Homeસાહિત્યબોલના હી હૈ : અંધારાનો નિર્ણય સત્તા કરે છે, સૂરજ નહીં

બોલના હી હૈ : અંધારાનો નિર્ણય સત્તા કરે છે, સૂરજ નહીં

રવીશ કુમારે પોતાના પુસ્તક બોલાના હી હૈમાં ભય વિશે ખૂબ લખ્યું છે. એ ટીવી ન જોવાની સલાહ આપે છે. જે સાચી છે. આજે મોબાઈલમાં પણ ટીવી આવે છે, મોબાઈલ પછી વિજ્ઞાન પ્રગતિ કરશે, જે કરવાનું જ છે અને નવી કોઈ ટેક્નોલોજી આવશે તો ટીવી ત્યાં પણ ગોઠણીયાવાળી બેસી જશે. તમે જે જુઓ તે માનો છો અને સ્વીકારો છો. કદાચ અસત્યનું આયુષ્ય 100 વર્ષનું હોય છે કે તેનાથી પણ વધારે !

ગેલેલિયોએ જ્યારે કહ્યું કે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો તેના પર ધર્મધુરંધરો તૂટી પડેલા, કારણ કે ગેલેલિયોના વાક્યમાં જો સત્યતા હોય તો, બાઈબલમાં લખેલું છે કે It Should Never Be Moved. તે વાક્ય ખોટું ઠરી જાય. કોઈ વ્યક્તિની એક વાત ખોટી ઠરે એટલે તેણે કહેલા તમામ ક્વોટેશનો સાચા હોવા છતાં તેમાં શંકા ઉપજે છે. ધર્મધુરંધરોની મંડળીને ભય લાગે છે. કોઈ પણ ટીવી તમને એમ નહીં કહે કે કોરોનાનો પ્રકોપ ઘટી ગયો છે, કોઈ તમને એમ નહીં કે વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. માધ્યમો દ્રારા પ્રસારિત કરવામાં આવતી ખબર D-DAY ફિલ્મના સંવાદ જેવી છે, ‘ડરા કે દુકાન ખડી કિ હૈ, અબ અગર ડર ગયા તો દુકાન બંધ હો જાએગી…’

રજનીશે પોતાના એક વક્તવ્યમાં જૈન ધર્મ વિશે કહેલું, ‘‘મહાવીર એવું કહેતા હતાં કે, ચંદ્ર પર દેવી-દેવતાઓનો નિવાસ છે. આ વાત વર્ષો સુધી ચાલતી રહી. નીલ આર્મસ્ટ્રોંગે ત્યાં પગ મુક્યો અને પછી કહ્યું કે ત્યાં ધૂળ સિવાય કંઈ નથી.’’ ફરી બાઈબલ જેવી વાત થઈ. કોઈનું કહેલું એક વિધાન ખોટું એટલે તેણે કહેલી તમામ વાતો પણ શંકાના દાયરામાં આવી જાય છે. ભય પેદા થાય છે. એ પેદા થયેલા ભયનું સમાધાન લાવવા માટે જૈન ધર્મ સાથે સંકળાયેલા લોકોએ એવું નિવેદન આપેલું કે, ‘‘આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર નહીં કોઈ બીજી ધરતી પર ઉતરી ગયો હતો.’’

મને એક સુફી કથા યાદ આવે છે. એક હરણ નાસભાગ કરતું હતું. રસ્તામાં તેને એક ઉંદરનું દર દેખાયું. હરણે થોડી ક્ષણો માટે વિરામ લેતા ઉંદરને ભયથી થરથરતા અવાજે કહ્યું, ‘ભાગ વાઘ આવે છે.’ ઉંદરે જવાબ આપ્યો, ‘બિલાડો આવતો હોય તો કહેવાનું, બાકી આવા ખોટા સમાચાર મને નહીં આપવાના.’ સમસ્યાના કદ પ્રમાણે ભયનું ગણિત માંડવામાં આવે છે. નહીં ?

બોલના હી હૈ પુસ્તકમાં રવીશ કુમારે પોતાના વતનના એક વડલાને સ્થાન આપ્યું છે. રવીશ કુમાર કહે છે, ‘‘હું મારા બાળપણના એ રવીશ કુમાર પાસે ચાલ્યો જાઉં છું. જે વડલાના ઝાડની નીચેથી પસાર થતા હનુમાન ચાલીસા બોલતો હતો. કોઈ પાસેથી સાંભળ્યું હતું કે, વડલાના વૃક્ષ પર ભૂત હોય છે. પાછળથી પકડી લે છે. રસ્તામાં કોઈ ન હોય તો હું ચંપલ હાથમાં પકડી ભાગવા માંડતો હતો.’’

રવીશે કહ્યું છે, ‘‘મારા પિતા કહેતાં કે વર્ષમાં થોડુ થોડુ વાંચો તો પરીક્ષાના દિવસોમાં ભણવાની જરૂર નથી પડતી.’’ આ રવીશના પિતા નહીં દરેક બાળકના પિતા કહેતાં હોય છે. અનુભવથી કહેતા હોય છે. અનુભવ દુનિયાની એવી વસ્તુ છે જે ખૂદને થાય ત્યારે જ ખ્યાલ આવે. આવા ચાર-પાંચ અનુભવ થાય ત્યાં તો માણસ ખલ્લાસ થઈ ગયો હોય છે. કોઈ સાચું કહી ગયું છે, ખૂદ અનુભવ કરશો તો આખી ઝિંદગી નીકળી જશે એટલે બીજાએ કરેલી ભૂલોમાંથી શીખી આગળ નીકળો. જે વાત ગળે ઉતારતા પણ માણસનું અડધુ આયુષ્ય સમાપ્ત થઈ જાય છે.

રવીશે મીડિયા સાથે સંકળાયેલી ઘણી બધી વાતોને ઉજાગર કરી છે. શા માટે મીડિયા એક જજની મોત પર ચૂપ રહે છે. રવીશ કુમાર 2017માં એ જજની મોત પર પ્રાઈમ ટાઈમ કરે છે અને મોબાઈલ ફોન ધણધણી ઉઠે છે. રિંગ અને મેસેજ ચૂપ થવાનું નામ નથી લેતા. રવીશ કહે છે, ‘‘કદાચ હું ઘરે પણ ન પહોચી શકું એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી.’’

ડર કા રોજગાર નામના આર્ટિકલમાં રવીશ કુમારે લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનની ખૂબ આલોચના કરી છે. સ્પીકરે મીડિયા અંગે કહ્યું છે, ‘‘નારદની માફક બની જાઓ. અપ્રિય સત્ય ન બોલો. સરકાર સામે બોલો તો પ્રેમથી બોલો’’

રવીશે આ અંગેનો જવાબ પણ આપ્યો છે. રવીશ શું કહે છે ? ‘‘હું અધ્યક્ષ મહોદયાને કહેવા માગીશ કે, જો તમે અમને નારદ બનાવવા માગો છો, તો અમને ઈન્દ્રના દરબારમાં દેખાતા દેવતાઓના મોઢા પણ બતાવો. કોણ છે આમાંથી જે દેવતા બનવાની યોગ્યતા રાખે છે. જેના માટે અમે નારદ બની જઈએ અને અપ્રિય સત્ય ન બોલીએ ? અને તેમાં પણ તમે કઈ રીતે નક્કી કરશો કે શું પ્રિય સત્ય છે અને શું અપ્રિય સત્ય !’’

ભાજપ સમર્થકો કદાચ આજે પણ એવું સમજે છે કે પ્રધાનમંત્રી ભાજપના છે. નહીં. પ્રધાનમંત્રી દેશના હોય છે. એ પદ છે. પ્રધાનમંત્રી સીડીઓ પર ચડતા ચડતા પડી જાય તો આપણે એ વીડિયો શેર કરતા અચકાઈએ છીએ, કારણ કે એ પદની ગરીમા જળવાવી જોઈએ. ભાજપ સમર્થકોને એ પણ લાગે છે કે રવીશ કુમાર માત્ર અને માત્ર પ્રધાનમંત્રીની નિંદા કરે છે. રવીશ કુમાર પોતાના એક વક્તવ્યમાં કહી ચૂક્યા છે, સરકાર પાસે પોતાના વખાણ કરાવવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય છે. તો પછી અમારે તેમના વખાણ શું કામે કરવા જોઈએ ?

આ પુસ્તકમાં રવીશે પ્રધાનમંત્રીની ઈઝરાયલ યાત્રાના પણ વખાણ કર્યા છે, ‘‘આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ. તેઓ પોતાની ઈઝરાયલ યાત્રાના પ્રથમ જ દિવસે 4 જુલાઈ 2017નાં રોજ ‘યાદ વાશેમ હેલોકોસ્ટ મેમોરિયલ ગયા.’ તેમણે ત્યાં ન માત્ર મૃત્યુ પામેલા યહુદીઓ પ્રત્યે શ્રદ્ધા-સુમન અર્પણ કર્યું, પણ તેમને મારનારા હત્યારા હિટલરને પણ ખારિજ કર્યો. રાષ્ટ્રપ્રમુખોની આવી યાત્રાઓ માત્ર તેમના માટે નથી હોતી, આપણા શીખવા માટે પણ હોય છે. જો આપણે કંઈક શીખશું તો આ દુનિયા પ્રેમના રંગમાં રંગાયેલી એક નજર આવશે. જો કાલ તેઓ ત્યાં ન ગયા હોત તો આજે આટલું યાદ કરવાની તક ન મળેત.’’

આ પુસ્તકની પ્રસ્તાવનાની વાત પહેલા કરવી જોઈએ. દરેક ગુજરાતી પુસ્તક અંગે વાત કરતાં પહેલાં હું પ્રસ્તાવનાની વાત અચૂક કરૂં છું. લેખક તેમાં જ બરાબર ઝળકે છે. બોલના હી હૈની પ્રસ્તાવના જ્યારે કુમાર લખતા હતા ત્યારે તેમના વોટ્સએપ પર એક મેસજ આવ્યો, ‘‘આજે તારી લિન્ચિંગ કરવામાં આવશે.’’ રવીશે લખ્યું છે, ‘‘શ્રીમાને લિન્ચિંગ અંગ્રેજીમાં લખ્યું અને તેનો સ્પેલિંગ ખોટો છે. Lynchingની જગ્યાએ Leanching.’’

રવીશના મતે પત્રકારત્વ હવે મુશ્કેલ થઈ ગયું છે. ‘‘પહેલાં પત્રકારો કહેતા હતા કે 9થી 5ની નોકરી નહોતી કરવી એટલે આ ફિલ્ડમાં આવ્યા, હવે આ માત્ર નોકરી બનીને રહી ગઈ છે. ન્યૂઝ રૂમમાંથી સાહસના પોષક તત્વો ઓછા થઈ રહ્યાં છે. વિટામીન D માત્ર શરીરમાં જ નહીં, વિચારમાં પણ ઓછું થઈ ગયું છે.’’

રવીશના પુસ્તકમાં રહેલા એક કિસ્સાથી વાતની પૂર્ણાહુતિ કરીએ. દિલ્હીમાં તેઓ કેજરીવાલના રોડ શોનું કવરેજ કરી રહ્યા હતા. આસપાસ ઘણા પત્રકારો હતા અને ભીડ પણ ખૂબ હતી. રવીશ કેજરીવાલની નજીક હતા. એવામાં એક ફોટોગ્રાફરે કહ્યું, કેજરીવાલને બોલાવી આ બાજુ ફેસ કરાવો. રવીશને એમ કે ફોટો પાડવો હશે. રવીશે કેજરીવાલને ફોટોગ્રાફર તરફ ફરવાનું કહ્યું. માત્ર કેજરીવાલની નહીં પણ રવીશની પણ એ પત્રકારે ફોટો ખેંચી અને પછી બીજા દિવસે સોશિયલ મીડિયા પર ખેંચાઈ શરૂ થઈ, ‘‘રવીશ કેજરીવાલનો એજન્ટ છે.’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments