Team Chabuk-National Desk: કવિની એક છબિ આપણી સમક્ષ રાખવામાં આવી છે. કવિ એવો જ દેખાય છે. કાર્ટુનિસ્ટોએ તેમના પહેરવેશ અને રંગઢંગને બરાબરનો પકડ્યો છે. લાંબો ઝભ્ભો, લાંબી દાઢી, અસ્તવ્યસ્ત વાળ. ગરીબ લાગે. હવે તો કવિઓ પણ સદ્ધર થયા છે. આ બધા પહેરવેશમાંથી બહાર આવ્યા છે. જોકે સદ્ધર અને અમીર કવિને કોઈ છત્રીસ લાખનું વીજળી બિલ ફટકારી દે તો એ પણ ભરી નથી જ શકવાનો.
સૈય્યદ અલી રજા એટલે કે મંજર ભોપાલી ઉર્દુના ખૂબ જ ખ્યાતનામ શાયર છે. દેશભરમાં તેમના કાર્યક્રમો થાય છે. અસંખ્ય સન્માનોથી નવાજવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફરિયાદ વહેતી કરી છે. મંજરને મે મહિના માટે 36,86,660 રૂપિયાનું બિલ ભરવાનું છે. કોઈ સામાન્ય વ્યક્તિને આટલું મોટું લાઈટ બિલ કેવી રીતે આવી શકે? એમાંય મંજરભાઈ તો કવિ છે!
મંજર ભોપાલીએ ફેસબુક પેજમાં લખ્યું છે, ‘‘એમપી ગજબ હૈ, સબ સે અજબ હૈ. આ નારાની સત્યતા એટલે કે મે મહિનાનું 36,86,660નું મારા ઘરનું એક મહિનાનું ઈલેક્ટ્રિક બિલ. માનનીય મુખ્યમંત્રી આ પ્રકારનો મજાક કોરોના કાળમાં એક શાયર માટે ઠીક નથી. લોકડાઉન અને કોવિડના કારણે કવિની કલમની શાહી પણ સૂકાઈ ગઈ છે. એવામાં આ 36 લાખ રૂપિયા કેવી રીતે ભરીશ? આ બિલ ભ્રષ્ટાચારનું ખુલ્લમખુલ્લા દાવતનામું છે.’’
મંજરે ટ્વીટર પર પણ પોતાની ફરિયાદ કવિ બનીને જ નોંધાવી છે.
मध्य प्रदेश गज़ब है
बात कुछ अजब है
में तो ये ही कहूंगा
तुम जियो हज़ारों साल
की जनता हो जाए कंगाल
વીજ કંપનીએ ભૂલનો કર્યો સ્વીકાર
મંજર ભોપાલીએ બિલ મળ્યાં બાદ મધ્યપ્રદેશ વિદ્યુત કંપનીને સંપર્ક કર્યો અને કંપનીએ તેમને આશ્વાસન આપ્યું કે ટેકનિકલ ગડબડીના કારણે આ થયું છે. જેને તુરંત સુધારી લેવામાં આવશે. જોકે તંત્રની ટેકનિકલ ગડબડી કોઈ દિવસ કોઈનો જીવ લઈને રહેશે. આ પહેલી વખત નથી કે વીજળીનું બિલ લાખોમાં આવ્યું હોય. પરમ દિવસે અરવલ્લીના મોડાસાના સિરાજભાઈ શેખને ત્રણ લાખ રૂપિયાનું બિલ ફટકારી દેતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જોકે ગુજરાતની વીજ કંપનીએ પણ ભૂલ થઈ ગઈ અને ફરી 400 રૂપિયા રેગ્યુલર બિલ કરી નાખ્યું. આટલું બધું બિલ આપતા પહેલા જે તે વ્યક્તિના ઘરને પણ વીજ કર્મચારીઓ નહીં જોતા હોય? એક પંખો-એક ટ્યૂબલાઈટ અને બિલ ત્રણ લાખ આવે? આ પહેલા ગુજરાતના જ અંકલેશ્વરમાં માતૃ હેર સલૂન નામની વાળંદની દુકાન ચલાવનારાને અને મહિને 12 હજારની કમાણી કરનારા વ્યક્તિને 5.70 લાખનું બિલ ફટકારી દીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો છબરડો થઈ ગયા બાદ પણ જે તે પીડિતે સામેથી વીજ કંપનીનો સંપર્ક કરવો પડે છે. એટલે શું વીજ કંપની સામેનો વ્યક્તિ આટલા પૈસા ભરે તો લઈ લે? એમને જરાં પણ એવું નથી થતું કે ત્રણ લાખ કે પાંચ લાખ બિલ હોય જ નહીં? આવા તો અગણિત સવાલો ઊભા થઈ રહ્યા છે.
ખેર… ગુજરાતની ભાજપ સરકારથી સીધા મધ્યપ્રદેશની ભાજપ સરકાર પાસે આવીએ. મંજર ભોપાલીને 6 જૂનની રાત્રે આ બિલ મળ્યું હતું. મંજરે કહ્યું છે કે ઉનાળાના દિવસોમાં તેનાં ઘરનું વીજળી બિલ 7થી 8 હજાર રૂપિયા આવે છે. મે મહિનામાં તેણે 1,110 યુનિટ વીજળીનો ઉપયોગ કર્યો છે. એ જોતા 8થી 9 હજાર રૂપિયાનું બિલ આવવું જોઈએ. પણ આ વખતે તો 36,86,660 પકડાવી દીધાં છે. મંજર કોરોના વાઈરસથી સંક્રમિત છે. રિકવર થઈ રહ્યા છે અને આટલું મોટું બિલ ફટકારી દીધું છે. જે તેમના માથે પડ્યા પર પાટું જ છે. ભલે વીજ કંપની બાદમાં ભૂલ સ્વીકારી સુધારો કરી લે, પણ હે તંત્ર, પહેલી વખત તો ગ્રાહકની છાતીના પાટીયા 36 લાખ જોઈ બેસી જ જવાના.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત