Team Chabuk-National Desk: કોરોના કાળમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા અસંખ્ય બનાવો સામે આવ્યા છે. જેમાંથી કંઈ કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી છે. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી આ લોકો નકલી વસ્તુઓ પધરાવતા હોય છે અને લોકો પણ સ્વસ્થ આરોગ્ય અને સ્વજનનાં બચી જવાની કામના સાથે ભોળવાઈને રૂપિયા ખર્ચી નકલી દવાઓ ખરીદી લેતા હોય છે.
કોરોનાની બીજી લહેર દરમ્યાન એન્ટીબાયોટિકની શીશી પર રેમડેસિવિરનું સ્ટીકર ચોંટાડીને પાંચ કરોડની કમાણી કરનારા મુઝફ્ફરનગરના રહેવાસી અને મુખ્ય આરોપી મોહમ્મદ શહવારની પાણીપતની સીઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ શહવારની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ છે. જેમાંથી બે ઉત્તર પ્રદેશના સહરાનપુર અને એક પંજાબના મોહાલીનો રહેવાસી છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આ લોકોએ રેમડેસિવિરનાં નકલી ઈન્જેક્શન વેચ્યા હતા. પોલીસે માસ્ટરમાઈન્ડ શહવાર પાસેથી 48 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. મોહમ્મદને હાલ પોલીસે રિમાન્ડ પર લીધો છે.
પાણીપત પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવને જણાવ્યું હતું કે, મોહમ્મદ શહવારે હૈદરાબાદ સ્થિત રેમડેસિવિર બનાવનારી મૂળ કંપની હેટ્રોઝેટને ત્રીસ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો હતો. જે રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. જે પછી તેણે છેતરપિંડીનો મહાકાય પ્લાન ઘડ્યો. તેણે પંચકૂલા સ્થિત સનવેટ ફાર્મા કંપનીને તાવના દર્દમાં રાહત આપતી એન્ટીબાયોટિક પિપરોટેઝોના ત્રીસ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો. જેમાંથી 12 હજાર ઈન્જેક્શન તેને મળ્યા હતા.
આ ઈન્જેક્શન મળ્યા બાદ તેને આખી રાત પાણીમાં રાખ્યા હતા અને સ્ટીકર કાઢી નાખ્યા હતા. જે પછી હેટ્રોઝટ કંપનીએ સ્ટીકર અને રેપર છાપ્યા અને એન્ટીબાયોટિક ઈન્જેક્શન પર રેમડેસિવિર લખી નાખી લોકોને ધૂતવાની બળકટ કામગીરી હાથમાં લીધી. એક નકલી રેમડેસિવિર ઈન્જેક્શનને 5000 રૂપિયા જેવી મસમોટી કિંમતમાં વેચી કોરોનાકાળમાં લોકોને ભ્રમમાં રાખી પાંચ કરોડની કમાણી આ શખ્સો કરી ગયા. સ્ટીકર હટાવવાનું અને લગાવવાનું કામકાજ મોહાલી ખાતે કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે મૂળ દવાઓની કિંમત તો માત્ર ત્રીસ રૂપિયા જ હતી.
એસપીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, મોહમ્મદ શહવારને સ્ટીકર અને રેપર છાપવામાં કોઈ પણ જાતની સમસ્યા એટલા માટે નહોતી આવી કારણ કે તે ફાર્માનું જ કામ કરતો હતો. તેણે પોતાની રજિસ્ટર્ડ કંપનીના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી મારફતે જ સ્ટીકર અને રેપર છપાવવાનો ઓર્ડર આપ્યો હતો. એસપીએ એમ પણ જણાવ્યું કે આ સમગ્ર વારદાતમાં પ્રિન્ટિંગ એજન્સીની કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી.
ટોટલ 12 હજાર ઈન્જેક્શનમાંથી દસ હજાર ઈન્જેક્શન વેચી નાખ્યાં હતાં અને બે હજાર ઈન્જેક્શન ભાખડા નહેરમાં ફેંકી દીધાં હતાં, કારણ કે તેમની છુપારુસ્તમીની ભનક પોલીસને લાગી ગઈ હતી. 10 હજારમાંથી 4000 ઈન્જેક્શન તો માત્ર પાણીપતમાં જ વેચી નાખવામાં આવ્યા.
આ સમગ્ર ઘટનામાં પોલીસે મુઝફ્ફરનગરના રહેવાસી મોહમ્મદ શહવાર, સહરાનપુર રહેવાસી મોહમ્મદ અરશદ અને મોહમદ અખલદની સાથે મોહાલી નિવાસી શાહ આલમની પણ ધરપકડ કરી છે. જેમાંથી મોહમ્મદ અરશદ અને મોહમદ અખલદ, મોહમ્મદ શહવારના પિતરાઈ ભાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત