Team Chabuk-National Desk: ઘાતક કોરોનાથી બચવા માટે દર્દીઓ અને તેમના પરિવારજનો દોડધામ કરી રહ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેઈનમાં ઘણા દર્દીઓના ઓક્સિજન ન મળવાથી મોત થઈ રહ્યા છે. ઓક્સિજન મેળવવા માટે દર્દીના પરિવારજનો આમથી તેમ ભટકી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના દમોહમાં એક એવી ઘટના બની જે ચોંકાવનારી હતી. દમોહની હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરની લૂંટફાટ મચી ગઈ.
મધ્યપ્રદેશમાં રોજ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. તેવામાં દમોહની સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની છે. મંગળવારની રાતે ઓક્સિજન સિલિન્ડર માટે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. દમોહની સરકારી હોસ્પિટલમાં કોરોનાના ઘણા દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. તેથી મંગળવારે રાતે સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરની ટ્રક મોકલી હતી. સિલિન્ડરની ટ્રક આવતાની સાથે જ દાખલ દર્દીના પરિવારજનો ટ્રક તરફ દોડ્યા હતા અને ટ્રકમાંથી ઓક્સિજન સિલિન્ડર ઉઠાવીને ભાગ્યા હતા.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, જેવી ઓક્સિજન સિલિન્ડર લઈને ટ્રક હોસ્પિટલ પહોંચી કે તરત જ કેટલાક લોકો ઓક્સિજન સિલિન્ડર લઈને ભાગ્યા હતા અને પોતાના દર્દીની પાસે સિલિન્ડર રાખી દીધા હતા. એક એક સિલિન્ડરની જગ્યાએ લોકો બે-બે સિલિન્ડર લઈને ભાગ્યા હતા. કલેક્ટરે જણાવ્યું કે આ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેઓની સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
मध्य प्रदेशः दमोह के ज़िला अस्पताल से कल रात लोगों ने ऑक्सीजन सिलेंडर लूटे। ज़िला कलेक्टर ने बताया, "जैसे ही ऑक्सीजन सिलेंडर का ट्रक आया कुछ लोगों ने ऑक्सीजन सिलेंडर उठाकर अपने मरीज़ों के पास जाकर रख दिए। ऐसे लोगों की पहचान करके उनके खिलाफ मामला दर्ज किया जा रहा है।" #COVID19 pic.twitter.com/edKgge0K3n
— ANI_HindiNews (@AHindinews) April 21, 2021
હોસ્પિટલ સ્ટાફે જ્યારે સિલિન્ડર પરત માગ્યા તો પરિવારજનો ગેરવર્તન કરવા લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. મામલો વધુ ગંભીર બનતા હોસ્પિટલ તંત્રને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે હોસ્પિટલ પર પોલીસ પહોંચી તો તેમની વાત પણ પરિવારજનો માન્યા ન હતા અને ઓક્સિજન સિલિન્ડર પરત આપવાની ના પાડી દીધી હતી.
બુધવારે સવારે ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડી તો ફરી ઉહાપોહ મચી ગયો. ફરી પોલીસને બોલાવવાની ફરજ પડી. પોલીસે આવીને ફરીથી પરિવારજનોને સમજાવવાની કોશિશ કરી પરંતુ પરિવારજનો સિલિન્ડર પરત ન આપવાની વાત પર અડગ રહ્યા. દર્દીના પરિવારજનો કહી રહ્યા છે કે તેઓને હોસ્પિટલ તંત્ર પર ભરોસો નથી. જો કે પોલીસે ભારે સમજાવટ કરીને થોડા સિલિન્ડર પરત મેળવ્યા છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ સિલિન્ડર પરત કરવાની ના પાડી રહ્યા છે.
એએસપી શિવકુમાર સિંહે જણાવ્યું કે ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલમાં જ છે અને દર્દીઓને તેમાંથી ઓક્સિજન અપાઈ રહ્યો છે. તમામ દર્દીઓને ઓક્સિજનની જરૂર છે તેથી સપ્લાય હોસ્પિટલ દ્વારા જ થવી જોઈએ.
દમોહ જિલ્લા હોસ્પિટલમાં આ ઘટના ગઈકાલે મંગળવારે રાતે 11.30 વાગ્યે બની હતી. સિલિન્ડરને લઈને થયેલા વિવાદ બાદ હોસ્પિટલના ડોક્ટર, સિવિલ સર્જન અને સીએમએચઓ સહિતના તમામ કર્મચારીઓ એકઠાં થઈ ગયા હતા. હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર મમતા તિમોરીએ જણાવ્યું કે, દર્દીઓએ હઠ પકડીને સિલિન્ડર પોતાની પાસે રાખી લીધા હતા. અમે ચાર દિવસથી પોલીસ સુરક્ષા પૂરી પાડવાની માગ કરી રહ્યા છીએ. એસપીને પત્ર પણ લખ્યો છે, પરંતુ કોઈ વ્યવસ્થા થઈ નથી. જેવી ઓક્સિજન સિલિન્ડરની ટ્રક આવે એટલે દર્દીના પરિવારજનો સિલિન્ડર ઉઠાવીને જતા રહે છે.
મહત્વનું છે કે દેશભરમાં વધતાં કોરોનાના કેસના કારણે ઓક્સિજનની માગ વધી રહી છે. ત્યારે દર્દીને બચાવવા માટે પરિવારજનો આગમચેતીના ભાગરૂપે આ પ્રકારે ઓક્સિજન સિલિન્ડર લઈને પોતાની પાસે રાખી દેતા હોવાનું જણાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત