Team Chabuk-Political Desk: પંજાબ કોંગ્રેસમાં વિવાદ વકરી રહ્યો છે. પાર્ટી હજુ પણ વેન્ટીલેટર પરથી ઉભી નથી થઈ. મંગળવારે નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદને સાયોનારા કરી દીધું હતું. આ સાથે જ તેમણે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. રાજકીય નિષ્ણાતો અને પંજાબનું રાજકારણ હજુ પણ વિચારમાં પડ્યું છે કે પાર્ટીએ સિદ્ધુની થાળીમાં ભાવતી તમામ વાનગીઓ રાખી હોવા છતાં તેમને શું વાંકુ પડી ગયું?

થોડા સમય પહેલા સિદ્ધુએ શક્તિમાન બની પાર્ટીમાં બળવાની હવા ફૂંકી દીધી હતી અને અમરિન્દરસિંહની ખુરસી પણ આંચકી લીધી હતી. કદ અને સિન્યોરિટીના હિસાબથી જે નેતાઓ મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા તેની જગ્યાએ પોતાના માનીતા ચરણજીત સિંહને બેસાડી કઠપૂતળીનો ખેલ પણ સિદ્ધુએ રમ્યો હતો. જોકે આમાં પણ અંદરખાને સિદ્ધુનું દર્દ છલકાતું દેખાતું હતું. મુખ્યમંત્રી પદની ખુરશી પર તેઓ ચરણજીતસિંહ ચન્નીને નહીં પણ ખૂદને જોવા માગતા હતા. અમરિન્દરને હટાવવા પાછળનું પણ આ જ કારણ માનવામાં આવી રહ્યું છે.

ચરણજીતની શપથવિધિ અને મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ સિદ્ધુ કોપભવનમાં રાજીનામું આપી ચાલ્યા ગયા છે. 72 દિવસના અલ્પજીવી કાર્યકાળનો અંત આવ્યો છે. રાજકીય નિષ્ણાતો હવે એક જ એકડો વારંવાર ઘૂંટી રહ્યા છે કે, ચન્ની સરકારના ગઠન થયા બાદ સિદ્ધુ નારાજ ચાલી રહ્યા હતા. હાલ તો સૂત્રો તરફથી તેમની નારાજગીના ચાર કારણો સામે આવી રહ્યા છે.

રાજીનામાનું પ્રથમ કારણ એ છે કે ઈકબાલ પ્રીત સહોતાની ડીજીપી પદ પર નિયુક્તિ કરવામાં આવી. સૂત્રો કહી રહ્યા છે કે સિદ્ધુ આ જગ્યાએ સિદ્ધાર્થ ચટોપાધ્યાયને બેસાડવા માગતા હતા. રાજીનામાનું બીજું કારણ એવું માનવામાં આવે છે કે નવજોતસિંહ સિદ્ધુ અને રાણા ગુરજીતની વચ્ચે જૂની અંટસ ચાલી રહી છે. સૂત્રો અનુસાર સિદ્ધુ રાણા ગુરજીતને મંત્રી પદ દેવાની વિરૂદ્ધ હતા. પરગટ સિંહ, સિદ્ધુના સૌથી નજીકના વ્યક્તિમાંથી એક છે. કેપ્ટનની વિરૂદ્ધ સૌથી પહેલા પરગટે લાલ આંખ કરી હતી અને સિદ્ધુની સાથે ખભેખભો મિલાવી ઊભા રહ્યા હતા. સિદ્ધુની એવી ઈચ્છા હતી કે પરગટને ગૃહમંત્રાલય મળે પણ એવું થયું નહીં. તેમની જગ્યાએ ચરણજીત સિંહ ચન્ની પહેલા મુખ્યમંત્રી પદના દાવેદાર એવા સુખજિંધર રંધાવાને ગૃહ મંત્રાલય સોંપી દેવામાં આવ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત