Team Chabuk-Special Desk: મોદી સરકાર પર 2019 પછી દરેક વસ્તુનું ખાનગીકરણ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. એ પછી એરપોર્ટ હોય કે કોઈ બેંક હોય. આ ખાનગીકરણનો પાયો 1979ની સાલમાં નંખાયો હતો. ભારતમાં નહીં. ભારતથી હજ્જારો કિલોમીટર દૂર ઈંગ્લેન્ડમાં. ત્યારે વડાપ્રધાન તરીકે આયર્ન લેડી માર્ગારેટ થેચર શાસન કરતા હતા. ઈંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન. જેમની નીતિઓ અને નિર્ણયોની આજે પણ ચર્ચા થાય છે. આશ્ચર્યની વાત એ છે કે મોદી સરકારના સમયમાં પણ માર્ગારેટ થેચરની વાત કરવી પડી રહી છે. કેમ કે સરકાર થેચરના નિર્ણયના માર્ગે જ છે. થેચરની ખાનગીકરણ કરવાની નીતિ તો સફળ રહી હતી પણ મોદી સરકારની ખાનગીકરણની નીતિ ભવિષ્યમાં સફળ પૂરવાર થાય છે કે નહીં તે આવનારી પેઢીને જોવાનું છે.
1979માં માર્ગારેટ થેચરે જ્યારે બ્રિટનનું પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થાનો ફુગ્ગો ફૂટી ચૂક્યો હતો. હવા ભર્યે પણ કંઈ થઈ શકે એમ નહોતું, કારણ કે નવા ફુગ્ગાની આવશ્યકતા હતી. મોંઘવારીએ એટલો લાંબો હનુમાન કૂદકો માર્યો હતો કે જે વસ્તુની કિંમત એક આંકડામાં હતી એ બે આંકડામાં આવી ગઈ હતી. બીજા વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિને તો વર્ષોના વહાણ વીતી ગયા હતા અને હવે કોઈ વિશ્વયુદ્ધનો પડછાયો જગત પર નહીં મંડારાય તેની હથિયારોની સામગ્રી વધારતા વધારતા તમામ દેશો વાતો કરી રહ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધની વાત એટલા માટે કરીએ છીએ કે, ઈંગ્લેન્ડમાં થેચરના કાર્યકાળ દરમિયાન બેરોજગારી બીજા વિશ્વયુદ્ધ બાદ ટોચ પર હતી. ભારતમાં પણ વર્તમાન સમયે આવું જ છે. હિન્દી દૈનિક ભાસ્કરની પ્રથમ પેજ પર રિપોર્ટ પ્રકાશિત થઈ છે કે દેશમાં 3.03 કરોડ યુવાનો બેરોજગાર છે. લોકડાઉનના સમય કરતા પણ વધારે. જેમ થેચરના સમયે બીજા વિશ્વયુદ્ધ બાદ સર્વાધિક હતા. ઈંગ્લેન્ડની સરકારને પોતાનો ખર્ચો ચલાવવા માટે આંતરાષ્ટ્રીય મુદ્રા કોષને ઉધાર લેવાની જરૂરિયાત પડી ગઈ હતી.
સ્વતંત્ર બજાર પ્રણાલીની સમર્થક એવી માર્ગારેટ થેચરની પ્રાથમિકતા સ્પષ્ટ હતી. તેમની વિચારધારા હતી કે સરકારનું કામ વેપાર કરવાનું નથી. આ એ સમયની વાત છે જ્યારે બ્રિટીશ એયરવેઝ સહિત બ્રિટનની કેટલીય કંપનીઓને સરકાર કાખમાં નાખી ચલાવતી હતી. માર્ગારેટ થેચરે આ તમામનું ખાનગીકરણ કરી નાખ્યું. અર્થાત્ સરકારે આ કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચી નાખી અને બજારમાં હસ્તાંતરિત કરી નાખ્યું. થેચરને આ માટે વિરોધીઓના કટાક્ષનો ખાસ્સો સામનો કરવો પડ્યો. જોકે થેચર પોતાની વિચારધારાને વળગી રહ્યા. થોડા સમયમાં જ બ્રિટનની પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર પણ આવી અને બુલેટ ટ્રેનની સ્પીડે ભાગવા પણ લાગી.
કોઈ દેશ, કોઈ નીતિ અખત્યાર કર્યાં બાદ, સફળ થાય એટલે અનુકરણ થાય. બ્રિટનની ખાનગીકરણની નીતિનું પણ અનુકરણ થયું. યુરોપ, લેટિન અમેરિકા સહિત દુનિયાના કેટલાય દેશોમાં ખાનગીકરણની છૂકછૂક ગાડી દોડવા લાગી. દેશ દુનિયામાં ખાનગીકરણની નીતિ એટલી બધી ચાલી, જાણે માર્ગારેટ થેચર પૃથ્વીને વિરાસતમાં દઈ ગઈ હોય એવું લાગે. ભારતમાં પણ નબળી અર્થવ્યવસ્થાને તગડી બનાવવા માટે ભૂતકાળમાં ખાનગીકરણ થયું હતું. જોકે એ સમયની માગ હતી.
1947ની સાલમાં દેશ સ્વતંત્ર થયો. ઉદ્યોગની સ્થિતિ એવી હતી કે દેશમાં સોઈ સુદ્ધાં બનતી નહોતી. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની વિચારધારા ઔદ્યોગીકરણની હતી. આર્થિક વિકાસ થાય અને લોકોનું જીવન સુધરે. જોકે ઔદ્યોગીકરણ માટે નાણું જોઈએ, જેની દેશમાં ઉણપ હતી. 6 એપ્રિલ 1948ના રોજ ભારત સરકારે જે પ્રથમ ઔદ્યોગિક નીતિ જાહેર કરી તેમાં એ વાત પર ભાર આપવામાં આવ્યું કે સરકાર ઉદ્યોગોના વિકાસમાં ઉત્તરોતર સક્રિય ભૂમિકા નિભાવશે અને જ્યાં સંભવ હશે ત્યાં ખાનગી ક્ષેત્રની મદદ લેશે અને તેને આગળ ધપાવશે.
1956માં બીજી ઔદ્યોગિક નીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જ્યારે સંસદે સમાજવાદી પદ્ધતિવાળી શાસન વ્યવસ્થા સ્વીકાર કરી લીધી છે, તો બાકી નીતિઓની માફક ઔદ્યોગિક નીતિ પણ આ સિદ્ધાંત પર ચાલવી જોઈએ. સ્વતંત્રતાના ચાર દાયકા બાદ ભારતની અર્થવ્યવસ્થા પૂરપાટ વેગે દોડી. જે દેશમાં સોઈ પણ નહોતી બનતી તે માઈક્રોચિપ્સ પણ બનાવતી હતી.
1991-92માં ભારત સરકારે 31 કંપનીઓની ભાગીદારી વેચી અને આશરે 3000 કરોડ રૂપિયાની કમાણી કરી. જેનાથી દેશની સકલ બદલી ગઈ. ઉદ્યોગ અને ધંધા વિકસી રહ્યા હતા. વિદેશી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા માટે તલપાપડ હતી. 2000-01 સુધીમાં સરકારને કમાણી થનારો આંકડો વીસ હજાર કરોડ સુધી પહોંચી ગયો. 2014માં મોદી સરકાર આવ્યા બાદ આ પ્રક્રિયામાં ઘણી ઝડપ આવી. અંતિમ છ વર્ષની વાત કરવામાં આવે, તો મોદી સરકાર કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચી ત્રણ લાખ ત્રીસ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ એકઠી કરી ચૂકી છે. વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં 1.75 લાખ કરોડનું વિનિવેશ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સરકાર ખાનગીકરણ કરતી રહી તો વિરોધ પક્ષ તેનો વિરોધ પણ કરતું રહ્યું. અર્થશાસ્ત્રીઓ પણ મોદી સરકારના આ નિર્ણયની આલોચના કરતા હતા. ખાસ મહામારી કોરોના આવ્યા બાદ સ્થિતિ સુધરતા વાર લાગશે તેવું અર્થશાસ્ત્રીઓ આજે પણ કહી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર ટીએન નાયનને લખ્યું હતું કે, ‘ખર્ચ વધી ગયો છે અને ટેક્સમાંથી થતી કમાણી પૂરી નથી પડી રહી.’ આ વર્ષનું નાણાકીય બજેટ ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખી હશે તેમાં બેમત નથી. સરકારના આ બજેટમાં મહામારી સામે યુદ્ધ કરવા કયું નાણાકિય શસ્ત્ર બહાર નીકળશે તેની પણ ઈન્તેજારી રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત