Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-6- સ્ત્રી અને પુરુષમાં વધારે પાપી કોણ ?

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-6- સ્ત્રી અને પુરુષમાં વધારે પાપી કોણ ?

Team Chabuk : તો રાજા ભોગવતી નામની એક નગરી હતી. તેમાં રાજા રુપસેન રાજ કરતો હતો. તેની પાસે ચિંતામણી નામનો એક પોપટ હતો. એક દિવસ રાજાએ તેને પૂછ્યું, ‘મારા વિવાહ કોની સંગાથે થશે?’

પોપટે જવાબ આપ્યો, ‘મગધ દેશની રાજાની દીકરી ચંદ્રાવતી સાથે થશે.’ રાજાએ પોપટની વાતને સાંભળ્યા પછી ખરાઈ કરવા હેતુસર રાજ્યના શ્રેષ્ઠ જ્યોતિષીને મહેલમાં આમંત્રણ પાઠવ્યું અને તેણે પણ પોપટની વાત સાથે સહમતિ દર્શાવી.

બીજી બાજુ મગધ દેશની રાજકન્યા ચંદ્રાવતી પાસે એક મેના હતી. તેનું નામ મંજરી હતું. રાજકન્યાએ તેને પૂછ્યું કે, ‘મારા વિવાહ કોની સાથે થશે?’

મેનાએ જવાબ આપ્યો, ‘ભોગવતી નગરીના રાજા રુપસેનની સાથે.’

પોપટ ચિંતામણી અને મેના મંજરી બંનેની વાત સાચી નીકળી. ટૂંક સમયમાં જ બંનેના વિવાહ થઈ ગયા. રાણીની સાથે ભોગવતી નગરીમાં મેના પણ આવી ગઈ. રાજા-રાણીએ મેના અને પોપટના પણ લગ્ન કરી દીધા અને તેમને એક પિંજરામાં રાખી દીધા. એક દિવસની વાત છે. પિંજરામાં રહેતા મેના અને પોપટની વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. મેનાએ કહ્યું, ‘પુરુષની જાત પાપી, દગાબાજ અને અધર્મી હોય છે.’

પોપટે મંજરી મેનાની વાતનો વિરોધ નોંધવતા કહ્યું, ‘સ્ત્રી તો અસત્ય બોલનારી, લાલચી અને હત્યારી હોય છે.’ બંનેનો ઝઘડો વધી ગયો. એમનો કલશોર રાજા રુપસેનના કાને પડતા એ પિંજરાની પાસે આવ્યા અને પૂછ્યું, ‘શું વાત છે ? શા માટે આ રીતે લડી રહ્યા છો?’

મેનાએ કહ્યું, ‘મહારાજ મરદો ખૂબ જ ખરાબ હોય છે.’ આટલું બોલી મંજરી મેનાએ રુપસેન રાજાને એક વાર્તા સંભળાવી.

*******

ઈલાહપુર નામના નગરમાં મહાધન નામનો એક શેઠ રહેતો હતો. વિવાહના લાંબા સમય પશ્ચાત તેને ત્યાં પુત્ર અવતર્યો. શેઠે તેનું ખૂબ જ સારી રીતે પાલન-પોષણ કર્યું. પણ શેઠનો પુત્ર તો મોટો થઈ જુગાર રમવા લાગ્યો. તેની જુગાર રમવાની લત્ત એમની એમ રહી અને શેઠ મૃત્યુ પામ્યા. છોકરાએ ધીમે ધીમે પોતાનું તમામ ધન જુગારમાં ગુમાવી દીધું. જ્યારે પોતાની પાસે કંઈ ન બચ્યું તો પોતાનું નગર છોડી નજીક આવેલી ચંદ્રાપુરી નગરીમાં તે ચાલ્યો ગયો. એ નગરમાં હેમગુપ્ત નામનો એક શાહુકાર રહેતો હતો. તેની પાસે જઈને તેણે પોતાના પિતાની ઓળખાણ આપી અને કહ્યું, ‘હું જહાજ લઈને વેપાર કરવા માટે ગયો હતો. માલ વેચ્યો, ધન કમાણો પણ જહાજમાં પરત ફરતો જ હતો કે, સમુદ્રમાં એવું તોફાન આવ્યું કે મારા જહાજના ટૂકડા ટૂકડા થઈ ગયા. જેમ તેમ કરીને હું અહીં સુધી પહોંચ્યો છું.’

એ શેઠની દીકરીનું નામ રત્નાવતી હતું. શેઠને તો મનમાં લાડવા ફૂટ્યા કે સામે ચાલીને આવો સારો છોકરો આંગણે આવ્યો છે. તેણે તે છોકરાને પોતાના ઘરમાં આસરો આપ્યો અને થોડા સમય પછી પોતાની પુત્રીના વિવાહ તેની સાથે કરી દીધા. બંને ત્યાં રહેવા લાગ્યા અને એક દિવસ એવો પણ આવ્યો કે બંનેએ ત્યાંથી પિતાના આશીર્વાદ લઈ વિદાય લીધી. પુત્રી અને જમાઈની વિદાયવેળાએ શાહુકારે અઢળક ધન આપ્યું અને એક દાસીને તેમની ચાકરી કરવા સાથે મોકલી દીધી.

રસ્તા વચ્ચે જ એક ઘનઘોર જંગલ પડતું હતું. જંગલની વચ્ચે પહોંચતા જ યુવકે પોતાની પત્નીને કહ્યું, ‘આટલા સુંદર આભૂષણો પહેરી જંગલમાંથી આપણે નીકળી રહ્યા છીએ. નહીંને કોઈ અજુગતો બનાવ બની ગયો તો. એક કામ કર તું તારા ઘરેણા મારી કમર પર બાંધી દે.’

પત્નીએ પતિદેવની આજ્ઞાનું પાલન કર્યું. તેણે ઘરેણા પતિની કમર ફરતે બાંધી દીધા. જંગલની વચ્ચે એક અવાવરું કૂવો હતો. પત્ની આગળ ચાલી રહી હતી અને દાસી પાછળ. તેની પાછળ યુવક ચાલી રહ્યો હતો. તેણે દાસીને મારી નાખી અને પોતાની અર્ધાંગિનીને કૂવામાં ફેંકી દીધી.

કૂવાની અંદર રત્નાવતી રડી રહી હતી. એક મુસાફર ત્યાંથી પસાર થયો. તેણે રત્નાવતીનો ડુસકા લેતો અવાજ સાંભળ્યો અને તેને કૂવામાંથી બહાર કાઢી તેના પિતાના ઘરે પહોંચાડી આવ્યો.

પુત્રી રત્નાવતીને આવી સ્થિતિમાં જોઈ તેના માતા પિતા પર તો આભ તૂટી પડ્યું. એ પૂછવા લાગ્યા, ‘તારી આવી સ્થિતિ કેવી રીતે થઈ ? તારો પતિ અને દાસી ક્યાં છે.’

રત્નાવતીએ પિતા આગળ સમગ્ર ખોટો ઘટનાક્રમ રાખી દીધો. તેણે રડતા રડતા પિતાને કહ્યું, ‘રસ્તામાં ચોર આવી ગયા. દાસીની હત્યા કરી નાખી અને મને કૂવામાં નાખી દીધી.’

તેની વાત સાંભળી પિતાએ તેને આશ્વાસન આપતા કહ્યું, ‘તારો પતિ જીવિત જ હશે. એ અચૂક પરત આવશે.’

એ યુવાન તો પોતાના શહેરમાં જઈ જુગાર રમવા લાગ્યો. ઘરેણા સહિતની તમામ દોલત જે તેને તેના સસરા પાસેથી મળી હતી તે હારી ગયો. હારી ગયેલો જુગારી પાછો પોતાના સસરાના આસરે પહોંચ્યો. તેને ખબર હતી કે તેની ત્યાં ખરાબ હાલત થવાની છે. ઘરમાં પ્રવેશ્યો કે તેને રત્નાવતી પહેલા મળી. તેણે તેને કહી દીધું, ‘સ્વામી તમે ડરો નહીં. મેં ઘરે ખોટી વાત કહી છે. તમારા પર કોઈ આંચ નહીં આવે.’

શેઠ તો જમાઈને જીવિત આવેલા જોઈ ખુશ થઈ ગયા. તેની સારી રીતે આગતા સ્વાગતા કરી અને ઘરમાં રાખ્યો.

એક રાતની વાત છે રાજા. રત્નાવતી ઘરેણા પહેરી ઉંઘી રહી હતી. તેના પતિએ તેની હત્યા કરી નાખી અને ઘરેણા લઈ નાસી ગયો.

વાર્તા પૂરી કરતાં મેના બોલી, ‘મહારાજ. આ બધું મેં મારી આંખોથી જોયું છે. આવા પાપી પુરુષો હોય છે.’

મંજરી મેના તરફથી નજર હટાવી રાજાએ પોપટની સામે જોયું, ‘હવે તું કહે સ્ત્રી કેવી રીતે ખરાબ હોય છે?’ રાજાની વાત પર પોપટે પણ એક વાર્તા સંભળાવી.

*******

કંચનપૂરમાં સાગરદત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેને શ્રીદત્ત નામનો એક પુત્ર હતો. એ નગરથી થોડે દૂર શ્રીવિજયપુર નામનું એક બીજું નગર હતું. તેમાં સોમદત્ત નામનો શેઠ રહેતો હતો. તેની દીકરીનું નામ જયશ્રી હતું અને તેના વિવાહ શ્રીદત્ત સાથે થયા હતા. વિવાહ પછી શ્રીદત્ત વેપાર કરવા અને ધન કમાવવા માટે પરદેશ ચાલ્યો ગયો. બાર બાર વર્ષના વહાણ વીતી ગયા. એ જ્યારે ન આવ્યો ત્યારે તેની પત્ની જયશ્રી વ્યાકુળ થઈ ગઈ.

એક દિવસ તે પોતાની અટારી પર ઊભી હતી. તેને એક માણસ આવતો દેખાયો. એ માણસને જોઈ તેના પર મોહિત થઈ ગઈ. તેણે તેને પોતાની બહેનપણીના ઘરે બોલાવી લીધો. રાત થતા જયશ્રી પોતાની બહેનપણીના ઘરે ચાલી જતી અને આ અજાણ્યા પુરુષ સાથે રાત વિતાવતી. સવાર થતા તે પરત પોતાના ઘરે આવી જતી. આ રીતે તો દિવસોના દિવસો પસાર થઈ ગયા.

વેપાર પૂર્ણ કરીને તેનો પતિ પરદેશથી પરત આવ્યો. શ્રીદત્તની પત્ની જયશ્રી તો ખૂબ જ દુ:ખી થઈ ગઈ કે હવે કરવું શું? પતિ મુસાફરી કરીને આવ્યો હોવાથી ખૂબ જ થાકેલો હતો. એ પથારીમાં પડ્યો અને ઊંઘી ગયો. આ વાતનો ફાયદો ઉઠાવતા તેની પત્ની બિલ્લી પગે ત્યાંથી સરકી ગઈ અને પોતાના પુરુષ મિત્ર પાસે જવા રસ્તામાં ચાલવા લાગી.

માર્ગમાં એક ચોર ઊભો હતો. તેનું ધ્યાન જયશ્રી પર હતું. ચોરની આંખથી તો કોણ બચે? એ જોતો હતો કે આ સ્ત્રી અત્યારે રાતના ક્યાં જાય છે ? જયશ્રી પોતાની બહેનપણીના મકાનમાં ચાલી ગઈ. ચોર પણ તેનો પીછો કરતા કરતા ત્યાં પહોંચી ગયો. જયશ્રી જ્યારે ત્યાં પહોંચી તો તેના પુરુષ મિત્રને સાંપે કરડી લીધો હતો અને તે મૃત્યુ પામ્યો હતો. જયશ્રીને તો લાગ્યું કે એ ઊંઘી રહ્યો છે.

ઘરના આંગણામાં એક પીપળાનું વૃક્ષ હતું. લાલ આંખવાળો પીશાચ ત્યાં લટકી રહ્યો હતો અને આ લીલા જોતો હતો. પીશાચે ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું. તેણે મરી ગયેલા પુરુષના શરીરમાં પ્રવેશ કર્યો. યુવતી તો ખુશ ખુશ થઈ ગઈ કે ચાલો ખરાં સમયે તેના પુરુષ મિત્રની આંખ ઉઘડી. પિશાચ જયશ્રી સાથે સંભોગ કરવા લાગ્યો. ઉત્તેજીત થઈને તેણે પેલી સ્ત્રીની નાકમાં બટકો ભર્યો અને નાક કાપી લીધું. સ્ત્રી રાડો પાડી ઉઠી અને પુરુષના શરીરમાંથી પીશાચ નીકળી ફરી ઝાડ પર લટકી ગયો.

જયશ્રી રડતા રડતા પોતાની બહેનપણીની પાસે પહોંચી ગઈ. તેની બહેનપણીએ ઉપાય સૂચવતા કહ્યું, ‘તું તારા ઘરે પાછી ચાલી જા. પતિની પથારી પાસે બેસી રડવા લાગજે. બહારનું કોઈ વ્યક્તિ નાક વિશે પૂછે તો કહી દેજે કે તારા પતિએ કાપી લીધું છે.’

બહેનપણીએ જેવું કહ્યું તેવું જ તેણે કર્યું. પતિની પથારી પાસે જઈ તે રડવા લાગી. તેની રોકકળથી આસપાસના લોકો એકઠા થઈ ગયા. પુરુષ જાગી ગયો. તેને આ વાતની ખબર પડી તો દુ:ખી થઈ ગયો. દીકરીના બાપે રાજાના કોતવાલ પાસે ફરિયાદ નોંધાવી. રાજા પાસે શ્રીદત્ત અને જયશ્રીને લાવવામાં આવ્યા. જયશ્રીની સ્થિતિ જોતા જ રાજાને ગુસ્સો આવી ગયો અને તેમણે હુકમ કર્યો, ‘શ્રીદત્તને ફાંસીના માચડે ચડાવી દો.’

હવે આ આખી ઘટનાનો સાક્ષી એવો ચોર ત્યાં જ ઊભો હતો. તેનાથી રહેવાયું નહીં અને ભરી સભામાં રાજાને સત્ય કહી દીધું. સાથે એ પણ કહ્યું કે, ‘મહારાજા પેલા ઘરમાં તપાસ કરાવો. એ પુરુષના મોઢામાં સ્ત્રીનું નાક હજુ પણ હશે.’

રાજાએ ચોરની વાતની ખરાઈ કરવા માટે સૈનિકોને મોકલ્યા અને તે સાચો પૂરવાર થયો.

વાર્તા પૂરી કરતા પોપટ બોલ્યો, ‘હે રાજા… સ્ત્રીઓ આવી હોય છે. પછી તો રાજાએ પેલી સ્ત્રીનું મૂંડન કરાવ્યું. તેને ગંદર્ભ પર બેસાડી અને નગરચર્યા કરાવી શહેરની બહાર ખદેડી દીધી.’

*******

સ્મશાનમાં સાપ પોતાની ફેણ ઝાડના થડ પર પછાડી રહ્યો હતો. વેતાલે પોતાના લાંબા સફેદ વાળને ઝાટકો આપતા પૂછ્યું, ‘વિક્રમ નિર્ણય તો હવે તારે જ કરવાનો છે. ચાલ બતાવ કે સ્ત્રી અને પુરુષ આ બંનેમાંથી વધારે પાપી કોણ કહેવાય?’

રાજાએ કહ્યું, ‘સ્ત્રી.’

વેતાલે પૂછ્યું, ‘કેવી રીતે?’

વિક્રમે કહ્યું, ‘પુરુષ ગમે એટલો પાપી હોય, તેને ધર્મનો થોડો ઘણો તો વિચાર રહે જ છે. સ્ત્રીને નથી રહેતો. હવે ચોરને જ જો. એ તો આ બધામાં સૌથી વધારે પાપી છે. પણ નિર્દોષ વ્યક્તિને સજા પામતા જોયો તો તેનાથી જરા પણ રહેવાણું નહીં. તેણે પોતાની ચિંતા કર્યા વગર જ કે હું ચોર છું. મને પણ સજા થઈ શકે છે. તેણે રાજાને સત્ય કહી દીધું. જેથી સ્ત્રી વધારે પાપી ઠરી કહેવાય.’

વેતાલે કહ્યું, ‘વાહ રાજન્ વાહ… કોઈ બીજો રાજા હોત તો કદાચ આ રીતે વાર્તાની અંદરનું સત્ય ન જણાવી શકેત. પણ તું તો રહ્યો બુદ્ધીશાળી અને ભૂલકણો પણ. હાહાહાહાહા… તું બોલ્યો હું જાઉં છું.’

વેતાલ ઉડી ગયો. સિદ્ધવડ પર લટકી ગયો. વિક્રમ દોડીને સિદ્ધવડ પાસે આવ્યો અને વેતાલના વાળ ખેંચી તેને મહામુસીબતે નીચે ઉતાર્યો. તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ રાજાએ તેને પોતાની પીઠ પર લાદી દીધો. વેતાલે નિરાશ ચહેરે કહ્યું, ‘એકદમ જીદ્દી રાજા છો તું તો.’

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments