Homeગામનાં ચોરેમુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનની પહેલી તસવીર

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનની પહેલી તસવીર

મુંબઈ-અમદાવાદ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડશે તે ટ્રેનની પહેલીવાર તસવીર સામે આવી છે. ભારતમાં જાપાની દુતાવાસે શુક્રવારે આ ટ્રેનની તસવીર સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. સમાચાર એજન્સી ANIએ ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, ભારતમાં જાપાની દુતાવાસે ઈ-5 સિરીઝ શિનકાન્સેનની (જાપાનની બુલેટ ટ્રેન)ની તસવીર જાહેર કરી છે. જેને મોડિફાઈડ કર્યા બાદ તેનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જશે.

370ની ઝડપે દોડશે ટ્રેન

98 હજાર કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરનું નિર્માણ થશે. બુલેટ ટ્રેન ટ્રેક પર 370 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે દોડશે તેવો અંદાજો છે. એટલે કે અમદાવાદથી મુંબઈ માત્ર 1 કલાક અને 38 મિનિટમાં પહોંચી શકાશે. બુલેટ ટ્રેનના કારણે બંને શહેરો વચ્ચેની મુસાફરીનો સમય ટૂંકો થઈ જશે. હાલ અમદાવાદથી મુંબઈ પહોંચતા 6.35 કલાકથી 8.10 કલાક સુધીનો સમય લાગે છે. આ પ્રોજેક્ટમાં 11 નવી ટનલ બનાવવામાં આવશે. જેમાંથી એક મુંબઈ પાસે દરિયાની અંદર હશે. દરિયાની અંદર બનનારી આ ટનલ કુલ 7 કિલોમીટર લાંબી હશે. કુલ 12 ટનલનું કુલ અંતર 21 કિલોમીટર હશે.

રોજ 70 ટ્રીપ કરવાનું આયોજન

દર 20 મિનિટે એક ટ્રેન દોડશે. એવો અંદાજો છે કે, બુલેટ ટ્રેન શરૂ થયા પછી દરરોજ મુંબઈ-અમદાવાદ વચ્ચે 70 ટ્રીપ થશે. એક ટ્રીપમાં કુલ 750 મુસાફર મુસાફરી કરી શકશે. એટલે કે બુલેટ ટ્રેન શરૂ થયા પછી તેમાં રોજ એક જ દિવસમાં 53 હજાર 500 મુસાફરો મુસાફરી કરશે. બુલેટ ટ્રેનનું ભાડુ 3 હજારથી 5 હજાર જેટલું હોઈ શકે છે. ભાડું વધવાનું એક કારણ એ પણ છે કે, પહેલાં આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 98 હજાર કરોડમાં પૂરો થવાનો હતો પરંતુ ગયા વર્ષે એવો દાવો કરાયો હતો કે પ્રોજેક્ટ 1.80 લાખ કરોડે પહોંચી ગયો છે.

ક્યારે પૂરો થશે પ્રોજેક્ટ ?

બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂરો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં અમદાવાદ અને મુંબઈ વચ્ચેના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ સપ્ટેમ્બર મહિનામાં શિલાન્યાસ કર્યાને 3 વર્ષ પૂરા થયા છે.

અહીથી પસાર થશે ટ્રેન

અમદાવાદના સાબરમતીમાં બુલેટ ટ્રેન માટે સ્પેશિયલ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. તો વડોદરામાં બુલેટ ટ્રેનની ટ્રેનિંગ માટે એક ટ્રેનિંગ સેન્ટર પણ બનાવાઈ રહ્યું છે. બુલેટ ટ્રેન માટે હાલ જે વડોદરામાં સ્ટેશન છે તેને તોડી નવું સ્ટેશન તૈયાર કરવાની પણ યોજના છે. બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનેથી ઉપડ્યા બાદ આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, ભોઈસર, વિરાર, ઠાણેથી મુંબઈ મેઈન સ્ટેશન સુધી પહોંચશે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ ?

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ પણ થઈ રહ્યો છે. સૌથી વધુ વિરોધ મહારાષ્ટ્રના આદિવાસી અને ખેડૂતો કરી રહ્યા છે. જમીન સંપાદન મુદ્દે તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, તેમની જમીન છીનવી લેવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે મહારાષ્ટ્ર સરકારે પણ સમીક્ષા કરવાના આદેશ પણ આપ્યા છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કુલ 1400 હેક્ટર જમીનની જરૂર છે. જેમાંથી 350 હેક્ટર જમીન મહારાષ્ટ્રની હદમાં આવે છે જ્યારે અન્ય જમીન ગુજરાતમાં છે.

બુલેટ ટ્રેન વિશે આ જાણો છો ?

બુલેટ ટ્રેનને જાપાનમાં શિનકાન્સેન પણ કહે છે. ટ્રેનના આકારના કારણે તેનું નામ બુલેટ ટ્રેન પડ્યું છે. બુલેટ ટ્રેનના ફાઉન્ડર હેડિયો શીમા છે. હેડિયો શીમા જાપાનીઝ એન્જિનિયર છે. 1964માં શિન્કાન્સેન દુનિયાની પહેલી ટ્રેન હતી જે 209 કિલોમીટરની ઝડપે દોડી શકતી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments