ઝાલાવાડી જલજીરા : મેરીલ સ્ટ્રીપ ભારતમાં એય સમાચારોમાં પ્રથમ વખત ચમકી નથી. આ પહેલી વખત પણ નથી કે કંગનાએ મેરિલ સ્ટ્રીપને લઈ વાત ને વિવાદનો મધપૂડો છેડ્યો હોય. હવાની જેમ આવી અને ક્યારે આવી ને ક્યારે ગઈ તેવી સાંઢ કી આંખ નામની એક બાયોપિક ફિલ્મ આવી હતી. જેમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર જેવી હાલની કમનીય કાયા ધરાવતી કામણગારી અભિનેત્રીઓ હતી.
એક ટ્વીટમાં કોઈ મહાશયે સત્ય વાતનો તાંતણો છેડ્યો કે અભિનેત્રી તરીકે કોઈ વૃદ્ધ સ્ત્રીને જ લેવાની જરૂર હતી. શું કામે જુવાનડીઓને ઘરડી બનાવી ? આ મુદ્દો કંગનાની બહેન રંગોલી સુધી પહોંચ્યો અને ફરી મેરિલ સ્ટ્રીપ સપાટી પર આવી ગઈ. રંગોલીએ કંગનાની વાતને ટાંકીને કહ્યું કે, સૌ પ્રથમ તેને આ ફિલ્મ ઓફર થઈ હતી, પણ તેણે ફિલ્મને નકારી કાઢી. નકારી કાઢવા પાછળનું કારણ એ હતું કે કંગના આ ફિલ્મમાં નીના ગુપ્તા કે રમૈયા ક્રિષ્નન જેવી અભિનેત્રીઓ અભિનય કરે તે ઈચ્છતી હતી, નહિ કે કોઈ યુવા અભિનેત્રી પર મેકઅપના થથેડા લગાવી તેને ઘરડી બનાવવામાં આવે. કંગનાએ કહેલું કે, ‘બોલિવુડમાં ક્યારેય પણ મેરિલ સ્ટ્રીપ પેદા ન થઈ શકે.’
બોલિવુડમાં મેરીલ સ્ટ્રીપ પેદા ન થઈ શકે, કારણ કે બોલિવુડ કોઈ ઘરડી અભિનેત્રીને લીડ રોલમાં નથી લેતું. નથી સ્વીકારતું. એ સારાંશમાં અનુપમ ખેરને જ ઘરડો બનાવે છે. આપણને બતાવે છે. એમની જગ્યાએ એ સમયે ઘણા વિકલ્પ હતા. જોકે અનુપમની અભિનય પ્રતિભાએ સારાંશનો સાચા અર્થમાં સાર સમજાવ્યો.
કંગના ખૂદને શા માટે મેરીલ સ્ટ્રીપ સાથે સરખાવી રહી છે ? શું તેનામાં એવા ગુણ છે ? કંગના ક્વિન ફિલ્મથી ક્વિન બની ગઈ. ઘણા હિન્દી ફિલ્મ સર્જકો કંગનાની અભિનય પ્રતિભાને વખાણતા થાકતા નથી. કંગના કેરેક્ટરમાં તુરંત ઘુસી જાય છે, પણ હમણાં હમણાં કંગના એક ફિલ્મના કારણે ચર્ચામાં છે. જયલલિતાની બાયોપિક ફિલ્મ. કહેવાની જરૂર નથી કે કંગના તેમાં કોનો રોલ પ્લે કરી રહી છે.
મેરીલ સ્ટ્રીપે પણ આયર્ન લેડી ફિલ્મમાં બ્રિટનની પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરના પાત્રને જીવંત કર્યું હતું. એ ફિલ્મમાં મેરીલ સ્ટ્રીપ અભિનયનો રિતસરનો વિસ્ફોટક પદાર્થ બની હતી. ત્રણ અલગ અલગ રીતે તેણે થેચરના જીવનના તબક્કાઓને અભિનય થકી જીવંત કર્યા હતા. કંગના ખૂદના જયલલિતાના રોલને સ્ટ્રીપના થેચરના રોલ સાથે કમ્પેર કરી રહી છે.
ફિલ્મમાં મેરીલ સ્ટ્રીપ યુવા સાંસદ બને છે. પુરુષોની વચ્ચે એ જગ્યાએ આધિપત્ય જમાવવા મથતી મહિલા જ્યાં ટોયલેટ કરવા માટે સ્ત્રીની મુતરડી એટલા માટે નથી, કારણ કે સ્ત્રી અને બ્રિટનની સંસદ વચ્ચે આકાશ અને જમીન જેટલો ભેદ છે. સ્ત્રીઓ તો અહીં આવતી જ નથી. એ પછી તે યુવાન સાંસદમાંથી બ્રિટનની વડાપ્રધાન બને છે. અને ત્રીજા તબક્કામાં તે ખૂદના અસ્તિત્વ સામે લડી રહી છે. તેને ખબર નથી એ કોણ છે ? ગમે તે દુકાનમાં ઘુસી જાય છે. તેની યાદશક્તિ ક્ષીણ થઈ ચૂકી છે.
આવા કલાકારો માટે કેટલાક દિગ્દર્શકો એક શબ્દ પ્રયોજતા હોય છે. તમે ઓવરએક્ટિંગ તો કરો. મેરીલ સ્ટ્રીપ જેવા કલાકારો જ્યારે પાત્રના મૂળીયા પકડી લે તો તેમાંથી બહાર નથી નીકળતા. નીકળી નથી શકાતું. સ્ટ્રીપ આવા કલાકારોમાંથી એક છે.
બોલિવુડમાં કોઈ દિવસ મેરીલ સ્ટ્રીપ પેદા ન થઈ શકે એ કંગનાની વાત સાચી. અભિનયની રીતે આજે પણ જયા બચ્ચનને માફક કોઈ લીડ પાત્ર આવે તો દિગ્દર્શકો તેને નહિ આપે. તેની જગ્યાએ કોઈ યુવા અભિનેત્રીને પાત્ર માટે પસંદ કરશે કારણ કે કમાણી પણ થવી જોઈએ. સ્ટ્રીપ એ બંને વસ્તુ કરી શકે છે. તેનો અભિનય જોવા માટે રીતસરનાં ટોળા ઉમટી પડે છે. ઓસ્કરમાં તેની એન્ટ્રી માત્રથી વિરોધીઓ પરાજય સ્વીકારી લે છે. ત્રણ ત્રણ ઓસ્કર તેના ઘરના શો કેસમાં તેની અભિનય પ્રતિભાનો પૂરાવો આપે છે.
તેના નામ પાછળ પણ ઈતિહાસ છે. એની માતાનું નામ મેરી હતું. તેની દાદીનું નામ પણ મેરી હતું. ઘરમાં છોકરી જ આવી એટલે મેરી નામ પાડી દેવામાં આવ્યું. ઘરમાં ત્રણ ત્રણ મેરી હોય તો કેવું લાગે ? એક મેરીને બોલાવો તો ત્રણે ડાચા ઊંચા કરે. તેના પિતાએ તેના નામની પાછળ ‘લ’ લગાવી દીધો અને નામ બની ગયું મેરીલ સ્ટ્રીપ.
મેરીલ સ્ટ્રીપે મહિલા કેન્દ્રિ ફિલ્મોના જેટલા પણ પાત્ર નિભાવ્યા એ તમામ પાત્રો પર તે ટીપ્પણી કરતાં કહે છે કે, ‘મેં જેટલા પણ પાત્રો નિભાવ્યા બધા મારા જેવું જ અનુભવતા હતા.’
માઈકલ શુલમન નામના લેખકે મેરીલ સ્ટ્રીપની આત્મકથા લખી છે. જેમાં તેમણે મેરીલ વાળના કારણે ચીયરલીડર બની ગઈ હતી તેનો કિસ્સો કહ્યો છે.
1978માં ડિયર હન્ટર નામની ફિલ્મ આવેલી. એ ફિલ્મમાં અભિનયના જોરે મેરીલ પ્રથમ વખત ઓસ્કરમાં નોમિનેટ થઈ. એ પછી લગલગાટ મેરીલ 21 વખત ઓસ્કર માટે નામાંકિત થઈ છે. જે કારનામો બીજો કોઈ અભિનેતા નથી કરી શક્યો.
ડિયર હન્ટર બનવાની હતી ત્યારે રોબર્ટ ડિ નીરોએ એન્ટોન ચેખોવની કૃતિ ચેરી ઓર્કેડમાં તેને જોઈ લીધી. એ સ્ટેજ પ્રોડક્શન કરી રહી હતી. સમયનો વેડફાટ કર્યા વિના રોબર્ટ ડિ નીરોએ તેને ડિયર હન્ટરમાં સહાયક અભિનેત્રી બનવાની વાત કરી. એ ફિલ્મથી તેને ઓસ્કરમાં પણ એન્ટ્રી મળી. સ્ટ્રીપે નીરો સાથે કામ કર્યું અને જ્યારે નીરોની ટેક્સી ડ્રાઈવર ફિલ્મ આવી તો સ્ટ્રીપે એ ફિલ્મ જોયા પછી એક વિધાન સામે રાખ્યું કે, ‘જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે હું આ પ્રકારની અભિનેતા બનવા માગીશ.’
ચાર વખત તેને ઓડિશનમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી. તેમાંનું એક ઓડિશન મેરીલ સ્ટ્રીપના જીવન સાથે વણાઈ ચૂક્યું છે. મેરીલ સ્ટ્રીપનું નામ આવે એટલે બધાને એ જ રિજેક્શન યાદ આવી જાય. ડિ.લોરેન્ટીસ કિંગ કોંગ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. ઓડિશનમાં સ્ટ્રીપ આવી તો તેને જોઈ ડિ.લોરેન્ટીસે પોતાના દીકરાને ઈટાલીયન ભાષામાં કીધું, ‘તું આવી ખરાબ વસ્તુઓ શું કામે લાવે છો ?’
સામે સ્ટ્રીપે પણ ઈટાલીયન ભાષામાં જ પ્રત્યુતર આપતા કહ્યું, ‘મને ખબર છે સર હું એટલી સુંદર નથી દેખાતી જેટલું મારે હોવું જોઈએ. પણ હું છું. આટલી જ સુંદર છું અને તમને આટલું જ મળશે.’
આજે કંગના મેરીલ સ્ટ્રીપ સાથે પોતાની તુલના કરે તો લોકો હસવાના જ છે. એ કહે છે હું ગેલ ગેડોટ છું. એક્શનમાં હું ટોમ ક્રૂઝ કરતાં પણ ચડીયાતી છું. અભિનયમાં મેરીલ સ્ટ્રીપ છું. આટલા મોટા ગપગોળા! શું આ ગપગોળા તમારા ધ્યાન ભટકાવવા માટે તો નથી ચલાવાઈ રહ્યા ને ? હું એવું તો બિલકુલ નહીં કહું કે ભારતમાં મેરીલ સ્ટ્રીપ નથી. ભારતમાં સ્મિતા પાટીલ પાસે મેરીલ જેટલી ઊંચાઈ હતી. શબાના પાસે આજે પણ છે. શું આપણે સ્વીકારી ? કેટલા લોકોએ મંડી જોઈ ? કેટલા લોકોએ મિર્ચ મસાલા જોઈ ? કેટલા લોકોએ ગોડમધર જોઈ ? ભૂમિકા ? નિશાંત ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત