Team Chabuk-National Desk: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગત દિવસોમાં જ્યારે સફદરજંગ હોસ્પિટલમાં એકાએક નિરીક્ષણ કરવા માટે સામાન્ય દર્દી થઈ દાખલ થયો તો બેન્ચ પર બેસવા દરમ્યાન એક ગાર્ડે દંડો મારી દીધો હતો. આ સમયે જ તેમને હોસ્પિટલમાં અવ્યવસ્થા જોવા મળી તેવું પણ તેમણે સ્વીકાર્યું હતું. આ વાત મનસુખ માંડવિયાએ એ જ હોસ્પિટલમાં ચાર સુવિધાઓનો આરંભ કરવા દરમ્યાન કાર્યક્રમમાં હાજર ડોક્ટરોની સમક્ષ કરી હતી. તેમણે વ્યવસ્થામાં સુધારો લાવીને આને દેશની મોડલ હોસ્પિટલ બનાવવાનો નિર્દેશ કર્યો હતો.
માંડવિયા સફદરજંગ હોસ્પિટલમાં એક નવા ઓક્સિજન પ્લાન્ટ, કોરોનાના ઈલાજ માટે તૈયાર અસ્થાયી હોસ્પિટલ સહિતની ચાર સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો. એ પછી ડોક્ટરોને સંબોધિત કરતા તેમણે ઓચિંતા કરેલા નિરીક્ષણ ના સમયે થયેલી આપવીતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે તેઓ સામાન્ય દર્દીની માફક બેન્ચ પર બેઠા હતા અને ગાર્ડે તેમને દંડો મારીને કહ્યું કે, ‘અહીં નહીં બેસવાનું.’
માંડવિયાએ નિરીક્ષણ કર્યું કે હોસ્પિટલમાં આશરે 75 વર્ષની એક વૃદ્ધ મહિલાને તેના પુત્ર માટે સ્ટ્રેચરની આવશ્યકતા હતી. પરેશાન થઈ રહેલી વૃદ્ધ મહિલાને સ્ટ્રેચર અપાવવા કે સ્ટ્રેચર લઈ જવામાં સુરક્ષાગાર્ડે કોઈ સહાયતા નહોતી કરી. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં વ્યવસ્થા એવી બનાવવી જોઈએ કે દર્દીઓને બિલકુલ પરેશાની ન થાય. જો હોસ્પિટલમાં 1500 ગાર્ડ છે તો સ્ટ્રેચર લઈ આવવામાં વૃદ્ધાની મદદ કેમ નથી કરી શકતા. તેમણે નિર્દેશ કર્યો હતો કે, ઈમરજન્સી બ્લોકમાં પર્યાપ્ત સંખ્યામાં સુરક્ષા ગાર્ડ ખડેપગે હાજર રહેવા જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આ નિરીક્ષણનો અનુભવ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમક્ષ પણ રાખ્યો હતો. પીએમને જ્યારે આ વાત જણાવવામાં આવી ત્યારે તેમણે પ્રત્યુતર કર્યો હતો કે, શું ગાર્ડને નિલંબિત કરી દેવામાં આવ્યો. જેનો જવાબ આપતા સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, નહીં, કારણ કે તેઓ વ્યવસ્થાને અતિશ્રેષ્ઠ બનાવવા ઈચ્છે છે.
હોસ્પિટલ અને ડોક્ટરોને એક જ સિક્કાની બે બાજુ બતાવતા માંડવિયાએ કોરોનાના ઈલાજમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા કાર્યોની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, ટીમ વર્કના રૂપે કામ કરવું જોઈએ. તેમણે આશા સેવી હતી કે આ હોસ્પિટલ પોતાની છબિમાં પરિવર્તન આણી એક પ્રેરણાના રૂપમાં કામ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત