારતના એવા પ્રથમ નિડર મહિલા લેખિકા ગણાયા જેમણે એક ટાઈટલ માટે અમૃતા પ્રિતમ સામે સાહિત્યિક જંગ છેડેલી. તેમનું એવું માનવું હતું કે, અત્યારે તો માત્ર ટાઈટલની કોપી થઈ છે, પણ સમય આવતા તમારી નવલકથા કે કવિતાની પણ કોપી થાય તો પણ તમારે ચૂપ જ રહેવાનું ?
સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે આવું થવાનો ભય રહે છે. સોશિયલ મીડિયાના અસ્તિત્વ વિનાની દુનિયામાં ક્રિષ્ના સોબતીએ આ લડત લડેલી. ઝિંદગીનામાને આજે પણ હિન્દી સાહિત્યનું આધારભૂત સાહિત્ય ગણવામાં આવે છે.
તેમની શ્રેષ્ઠ કૃતિ સૂરજમુખી અંધેરે કેમાં એક મહિલાની વાર્તા છે. પોતાના જીવનમાં તેને એવી પસંદગી કરવાની હોય છે. જે તેણે ખૂબ પહેલાં કરી લેવી જોઈએ. અને સૂરજમુખી જે મુજબ ઢળતો હોય છે, તે મુજબ ક્રિષ્નાજીએ આ કહાનીને આકાર આપ્યો. ઉપરથી પંજાબનો રોજની જિંદગીમાં ટૂટતો સમાજ અને તેની કથાઓ પણ.
આ સિવાય તેમની એક લાંબી વાર્તા મિત્રો મરજાની સાથે હિન્દીના વાચકો તેમના પર ફિદા થઈ ગયા. તેમની વાર્તાઓ કોઈ ઉચ્ચવર્ગ માટે નહોતી. વાર્તાઓ સામાન્ય લોકોના જનજીવન પર અસર પાડતી હતી. આ કારણે જ ક્રિષ્ના સોબતી વાચકોમાં લોકપ્રિય થયેલા.
તેમના મહિલા પાત્રો શહેરમાં રહે છે, પરંતુ તેમનું નામ લેતા પણ લોકો ડરતા હોય છે, તેવી મહિલાઓની વાર્તાઓ હતી. કૃષ્ણા સોબતીનું સાહિત્ય મહિલાઓ માટે ભયથી મુક્તિનું માધ્યમ રહ્યું છે. નહેરૂવિયન સમયે તેમના પાત્રોની મહિલાઓ અભ્યાસ કરવા લાગેલી. જેના પરિણામે હવે આઝાદી બાદ સ્ત્રીઓમાં આવેલા બદલાવથી ઘણા રૂઢીચુસ્તો ડરે તે પણ સ્વાભાવિક હતું. તેમની નાયિકાઓ પ્રેમ અને પોતાના શરીરની જરૂરિયાતોથી અપરાધબોધમાં પડવા માંગતી ન હતી. અત્યારે તો ગેથી લઈને લેસ્બિયન કથાઓ લખાઈ છે. જમાનો આગળ નીકળી ચૂક્યો છે. એ સમયમાં આવું પગલું ભરવું તે હિંમત માગતું કામ હતું. ક્રિષ્ના સોબતીના કિસ્સામાં તમને આ વસ્તુ ન સમજાય તો ઉર્દુ મહિલા લેખિકા ઈસ્મિત ચુગતાયની લિહાફ પરથી ખ્યાલ આવી જશે. લિહાફ લખાઈ ત્યારે તેનો સમાજ તો શું પણ તેના સસરા પણ તેને કહેતા હતા, ‘બહુ કુછ અચ્છા લિખા કરો…..’
તેમની કથાઓ પરથી સમજ્યા જેવી બીજી વાત એ હતી કે હિન્દીનો વાચક હિન્દીને એક પાઠ્યપુસ્તક કે ઉપન્યાસને વાંચી લીધો એ દૃષ્ટીથી નહોતો જોતો.
ક્રિષ્ના સોબતીનું પુસ્તક પૂર્ણ થાય એટલે માનવ મનમાં એક બદલાવની વાર્તા આકાર લે. એ વાર્તાઓ માનવમસ્તિષ્કમાં ઘર કરી જાય છે. બહાર નીકળવાનું નામ નથી લેતી.
એ સમય હતો 1920નો જ્યારે ગાંધી સાહિત્યના વિચારે રંગાયેલા લેખકો જેવા કે મૈથીલીશરણ ગુપ્ત, પ્રેમચંદ,નિરાલા, સુમિત્રાનંદન પંત, નાગાર્જુન જેવા રચનાકારોની સાહિત્યક કૃતિઓમાં ગાંધી ખીલી ઉઠ્યા હતા. ફણીશ્વરનાથ રેણુની નવલકથા મૈલા આંચલ ભારતમાં ગાંધીની હત્યા બાદ ઠગ વ્યક્તિને ઉજાગર કરતી હતી. જૂઠા સચ માટે યશપાલને લઈ લો કે પછી તમસમાં ભીષ્મ સાહની. આઝાદીની લડત વિશે જ્યારે આ કથાકારોએ પોતાનું ગાંધીતત્વ સાહિત્યમાં ઉજાગર કરવાની હિમાયત કરી. ત્યારે પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં ગાંધીના મુલ્યોને ક્રિષ્ના સોબતીએ ગુજરાત પાકિસ્તાનથી ગુજરાત હિન્દુસ્તાનમાં ઉજાગર કર્યું. ગુજરાતને કેંન્દ્રમાં રાખવું ક્રિષ્ના સોબતી માટે એટલે જરૂરી બની જાય છે કારણ કે તેમનો જન્મ જ ગુજરાતમાં થયો હતો. અલબત હાલ પાકિસ્તાનના…
આ નવલકથામાં ભારત અને પાકિસ્તાનના વિભાજનના ત્રણ ચાર વર્ષ બાદ સમાજમાં કેવી કેવી ઘટનાઓએ આકાર લીધો છે તેના પર આધારિત છે. હિંસાના તત્વની સાથે મહિલાઓ પર થયેલા બળાત્કાર એ પણ ધર્મ વિશેષની મહિલાઓનો બળાત્કાર કર્યો!
મહિલાઓનું શરીર શું છે ? એક રમતનું સાધન તો નથી! અલગ ધર્મના લોકો અલગ ધર્મની મહિલાઓનો બળાત્કાર કરે એટલે ? જેને પુરુષોની દંભ અને તુચ્છતા ગણે છે સોબતી.
કૃષ્ણા સોબતી એ કન્ટીન્યુટીના લેખક છે. હંમેશાં લેખક પોતાની વાર્તાના બીજ બીજી વાર્તામાં બતાવે છે. વિવેચકોનું માનવું છે કે તેમની નવલકથા ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન વાંચવામાં આવે અને એ પહેલા તેમની વાર્તા ઓર સિક્કા બદલ ગયાને વાંચવામાં આવે તો વાચકને સમજાય કે સ્ત્રીના મન દેહ અને તેની જુરતી આત્મામાંથી શું પસાર થયું હશે.
એ સમયમાં અને ક્યાંક આજે પણ સ્ત્રીના મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ. આ ગાંઠ ખોલવાનું કામ ભારતવર્ષમાં બે જ લેખિકા કરી શકી છે. ઈન્દિરા ગૌસ્વામી અને ક્રિષ્ના સોબતી.
ક્રિષ્ના સોબતીનું સાહિત્ય ભારતમાં જ નહીં વિશ્વભરમાં ખ્યાતિનો નમૂનો આપે છે. જેમની દાર સે બિછડી, મિત્રો મરજાની, ઝિંદગીનામા, દિલો-દાનીશ, બાદલો કે ઘરે, એ લડકી, અને અગાઉ વાત કરેલ ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન અંગ્રેજી સિવાય સ્વિડિશ અને રશિયન ભાષામાં પણ અનુવાદ થઈને પડઘો પાડી ચુક્યું છે. તેમની પ્રથમ વાર્તા છપાઈ એ વાર્તા પણ દિલચશ્પ છે. એક ઈન્ટરવ્યૂમાં આ આખી દાસ્તાન તેમણે વર્ણવી હતી. વાંચો તેમના જ શબ્દોમાં.
‘‘મારી પ્રથમ વાર્તા લખાઈ ત્યારે હું પંજાબી જાણતી ન હતી. હું માત્ર એક્સપ્રેશનથી કામ લેતી હતી. આમ છતાં મેં તેમાં પંજાબી ગામડાંઓના શબ્દો વાપર્યા હતા. એ વાર્તા વિભાજનની હતી એટલે મેં તેનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ત્યારે વાત્સાયનજીના અખબારમાં મારી એ વાર્તા છપાઈ ગઈ. મારી પાસે તેની પ્રિન્ટ ન હતી. એકવાર પ્રતીક પ્રકાશનનો એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું કે, આવતીકાલે આપણે ચા પર વાત્સાયનજી સાથે મળીએ. હું અવઢવમાં હતી, કારણ કે મારી પાસે સમય ન હતો મેં તેમને પરમ દિવસનું કહી વાત મુલતવી રાખી દીધી. વાત્સાયનજી મારી પાસે જ રહેતા હતા. એ દિવસે હું તેમને મળવા માટે ગઈ. ત્યાં ચાર લોકો હતા. સાહિત્યમાં ચર્ચા કરી શકું એટલું જ્ઞાન હું ધરાવતી ન હતી. છતાં મેં ત્યાં ચા પીધી અને પછી મને એક પેપર આપવામાં આવ્યું. જ્યારે હું ઘરે ગઈ અને ખોલ્યું તો તેમાં મારી વાર્તા છપાયેલી હતી. હું પહેલા તો પરેશાન થઈ ગઈ કે ક્યાંક મારી વાર્તાના પંજાબી શબ્દોને તોડી મરોડીને તો રજૂ કરવામાં નથી આવ્યા ને ? પણ નહીં… વાર્તા જેમ આપેલી તેમ જ હતી. મેં જે લખી તેમજ છપાઈ હતી. એ પહેલા મેં દાદી અમ્મા નામની વાર્તા લખેલી જે માટે મને ઈનામ પણ મળેલું. પણ જ્યારે વાત મારી પહેલી વાર્તાની હોય ત્યારે હું આ જ વાર્તાને અગ્રીમ સ્થાન પર રાખુ છું. પછી તો દરેક વાર્તા છપાતી અને હું ઉજાણી કરતી. ’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત