Homeગામનાં ચોરેમહારાષ્ટ્રમાં લોકડાઉનઃ બે કલાકમાં પતાવવા પડશે લગ્ન

મહારાષ્ટ્રમાં લોકડાઉનઃ બે કલાકમાં પતાવવા પડશે લગ્ન

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કારણે સ્થિતિ કપરી બની રહી છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. વધતા કોરોનાના કેસના કારણે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. જેથી મહારાષ્ટ્રમાં આજે રાતે 8 વાગ્યાથી આગામી 1લી મે સુધી કડક લોકડાઉન રહેશે. જો કે સરકારે કેટલીક છૂટછાટ પણ આપી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લગાવવાનો ગઈકાલે નિર્ણય લીધો છે. જેના કારણે ગુરુવારે રાતે 8 વાગ્યાથી સમગ્ર મહારાષ્ટ્રમાં 1લી મે સુધી લોકડાઉન લાગી જશે. સરકારે થોડી ઘણી છૂટછાટ પણ આપી છે જેથી જનજીવન સામાન્ય રીતે ચાલતું રહે.

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન પ્રમાણે સરકારી કાર્યાલયોમાં 15 ટકા જ કર્મચારીઓ જ હાજર રહેશે. જે પહેલાં 50 ટકા હતા. આ લોકડાઉન દરમિયાન કાર્યાલયોમાં 15 ટકા કર્મચારીઓ સાથે જ કામ ચાલુ રહેશે. જો કે કોવિડ મેનેજમેન્ટ કરતી સંસ્થાઓને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન યોજાનાર લગ્ન સમારોહને લઈને પણ મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈન પ્રમાણે લગ્ન સમારોહમાં માત્ર 25 લોકો જ એકઠાં થઈ શકશે અને બે કલાકની અંદર લગ્ન સમારોહ પૂર્ણ કરવાનો રહેશે. જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેને 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવશે.

નવી ગાઈડલાઈન મુજબ સરકારી બસો 50 ટકા કેપિસિટી સાથે ચાલશે. બસમાં ઉભા રહીને મુસાફરી કરવા પર રોક લગાવાઈ છે. આ સાથે જ પ્રાઈવેટ બસોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સ્થાનિક ડીએમએને જાણ કરવી પડશે. આ ઉપરાંત પ્રાઈવેટ બસ સંચાલકોએ બીજા જિલ્લામાં જતાં મુસાફરોના હાથ પર 14 દિવસ ક્વોરેન્ટાઈન રહેવા માટેનો સ્ટેમ્પ મારવો પડશે.

આજથી લાગુ થતાં લોકડાઉન દરમિયાન જરૂર સિવાય બહાર ન નીકળવા સરકારે જણાવ્યું છે. ગાઈડલાઈન પ્રમાણે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા અને બીમારી અથવા મૃત્યુના સંજોગો જેવા જરૂરી કામ માટે બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જરૂરિયાત સિવાય બહાર નીકળશે તો તેને 10 હજારનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત લોકલ સેવા માત્ર આકસ્મિક કામ માટે જ શરૂ રહેશે. અન્ય જિલ્લામાં જવા માટે પણ જરૂરી કારણ હશે તો જ જઈ શકાશે.

લોકલ ટ્રેનની વાત કરે તો લોકલ ટ્રેનમાં યાત્રા કરવા માટે મુસાફરે કારણ આપવું પડશે. અત્યંત આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો અથવા દવાખાનાના કામ માટેના ડોક્યુમેન્ટ દેખાડશે તેઓને જ લોકલ ટ્રેનની ટિકિટ મળશે.

મહારાષ્ટ્રમાં આજથી 1લી મે સુધી આ તમામ નિયમો લાગુ રહેશે. સરકાર કોરોનાની ચેઈન તોડવા માટે કડક નિયમો લાદી રહી છે. જો કે આ તરફ મહારાષ્ટ્રવાસીઓ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે કે મુંબઈમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસ આઠ હજારની નીચે નોંધાયા છે. 21 એપ્રિલે મુંબઈમાં કોરોનાના 7684 કેસ નોંધાયા હતા. જ્યારે 62 લોકોના મોત થયા હતા. હાલ મુંબઈમાં 84,743 દર્દીઓ સારવાર હેઠળ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments