GLF દ્વારા ફેસબુકમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. લખવામાં આવ્યું હતું કે, તમારી દ્રષ્ટીએ કઈ ગુજરાતી નવલકથા અન્ય ભાષામાં પ્રકાશિત થવી જોઈએ. ધ્રૂવ ભટ્ટનું નામ મોખરે રહ્યું. મોટાભાગના લોકોની કોમેન્ટમાં ધ્રૂવ ભટ્ટ હતા. અશ્વિની ભટ્ટ પણ હતા. કોઈએ દર્શકની સોક્રેટીસ અને ઝેર તો પીધા છે જાણી જાણીનું નામ ન લીધું. કોઈ સુરેશ જોષીનું નામ નથી લેતું. કોઈ રઘુવીર ચૌધરીની અમૃતા કે જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની અમે બધાં, દીગીશ મહેતાની આપણો ઘડીક સંગ, હરેશ ધોળકિયાની અંગદનો પગ વિશે કોમેન્ટમાં પણ નથી લખતું.
તેનો અર્થ તો એ થયો કે ગુજરાતી ભાષાના નવા લેખકો બસ લખે છે કોઈને વાંચતા નથી. એમના મનમાં કોઈએ ઠસાવી દીધું છે કે સારું સાહિત્ય તો પશ્ચિમમાં રચાય છે. એ લોકો લખે તેની સામે તો ગુજરાતી લેખકો પાણી ભરે. તેઓ એ વાત ક્યારે સમજશે કે સરસ્વતી તમામ પ્રદેશને તેનો પોતાનો સાહિત્યકાર આપતી જ હોય છે. જેના પર તે હરખ કરી શકે.
અશ્વિની ભટ્ટ આપણા સૌના પ્રિય લેખક છે. તેમનું કાર્ય તો ન ભૂતો ન ભવિષ્યતી. પણ અશ્વિની ભટ્ટની લોકપ્રિયતા અને લેખનીથી અંજાઈ જઈએ અને એમની જ કૃતિની આખો દિવસ વાહવાહી કર્યા કરીએ એ ન પાલવે. મેઘાણીને આપણે સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટીયા માટે જ નહીં નવલકથાઓ માટે પણ યાદ કરવા રહ્યા. મેઘાણીની વેવિશાળ વિશે બે શબ્દો લખવા તમારે કોઈ મેગેઝિનમાં આર્ટિકલ પબ્લિશ કરવાની રાહ નથી જોવાની. તમારી પાસે આર્ટિકલ પબ્લિશ કરવાનું સાધન હાથવગું છે.
ગઈકાલે સાહિત્ય અકાદમી દ્વારા રશિયા અને ચીનની ભાષામાં અનુવાદિત થનારા ભારતીય ભાષાના દસ પુસ્તકોની જાણ કરવામાં આવી. હૈયુ હરખાઈ ગયું કે એમાં આપણા મેઘાણીની વેવિશાળ નવલકથા છે. આજે પણ કેટલાક એવા લોકોને આપણે સાંભળીએ છીએ, જે મેઘાણીને એમ કહીને નથી વાંચતા કે એ તો સૌરાષ્ટ્રની બોલીમાં લખે અમને ન સમજાય. પ્રશ્ન થાય કે ફૂલછાબમાં હપ્તાવર પ્રગટ થયેલી મેઘાણીની એ વેવિશાળ એમણે વાંચી હશે ? હવે તેઓ વાંચશે જ્યારે તે રશિયા અને ચીનમાં પગપેસારો કરી રહી છે.
એક કથાબીજ કેવી રીતે સ્ફૂરે, તેમાંથી વાર્તા લખાય અને બસ વાર્તા અને વાર્તા જ આપણી સામે રહે. જે કૃતિ વાંચતી વખતે તમારા મગજમાંથી એ વાત નીકળી જાય કે ભવિષ્યમાં હું સારા સાહિત્યનું સર્જન કરવાના લક્ષ્યથી આ પુસ્તક વાંચી રહ્યો છું, તો માની લો ત્યાં લખનારો સફળ થઈ ગયો. ખાલી વાંચી શકતા ડોસાથી લઈને આઈઆઈટીના ગુજરાતી એન્જિનિયરને પણ મગજમાં ઉતરી જાય તેવી ભાષાનો મેઘાણીએ આ કથામાં ઉપયોગ કર્યો છે.
પુસ્તકની અંદર વાર્તાલેખનનાં રહસ્યની છણાવટના મુદ્દે ઉમેદભાઈ મણિયાર મેઘાણીના શબ્દો ટાંકતા કહે છે કે, ‘‘લેખક કહે છે કે, વાર્તાકારની પહેલી ફરજ – અને છેલ્લી પણ – એક જ છે: વાર્તા કહેવી, વાર્તા સારી કહેવી, ને વાર્તા જ કહેવી. મેં પણ અહીં વાર્તા – બસ વાર્તા જ કહેવાનો દાવો રાખેલ છે.’’
બસ વેવિશાળમાં એ વાર્તાનું તત્વ છે. જે લોકો કહે છે સારી કથાઓ લખાતી નથી તેમણે વેવિશાળ વાંચવી જોઈએ. આ ગુજરાતીઓ માટે ગર્વ કરવા જેવી બાબત છે, પણ ચાબુક શું જુએ છે. કોઈ ફેસબુકમાં વાત નથી કરતું. સ્ટેટસમાં ફોટો નથી રાખતું. ઈન્સ્ટાગ્રામ પર શેર નથી થઈ રહ્યું. બે લોકો વચ્ચે વાતો નથી થઈ રહી. માતૃભાષા દિવસ પર શું આ લોકોને માતૃભાષાની ચિંતા કરવાનો અધિકાર છે ? જેઓ આવા શુભ અવસર પર મેઘાણીની વેવિશાળની ચર્ચા નથી કરી રહ્યા.
આ પુસ્તક વિશે સાહિત્ય અકાદમી એ કેવી પ્રેસ રિલીઝ કરી છે એ વાંચો : Completion of Chinese and Russian Translations of 10 Great Creations of Indian Literature.
આ નવલકથાની પ્રથમ આવૃત્તિ વખતે મેઘાણી કહે છે, ‘‘દસ મહિના પૂર્વે એક મંગળવારે ફૂલછાબના અંકોમાં પૂરવાને માટે આ વાર્તા લખવાનો આરંભ કર્યો. તે વખતે લેખક પાસે આખી વાર્તાનું હાડપિંજર બિલકુલ તૈયાર નહોતું. વાર્તાનું સર્જન બે રીતે કામ કરે છે: અમુક લેખકો વાર્તાનું આખું જ માળખું પહેલેથી ઘડીને પછી તેમાં લેખનનાં રુધિર-માંસ પૂરવા બેસે છે; ત્યારે હું અને મારા જેવા અનેક ફક્ત એક પ્રબળ પરિસ્થિતિથી જ આંધળો પ્રારંભ કરીએ છીએ અને તે પછી પાત્રો તેમ જ પ્લોટ, જાણે કે પોતાની જાતે, ઘડાતાં ચાલે છે. આવી આંધળી લેખનપદ્ધતિ ખરું જોતા તો અકસ્માતને આધીન નથી હોતી. એમાં પણ ઘણા કાળના સંઘરાયેલા અનુભવો તેમ જ ચિંતનોનાં જ રંગો-રેખાઓ પુરાતાં આવે છે; તૈયાર પૂણીઓ જ કંતાય છે.’’
ધીરેન્દ્ર મહેતા જેવા નવલકથાકાર અને સબળ વિવેચક દ્વારા તેનું બે બે વખત અવલોકન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ વેવિશાળની અંદર રહેલી ક્ષતિઓ અને તેની પ્રશસ્તિઓ બંનેની વાત કરે છે. તેમને ક્યાંક ઘટનાનો અભાવ પણ જણાય છે. તેઓ તેને ઘટનાની જગ્યાએ પરિસ્થિતિ પણ કહે છે.
મેઘાણીની આ નવલકથા વાંચ્યા પછી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશીએ કહેલું કે, ‘વેવિશાળ એ મેઘાણીની મૌલિક સર્જકતાનો જ્વલંત પૂરાવો છે.’
વિવેચકોએ આ નવલકથાને એક જ રીતે તપાસી છે અને લગભગ વિવેચકોનો એક જ મત પ્રવર્તી રહ્યો છે કે, આની કથા માસ્ટર છે. વાર્તાકથની અદભુત છે.
નંદશંકરથી ઉમાશંકર ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય પુસ્તકમાં ધીરેન્દ્ર મહેતા નિરંજનથી પારકા જણ્યા પ્રકરણના 252માં પાનાં નંબર પર વેવિશાળની થોડી વાત કરે છે. ‘‘વેવિશાળ એ માત્ર વર-કન્યા વચ્ચેનો સંબંધ નથી, બે કુળ વચ્ચે પવિત્ર બંધન છે-એક ધર્મ છે, મૂલ્યસ્વરૂપ છે, એવો જે પ્રત્યય સુશીલા અને ભાભુના ચરિત્રનિમિત્તે નિરૂપાયેલો છે તે સુખલાલ, તેના પિતા દીપચંદ અને ખુશાલચંદ સાથેના સુશીલા અને ભાભુના વ્યવહાર-વલણમાં પ્રત્યક્ષ થાય છે.’’
કોઈ પણ નવલકથાના પાયામાં માનવ-માનવના સંબંધો હોય છે. માનવ વિના નવલકથા તો કેવી રીતે સંભવી શકે ? જો માનવના સંબંધોને, તેની ગડમથલને, તેની સમસ્યાને સપાટી પર લાવવામાં આવે તો નક્કી છે કે નવલકથા તેના સમય કરતા આગળ નીકળી જાય.
સુરેશ જોષીએ નવલકથા વિશે વાત કરતા કહેલું કે, ‘‘કોઈ પણ નિશાળીયાની પોથીમાંથી નવલકથાના ઘટક અંશોની યાદી તમને મળી રહેશે. નવલકથાને માનવવ્યવહાર સાથે સમ્બન્ધ છે. બીજી જટાજંજાળમાં પડ્યા વગર આપણે કહી શકીએ કે નવલકથાનો વિષય છે માનવ. આ માનવ અન્ય માનવના સંપર્કમાં આવે છે. કાર્ય કરે છે. એમાંથી સંઘર્ષ ઉદભવે છે. સંઘાન-પ્રતિઘાત શરૂ થાય છે. આમ, પાત્ર, પાત્રનું કાર્ય, એ બંને વચ્ચેનો સમ્બન્ધ, એ પાત્રો જેમાં જીવે તે વાતાવરણ, એ પાત્રોના કાર્યોમાંથી ઊભાં થતાં મૂલ્યો – જીવનદર્શન – આવી સંજ્ઞાઓ નવલકથાની ચર્ચામાં વપરાતી આવી છે.’’
હવે જેમણે વેવિશાળ નવલકથા વાંચી છે તેમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં સુરેશ જોષીએ કરેલી વાત વેવિશાળના સંદર્ભે બિલકુલ લાગુ પડે છે. એમાં માનવ-માનવ વચ્ચેના મૂલ્યોની વાત છે. સંઘર્ષ છે. પાત્રો પાત્રો વચ્ચે સર્જાતી મથામણ છે.
ખરાં સમયે મેઘાણી ચીન અને રશિયામાં જઈ રહ્યા છે. કદાચ એમના સાહિત્યકારો આ લેખકના પ્રેમમાં પડી જશે. રશિયાના સાહિત્યકારો તેને રાજ કપૂરની જેમ પ્રેમ કરી બેસે તો પણ નવાઈ નથી. આ આર્ટિકલ વાંચી રહ્યા છો એમને વેવિશાળ વાંચવાની બાકી તો નથી ને ? અન્ય કયા નવલકથાકારો છે તેની સૂચિ ચાબુકે નીચે આપી જ છે.
| Book | Writers | Language |
| Surujmukhir Swapana | Syed Abdul Malik | Assamese |
| Arogyaniketan | Tarashankar Bandopadhyay | Bengali |
| Vevishaal | Javerchand Meghani | Gujarati |
| Kavve Aur Kala Pani | Nirmal Verma | Hindi |
| Parva | S.L.Bhyrappa | Kannada |
| Manoj Dasanka Katha o kahini | manoj das | Odia |
| Marhi Da Diva | Guridal Singh | Punjab |
| Sila Nerangalil Sila Manithargal | Jayakanthan | Tamil |
| Illu | Rachakonda Viswanatha Sastri | Telugu |
| Ek Chadar Maili Si | Rajinder Singh Bedi | Urdu |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત