Homeગામનાં ચોરેમોદી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ, 43 મંત્રીઓએ શપથ લીધા, મંત્રીમંડળમાં ગુજરાતનું કદ...

મોદી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ, 43 મંત્રીઓએ શપથ લીધા, મંત્રીમંડળમાં ગુજરાતનું કદ વધ્યું

Team Chabuk-National Desk: આખરે મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 43 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. મોદી સરકારના આ નવા મંત્રી મંડળમાં ગુજરાતના પાંચ સાંસદ સભ્યોનો સમાવેશ કરાયો છે. પશ્ચિમ બંગાળના ચાર અને ઉત્તર પ્રદેશના પાંચ સાંસદોને મંત્રી બનાવાયા છે. કૂલ 15 કેબિનેટ મત્રી અને 28 રાજ્ય મંત્રીએ શપથ લીધા છે. જેમાં 8 મહિલાઓનો સમાવેસ કરાયો છે.

  1. સૌથી પહેલા મહારાષ્ટ્રના સાંસદ નારાયણ રાણેએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ 2005માં શિવસેનામાંથી કાઢવામાં આવ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા છે.
  2. સર્વાનંદ સોનોવાલે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ આસામના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. વિદ્યાર્થી નેતા તરીકે રાજનીતિની શરૂઆત કરી. તેઓ આસામની માજુલી બેઠકથી ધારાસભ્ય છે.
  3. વિરેન્દ્ર કુમારે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. મધ્યપ્રદેશના ત્રિકમગઢના સાંસદ છે. તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ રહી ચુક્યા છે. ચાર દશકથી રાજનીતિમાં સક્રિય છે.
  4. મધ્યપ્રદેશના રાજકારણનો યુવા અને સૌથી મોટો ચહેરો જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ મનમોહનસિંહની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓએ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને ભાજપની સરકાર સ્થાપવામાં તેમનો મોટો ફાળો ગણવામાં આવે છે.
  5. રામચંદ્ર પ્રતાપ સિંહને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે. તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. રામચંદ્ર પ્રતાપ સિંહ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.
  6. અશ્વિની વૈષ્ણવ કેબિનેટ મંત્રી બન્યા છે. તેઓ 1994ની બેચના આઈએએસ અધિકારી છે. આઈઆઈટી કાનપુરથી એમટેકની ડિગ્રી લીધી છે. ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે.
  7. બિહારના પશુપતિ પારસને કેબિનેટ મંત્રી બનાવાયા છે. તાજેતરમાં એલજેપીમાં બગાવત કરી ચુક્યા છે. ભત્રીજા ચિરાગ પાસવાન સાથે વિખવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. પશુપતિ પારસ રામવિલાસ પાસવાનના નાના ભાઈ છે.
  8. કિરણ રિજિજૂએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. અરૂણાચલ પ્રદેશથી ભાજપના સાંસદ છે. રિજિજૂ નોર્થ ઈસ્ટમાં ભાજપનો મોટો ચહેરો છે. હાલના મંત્રી મંડળમાં રમત-ગમત મંત્રી છે.
  9. રાજ કુમાર સિંહે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. રાજ કુમાર સિંહ હાલમાં ઊર્જા મંત્રી (સ્વતંત્ર પ્રભાર) છે. બિહારના આરાથી ભાજપના સાંસદ છે. ભારતના પૂર્વ ગૃહ સચિવ પણ છે.
  10. હરદિપ સિંહ પુરીએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. હરદિપ સિંહ પુરી હાલમાં સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે. 1974ની બેચના આઈએફએસ અધિકારી છે. યુએનમાં ભારતના સ્થાયી સભ્ય પણ રહી ચુક્યા છે.
  11. ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. મનસુખ માંડવિયા હાલ બે મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
  12. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ભુપેન્દ્ર યાદવે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે.  તેઓ 25 સંસદીય કમિટીના સભ્ય છે. તેઓ વર્ષ 2012થી રાજ્યસભાના સાંસદ છે. રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ વકીલ હતા. ભાજપ સંગઠનમાં પણ તેમનું મોટું યોગદાન માનવામાં આવે છે.
  13. પુરુષોત્તમ રૂપાલાએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. હાલમાં તેઓ કૃષિ રાજ્યમંત્રી છે. ગુજરાતથી તેઓ રાજ્યસભાના સાંસદ છે. 3 વખત ગુજરાતમાં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે.
  14. જી. કિશન રેડ્ડીને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે. સિકંદરાબાદથી ભાજપના સાંસદ છે. તેઓ હાલમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આંધ્ર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ છે.
  15. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે. તેઓ હમીરપુરથી ભાજપના સાંસદ છે. અનુરાગ ઠાકુર બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ છે.
  16. ઉત્તર પ્રદેશના મહારાજગંજના ભાજપના સાંસદ પંકજ ચૌધરીને રાજ્ય મંત્રી બનાવાયા છે. 2019માં તેઓ છઠ્ઠી વખત સાંસદ બન્યા છે. ગોરખપુરના ડેપ્યુટી મેયર પણ રહી ચુક્યા છે.
  17. અનુપ્રિયા પટેલને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. ભાજપના સહયોગી દળ અપના દળમાંથી તેઓ સાંસદ છે. કુર્મી સમૂદાયમાંથી તેઓ આવે છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી તેઓ સાંસદ છે. મોદી સરકારની પ્રથમ ટર્મમાં પણ તેઓ મંત્રીમંડળમાં હતા.
  18. ડો. એસપી સિંહ બઘેલે પણ રાજ્ય મંત્રી પદના શપથ લીધા છે. તેઓ એક વખત રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે. યુપીના આગ્રાથી તેઓ ભાજના સાંસદ છે. ચોથી વખત લોકસભા સાંસદ બન્યા છે. ભાજપ પહેલા તેઓ સપા અને બસપામાં પણ રહી ચુક્યા છે.
  19. રાજીવ ચંદ્રશેખરને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. મોટા બિઝનેસમેન છે. તેઓએ કમ્પ્યૂટ સાયન્સમાં એમટેક કરેલું છે. કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે.
  20. ઉડ્ડપી ભાજપના સાંસદ શોભા કરંદલજેને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. તેઓ કર્ણાટકની યેદિયુરપ્પા સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે.
  21. ભાનુ પ્રતાપ વર્માએ પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા છે. ભાનુ પ્રતાપ વર્મા યુપીના જાલૌનથી ભાજપના સાંસદ છે. 1996માં પ્રથમ વખત તેઓ સાંસદ બન્યા. યુપી વિધાનસભામાં પણ સભ્ય રહી ચુક્યા છે. 2019માં પાંચમી વખત સાંસદ બન્યા છે. બુદેંલખંડ યુનિવર્સિટીમાંથી એમએ એલએલબી કર્યું છે.
  22. ગુજરાતના સુરતના સાંસદ દર્શના જરદોશે પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા છે. દર્શના જરદોશ ભાજપ મહિલા મોરચાના મહાસચિવ છે. સતત ત્રીજી વખત તેઓ લોકસભા સાંસદ બન્યા છે.
  23. દિલ્હીના મિનાક્ષી લેખીને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. તેઓ સતત બે વખત નવી દિલ્હી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટમાં વકિલાતની પ્રેક્ટિસ પણ કરેલી છે.
  24. અન્નપૂર્ણા દેવીએ પણ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. અન્નપૂર્ણા દેવી ઝારખંડ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે. બિહાર સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે. ઝારખંડ અને બિહારમાં ચાર વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. ઝારખંડના કોડારમાથી તેઓ સાંસદ છે.
  25. એ. નારાયણસ્વામીએ પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા છે. કર્ણાટકના ચિત્રદુર્ગથી તેઓ સાંસદ છે. ચાર વખત તેઓ ધારાસભ્ય રહી ચુક્યા છે. કર્ણાટક સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
  26. કૌશલ કિશોરે પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ ઉત્તર પ્રદેશમાં મંત્રી રહી ચુક્યા છે. યુપીના મોહન લાલગંજથી તેઓ સાંસદ છે. પાસી સમુદાયમાંથી તેઓ આવે છે.
  27. ઉત્તરાખંડના નૈનિતાલથી પ્રથમ વખત બનેલા સાંસદ અજય ભટ્ટને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. તેઓ વકીલ છે. ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. ત્રણ વખત ધારાસભ્ય પણ બન્યા છે.
  28. બીએલ વર્માને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. તેઓ યુપીના રાજ્યસભાના સાંસદ છે. લોધી ઓબીસી સમુદાયમાંથી તેઓ આવે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની નજીક માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ છે.
  29. અજય કુમાર પણ રાજ્ય મંત્રી બન્યા છે. યુપીના ખીરીથી પ્રથમ વખત તેઓ લોકસભા સાંસદ બન્યા છે. યુપીમાં એક વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
  30. દેવુસિંહ ચૌહાણે પણ રાજ્ય  મંત્રી તરીકેના શપથ લીધા છે. ગુજરાતના ખેડાથી લોકસભાના સાંસદ છે. સતત બીજી વખત તેઓ સાંસદ બન્યા છે. ગુજરાતમાં તેઓ બે વખત ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્જિનિયર પણ રહી ચુક્યા છે.
  31. ભગવંત ખુબાએ પણ રાજ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેઓએ મિકેનિકલ એન્જિયનિરિંગમાં બી.ટેક કરેલું છે. કર્ણાટકના બીદરથી ભાજપના સાંસદ છે. સતત બીજી વખત તેઓ બીદરથી સાંસદ બન્યા છે.
  32. કપિલ પાટિલે પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ ઠાળે જિલ્લા પંચાયતના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. બે વખત સાંસદ બન્યા છે. કોઓપરેટિવ બેંકના ચેરમેન પણ છે.  એનસીપી છોડીને ભાજપમાં આવ્યા છે. ભીવંડી મહારાષ્ટ્રથી તેઓ ભાજપના સાંસદ છે.
  33. ત્રિપુરા પશ્ચિમના સાંસદ પ્રતિમા ભૌમિકે પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ હાલમાં પણ સાંસદ હોવા છતાં ખેતી કરી રહ્યા છે. બાયો સાયન્સમાં તેઓએ ગ્રેજ્યુએટ કરેલું છે.
  34. ડો. સુભાષ સરકારે પણ રાજ્ય મંત્રી પદના શપથ લીધા છે. તેઓ પશ્ચિમ બંગાળના બાંકુરાથી સાંસદ છે. તેઓ રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા છે. તેઓ ગાયનેકોલોજિસ્ટ અને કલ્યાણી એઈમ્સ બોર્ડના સભ્ય છે.
  35. ડો. ભાગવત કરાડે પણ રાજ્ય મંત્રી પદના શપથ લીધા છે. તેઓને સંગઠનમાં માહેર માનવામાં આવે છે. તેઓ બે વખત ઔરંગાબાદના મેયર રહી ચુક્યા છે. મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ છે.
  36. ડો. રાજકુમાર રંજન સિંહે પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ ઈનર મણિપુરથી લોકસભાના સાંસદ છે. ભૂગોળના પ્રોફેસર રહી ચુક્યા છે. ભૂગોળમાં તેઓએ એમએ અને પીએચડી કરેલું છે.
  37. ભારતી પવારને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. ભારતી પવાર એસટી સમુદાયમાંથી આવે છે. તેઓ એક ડોક્ટર છે. ડિંડોરીથી ભાજપના સાંસદ છે.
  38. બિશ્વેશ્વર ટુડૂને પણ રાજ્ય મંત્રી બનાવાયા છે. તેઓ ઓડિશાના મયૂરભંજથી લોકસભાના સાંસદ છે. વોટર રિસોર્સ વિભાગમાં સિનિયર એન્જિનિયર રહી ચુક્યા છે. તેઓએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે.
  39. મતુઆ સમુદાયનો મોટો ચહેરો મનાતા શાંતનુ ઠાકુરે રાજ્ય મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. પશ્ચિમ બંગાળના બનગામથી તેઓ ભાજપના સાંસદ છે. તેમની મતુઆ સમુદાય પર સારી પકડ છે.
  40. ગુજરાતના સુરેન્દ્રનગરના સાંસદ અને વ્યવસાયની રીતે ડોક્ટર એવા ડો. મહેન્દ્ર મુંજપરાને મોદી સરકારમાં રાજ્ય મંત્રી બનાવાયા છે. તેઓ પ્રથમ વખત 2019માં લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેઓ સ્વાસ્થ્ય મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે.
  41. જોન બારલાએ પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા હતા. તેઓ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના સાંસદ છે. તેઓ ચાના બગીચાના શ્રમિકો માટે ઘણું કામ કર્યું છે.
  42. ડો. એન.મુરુગને પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓએ વકિલાતમાં પીએચડી કરેલું છે. મદ્રાસ હાઈકોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના વાઇસ ચેરમેન રહી ચુક્યા છે.
  43. પશ્ચિમ બંગાળના નિસિથ પ્રમાણિકે પણ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા હતા. તેઓ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્સ શિક્ષક રહી ચુક્યા છે. તેઓ પશ્ચિમ બંગાળની કૂચ બિહાર બેઠક પરથી સાંસદ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments