Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટીની પહેલાથી હિન્દુત્વની વિચારધારા રહી છે. 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થયા પછી તેને ધીમે ધીમે હિન્દુઓનો સાથ સહકાર મળ્યો. 2014માં પાર્ટી રામ મંદિર અને નરેન્દ્ર મોદીની વિરાટ લોકપ્રિયતાના કારણે સત્તામાં આવી અને 2019માં ફરી રામ મંદિરની વાત કરી અને રામ મંદિર નિર્માણ પણ કરાવ્યું.
હિન્દુત્વની રાજનીતિની પહેલાથી આંગળી પકડી ચાલનારી ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ પોતાની વિચારધારાની સાથે છેડછાડ નથી કરી. કોંગ્રેસ પાર્ટીના મૂળીયા ભારતીય રાજનીતિમાં બરાબરના બેસી ગયા હતા ત્યારે પણ તે હિન્દુત્વની જ રાજનીતિ કરતું હતું અને આજે પણ તે હિન્દુત્વની જ વાતો કરે છે. કોઈ દિવસ વધારે મત મેળવવા માટે ડબલ ઢોલકી નથી થયું.
જોકે ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વના નામે વોટ મળે તો અમને કેમ ન મળે ? આ વિચારે ઘણા જે અત્યાર સુધી શિવની પૂજા નહોતા કરતા તે શિવની પૂજા કરવા લાગી ગયા છે. મંદિરે નહોતા જતા એ મંદિરે જવા લાગ્યા છે. વક્તવ્યમાં મંત્ર નહોતા વાંચતા એ મંત્ર વાંચતા થઈ ગયા છે.
આમ આદમી પાર્ટીના મુખીયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ છેલ્લી ચૂંટણીમાં હનુમાનના નામનો ઉલ્લેખ કર્યો. રામની સામે હનુમાન. જોકે તેમની દિલ્હીમાં કામગીરીના કારણે તેઓ જીત મેળવી ગયા. હાલમાં જ એમણે ફરી રામજીનું કાર્ડ રમ્યું. રામરાજ્યની કલ્પના કરતાં તેમણે દસ બિંદુઓ સામે રાખ્યા. એમણે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બની જશે ત્યારે હિન્દુઓને સરકાર પોતાના ખર્ચે રામ મંદિરનો મફત પ્રવાસ કરાવશે એવી વાત વિધાનસભામાં મૂકી છે. અલબત્ત માત્ર વૃદ્ધ લોકોને. સાથે છેલ્લી વાત કહેવાનું ન વિસર્યા કે દરેક ધર્મ એક સમાન છે.
મોટી વાત સોનાર બાંગલાની છે. મમતા બેનર્જી પણ હવે મંદિરોના પગથિયાં ચડવા લાગ્યા છે. મમતાએ મુસ્લિમોની ટિકિટો કાપી નાખી છે. ચંડી પાઠ કરવા લાગ્યા છે. શિવ મંદિરના ચક્કર લગાવે છે. પૂજા દર્શન કરે છે. પોતે મોટા હિન્દુ છે એવું ચૂંટણી આવતા દેખાડવા લાગ્યા છે.
હિન્દુઓની પ્રમુખ વસતિ ધરાવતા પશ્ચિમ બંગાળમાં જ્યારે ભાજપનું કંઈ અસ્તિત્વ જ નહોતું ત્યારે મુસ્લિમોને ટિકિટ આપી પણ હવે જ્યારે ભાજપની વામનમાંથી વિરાટકાયા થઈ ગઈ છે ત્યારે મમતા દીદીને પણ મુશ્કેલી સતાવી રહી છે. શું બંગાળ વિધાનસભા જીતવા માટે મમતા દીદીએ હિન્દુત્વની રાહ પકડી લીધી છે ? શું અબ્બાસ સિદ્દીકી અને અસુદુદ્દીન ઓવૈસીની બંગાળ એન્ટ્રીથી તેમને પોતાના મુસ્લિમ વોટના પત્તા કપાતા નજર આવી રહ્યા છે ? કે પછી ભાજપને જવાબ આપવા માટે મમતા દીદીએ પોતાની રાજનીતિને નવો વળાંક આપ્યો છે ?
2016માં મમતા બેનર્જીએ કુલ 57 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે કુલ 42 ઉમેદવારો ઉતાર્યા છે. મુસ્લિમોની ટિકિટ કાપી નાખવાના કારણે મમતા પર ભાતભાતનાં સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના હિન્દુ ઉમેદવારોની સામે મુસ્લિમ ઉમેદવારો પાંપણ ઝબકાવતા હારી જવાનો મમતાને ડર લાગતો હશે?
નંદીગ્રામમાં મમતા બેનર્જીએ હિન્દુત્વનું મોટું ઉદાહરણ આપ્યું. તેમણે નંદીગ્રામની રેલીમાં ચંડી મંત્ર વાંચ્યા. ભાજપને કડક શબ્દોમાં કહ્યું કે, હું હિન્દુ છું. મારી સાથે હિન્દુત્વનું કાર્ડ ન રમે. ભાષણ પૂર્ણ કર્યા પછી મમતા બેનર્જી ચંડી મંદિરમાં દર્શન માટે પણ ગઈ. દીદીનો આ નવો રંગ ચોંકાવી જતો હતો.
નોમિનેશન પહેલા મમતા બેનર્જી શિવ મંદિરમાં પહોંચી ગયા. ભોલેનાથ પર અભિષેક કર્યો. પાર્ટી મેનિફેસ્ટો પણ આજે એટલે કે શિવરાત્રીના દિવસે જાહેર થશે તેવી જાહેરાત તેઓ અગાઉથી જ કરી ચૂક્યા છે.
એક વાત તો સાફ છે કે 2016માં મમતા બેનર્જીને એકલે હાથે જે બહુમતિ મળી ગઈ હતી તેવું આ વખતે નથી લાગી રહ્યું. આ વાતનો અણસાર તો 2019ની ચૂંટણીમાં જ જોવા મળી ગયો હતો. જ્યારે ભાજપ લોકસભાની 18 સીટ ખેંચી ગયું હતું. બંગાળમાં ગાબડું પાડી ગયું હતું. લોકસભા જીત્યાના આનંદમાં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહે બંગાળનું ચાર વખત નામ ઉદ્દેશીને જવાબ આપી દીધો હતો કે, બંગાળની રાજનીતિમાં ભાજપ હવે પગ જમાવવા માટે તૈયાર છે. 2019ની લોકસભા ચૂંટણી સમયે જ મમતા બેનર્જીને અંદરખાને એ ડર મનમાં પેસી ગયો હતો કે ક્યાંક ભાજપની હિન્દુત્વની રાજનીતિ 2021માં તેમને સત્તાવિહોણા ન કરી દે. નહિંતર 2016માં પ્રશાંત કિશોરની મદદ વિના જીતનારા મમતાને 2021માં પ્રશાંતની શા માટે જરૂર પડી ગઈ ?
થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં જોયેલી હકડેઠાઠ ભીડે પણ મમતાના મનમાં ડરનો સંચાર તો કર્યો જ હશે. મમતા બેનર્જી માટે હવે વોટોનું ધ્રૂવીકરણ થતું અટકાવવું એ મોટો સવાલ છે. અબ્બાસ સિદ્દીકી અને અસુદુદ્દીન ઓવૈસી મુસ્લિમ વિસ્તારોમાં પકડ જમાવી જશે તેનો ડર. ભાજપના હિન્દુ ઉમેદવારોની સામે મુસ્લિમ ઉમેદવારોને ઉતારવાનો ડર. ઉપરથી કોંગ્રેસે વામપંથી અને અબ્બાસ સિદ્દીકી સાથે પણ હાથ મીલાવ્યો છે. કોંગ્રેસ તો હવે ડૂબતી નાવ છે. એમાં તે બંગાળમાં પોતાના અસ્તિત્વની ઝાંખી કરાવવા માટે અગાઉ જેમ અન્ય રાજ્યોમાં ગઠબંધનનો સહારો લીધો તેમ બંગાળમાં પણ લઈ રહી છે.
અબ્બાસ સિદ્દીકી પોતાના ઈન્ડિયન સેક્યુલર ફ્રંટની સાથે ચૂંટણીમાં 30 સીટો પર ઉતરશે. બંગાળમાં 100 કરતા વધારે સીટોને તેઓ પ્રભાવિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. વીસ સીટો પર ઓવૈસી ઉતરશે. જેથી મમતા બેનર્જી માટે હવે સત્તા ટકાવવી એ સમસ્યારૂપ બન્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત