Team Chabuk-National Desk: આખરે કોરોનાના વધતા કેસની વચ્ચે હવે લોકડાઉન જ અંતિમ ઉકેલ હોય તેમ દિલ્હીની સરકારે લાદી દીધું છે. વધી રહેલા કોરોનાના કેસને નાથવા માટે હવે દિલ્હી સરકાર પાસે આના સિવાય કોઈ વિકલ્પ દેખાતો નહતો, કારણ કે હવે દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ હતી અને હોસ્પિટલોમાં બેડ પણ ખાલી નહોતા.
આ નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલે એક સાથે બેઠક કરી લીધો છે. આજે સોમવાર રાતના દસ વાગ્યાથી 26 એપ્રિલ સવાર સુધી દિલ્હીમાં લોકડાઉન રહેશે. લોકડાઉન દરમ્યાન કારણ વિનાનું બહાર નીકળવાની મનાઈ છે અને તમામ નિયમો વીકેન્ડ લોકડાઉન દરમિયાન હતાં તેવા જ રાખવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે આ લડાઈમાં જનતાની મદદની આવશ્યકતા છે. અમે દરેક વસ્તુ જનતાની સામે રાખી છે. દિલ્હીમાં આજે સૌથી વધારે ટેસ્ટ થઈ રહ્યાં છે. રોજ રોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈથી કોરોનાના કેસનાં આંકડા પણ નથી છૂપાવ્યા. દિલ્હીમાં કેટલા બેડ, આઈસીયૂ બેડ અને હોસ્પિટલોની શું સ્થિતિ છે તે અંગે જનતાને જણાવ્યું જ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં રોજ 25 હજારની નજીક કેસ આવી રહ્યા છે. દિલ્હીમાં બેડની ઘણી જ ઉણપ વર્તાય રહી છે. દિલ્હીની હોસ્પિટલોમાં હવે દવાઓ નથી. ઓક્સિજન નથી. દિલ્હીનું હેલ્થ સિસ્ટમ હવે વધારે દર્દીઓ નથી લઈ શકતું. જેથી લોકડાઉન ખૂબ જ જરૂરી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉનથી કોરોના નથી જતો, ફક્ત સ્પીડ પર બ્રેક લગાવી શકાય છે. આ લોકડાઉન નાનું જ રહેશે. આ દરમિયાન અમે દિલ્હીમાં ખાટલાઓની સંખ્યા વધારી દઈશું.
કોને કોને છૂટ મળી છે?
આ અઠવાડિયે દિલ્હીનું લોકડાઉન ખૂબ જ કડક હશે. કારણ વિના દિલ્હીમાં બહાર નીકળવાની પરવાનગી નથી આપવામાં આવી. માત્ર જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ બહાર નીકળી શકશે. દિલ્હીમાં તમામ પ્રાઈવેટ ઓફિસના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ જ કરવાનું રહેશે. સરકારી ઓફિસોમાં પણ અડધા જ સ્ટાફને રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ જનારા, મેડિકલ સ્ટોર જનારા, વેક્સિન લગાવનારા લોકોને છૂટછાટ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારા લોકોને પણ છૂટ મળતી રહેશે.
દિલ્હી સરકાર સજ્જ
દિલ્હીમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને દિલ્હી સરકારે મોટી કાર્યવાહી કરી છે. એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત સપ્લાઈનો ડેટા રાખવામાં આવશે. સરકારે આ માટે નોડલ ઓફિસરની નિયુક્તિ કરી દીધી છે. કોરોનાના પ્રકોપની વચ્ચે દિલ્હીમાં DRDO દ્વારા સરદાર પટેલ કોવીડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં 500 ખાટલાઓથી શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી 250 ખાટલાઓ દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે. અહીં ઓક્સિજન સપ્લાઈની સાથે સાથે એર કન્ડિશનની પણ સુવિધાઓ છે. અહીં ખાટલાઓની સંખ્યા વધારીને 1000 સુધી કરી દેવામાં આવી છે.
સ્થિતિ અત્યંત ગંભીર
દિલ્હીમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી ગંભીર છે કે દિલ્હીમાં એક શાળાને કોવીડ સેન્ટર બનાવી નાખવામાં આવ્યું છે. અહીં ઓક્સિજનવાળા 120 બેડ રાખવામાં આવ્યા છે. આ શાળાને LNJP હોસ્પિટલની સાથે જોડી દેવામાં આવી છે. અહીં ઓછા લક્ષણોવાળા દર્દીઓને લાવવામાં આવ્યા છે. ડોક્ટર્સની ટીમ અહીં અલગ અલગ શિફ્ટમાં કામ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત