Team Chabuk-International Desk: દુનિયામાં ભયંકર રીતે ફેલાયેલા કોરોના વાઇરસના ભરડામાંથી હજુ પણ લોકો સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી. ઘણા દેશોમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નિષ્ણાંતોએ ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરી દીધી છે. હજુ કોરોના વાઇરસનો સંપૂર્ણ સફાયો નથી થયો ત્યાં જ વધુ એક વાઇરસે દસ્તક દીધી છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર એટલે કે CDCએ ફરીથી વિશ્વભરના દેશોની ચિંતા વધારી દીધી છે.
CDCના જણાવ્યા અનુસાર અમેરિકાના ટેક્સાસ શહેરમાં મંકીપોક્સ (monkeypox) વાઇરસના સંક્રમણનો એક અનોખો કેસ સામે આવ્યો છે. આ પહેલા વર્ષ 2003માં અમેરિકાના કેટલાક શહેરોમાં મંકીપોક્સ વાઇરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. CDC દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે જે વ્યક્તિમાં મંકીપોક્સ (monkeypox) વાઇરસની પુષ્ટિ થઈ છે તેણે હાલમાં જ નાઇઝિરીયાથી અમેરિકાની મુસાફરી કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.
આરોગ્ય વિભાગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દુર્લભ મંકીપોક્સ (monkeypox) વાઇરસ, ચિકનપોક્સ વાઇરસ સાથે સંબંધિત છે. આ વાઇરસનું સંક્રમણ ખૂબ જ ગંભીર બની શકે છે. સંક્રમિત વ્યક્તિના શરીર પર મોટા-મોટા દાણા જેવા ફોડલી ઉપસી આવે છે. આવા લક્ષણો જણાય એટલે આ વાઇરસની પુષ્ટિ કરવામાં આવે છે.
શું છે મંકીપોક્સ વાઇરસ ?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે વર્ષ 1970માં પ્રથમ વખત મનુષ્યમાં મંકીપોક્સ (monkeypox)નું સંક્રમણ ફેલાયું હતું. ત્યારથી અત્યાર સુધી 11 આફ્રિકી દેશમાં આ વાઇરસના સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. આફ્રિકી દેશોની બહાર વર્ષ 2003માં અમેરિકામાં મંકીપોક્સ (monkeypox) વાઇરસના સંક્રમણના મામલા સામે આવ્યા હતા. ત્યારબાદ હવે 18 વર્ષ પછી 2021માં આ પ્રથમ મામલો સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ વર્ષ 2003માં ઘાનાથી લાવવામાં આવેલા એક શ્વાનના સંપર્કમાં આવવાથી અમેરિકામાં મંકીપોક્સ (monkeypox) વાઇરસનું સંક્રમણ ફેલાયું હતું. રાહતની વાત એ છે કે ભારત સહિત એશિયાના દેશોમાં આ પ્રકારના વાઇરસની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે, મંકીપોક્સ (monkeypox) સંક્રમણ, સંક્રમિત પશુ-પ્રાણીઓના લોહી, શારીરિક પ્રવાહી પદાર્થ અથવા ચામડી પરના ઘાના સંપર્કમાં આવવાના કારણે મનુષ્યમાં ફેલાય છે. આ સંક્રમણ મૂળ તો પશુ-પ્રાણીઓ સાથે સંબંધ ધરાવે છે. આ અંગે હજુ વૈજ્ઞાનિકોને પણ સ્પષ્ટ જાણકારી નથી.
મંકીપોક્સ વાઇરસના લક્ષણો
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે મંકીપોક્સ (monkeypox) વાઇરસના સંક્રમણનો ઇનક્યૂબેશન પિરીયડ સામાન્ય રીતે 6 થી 13 દિવસનો હોય છે. જો કે ઘણા કિસ્સાઓમાં 5 થી 21 દિવસ સુધી પણ આ સમયગાળો હોઈ શકે છે. મંકીપોક્સ (monkeypox) વાઇરસથી સંક્રમિત વ્યક્તિને તાવ, માથુ દુઃખવું, લિમ્ફેડેનોપેથી, પીઠ અને માંસપેશિયોમાં દુઃખાવો થવો અને શરીરમાં નબળાઈ લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. લિમ્ફ નોડ્સમાં સોજો આવવો એ આ વાઇરસનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. આ ઉપરાંત વાઇરસથી સંક્રમિત વ્યક્તિના શરીર અને હાથ-પગ પર મોટા આકારના દાણા પડી જાય છે. ઘણા લોકોને આંખના ખુણામાં પણ આ પ્રકારની અસર જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મંકીપોક્સથી મોતની ટકાવારી 11 ટકા સુધી રહે છે. સંક્રમણથી નાના બાળકોમાં મોતનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે.
નિષ્ણાતોના મતે મંકીપોક્સ (monkeypox) નામના વાઇરસના કારણે આ સંક્રમણ ફેલાય છે. આ વાઇરસ ઓર્થોપોક્સ વાઇરસ સમૂહ સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે મંકીપોક્સ વાઇરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાવવાનો દર ખૂબ જ ઓછો છે. સંક્રમિત વ્યક્તિની છીંક-ઉધરસમાંથી નીકળતા ડ્રોપલેટ્સ, સંક્રમિત વ્યક્તિની ચામડી પરની ઈજા અથવા સંક્રમિત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાના કારણે બીજા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ ફેલાવાની આશંકા રહે છે.
સારવાર કેવી રીતે થાય છે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે હાલમાં મંકીપોક્સ (monkeypox) વાઇરસની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. ચેચકને ખતમ કરવા માટે આપવામાં આવતી વેક્સિન મંકીપોક્સ સામે સુરક્ષિત માનવામાં આવે છે. ઘણા અભ્યાસમાં આ વેક્સિન મંકીપોક્સ સંક્રમણને રોકવા માટે 85 ટકા સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત