Team Chabuk-International Desk: વિશ્વભરના વૈજ્ઞાનિકો એક સવાલને લઈ કશ્મકશમાં આજ દિવસ સુધી રહ્યા છે કે કોરોના વાઈરસની ઉત્પતિનું કેન્દ્રબિંદુ શું? શું એ વુહાનની લેબમાંથી બનાવવામાં આવેલો માનવનિર્મિત વાઈરસ છે કે પછી કુદરતી આપદા બની કાળા માથાના માનવીની ઉપર તૂટી પડેલો છે. આ બધા સવાલોના જવાબ અને એન્ગલોની વચ્ચે એક સનસનાટીભર્યો અહેવાલ સામે આવ્યો છે.
અહેવાલ છે કે કોરોના પ્રાકૃતિકરૂપથી નિર્માણ પામેલો નથી. કુદરતને તેની સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. આ તો માનવજાતની જ દેન છે. તેને વુહાનની લેબમાં વિકસિત કરવામાં આવ્યો છે. જોકે ચીન તો વિશ્વ વચ્ચે પહેલાથી જ સવાલોના ઘેરામાં છે કે વાઈરસ તેની લેબમાં નિર્માણ પામેલો છે.
આ નવા અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીનનું છુપાવેલું સત્ય હવે વિશ્વ સમક્ષ ઉજાગર થઈ શકે છે. ડેઈલી મેઈલના અહેવાલના અનુસાર, અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીની વૈજ્ઞાનિકોએ વુહાનની લેબમાં કોવિડ-19 જેવો ખતરનાક વાઈરસ તૈયાર કર્યો હતો. એ પછી આ જીવલેણ વાઈરસને રિવર્સ- એન્જિનિયરિંગ વર્ઝનથી ઢાંકપીછોડો કરવાની કોશિશ કરી છે. જેનાથી વિશ્વભરને લાગે કે કોરોના વાઈરસ ચામાચીડિયામાંથી ફેલાયેલો છે.
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, એચઆઈવી વેક્સિન પર સફળ રીતે કામ કરી ચૂકેલા બ્રિટિશ પ્રોફેસર એન્ગ્સ ડલ્ગિલિશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડૉ બિર્ગર સોરોનસેને સાથે મળીને આ અભ્યાસ કર્યો છે. જ્યારે આ બંને વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવા માટે કોરોનાના નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એમને વાઈરસમાં એક યુનિક ફિંગરપ્રિન્ટ દેખાયો હતો. એ સમયે એમણે કહ્યું હતું કે, લેબોરેટરીમાં છેડછાડ કર્યા વિના આ ન થઈ શકે. તેમણે એ પણ કહ્યું કે, જ્યારે તેમણે તેમના અભ્યાસને કેટલાક વૈજ્ઞાનિક સામાયિકોમાં પ્રકાશિત કરવા ઈચ્છ્યું તો તેમને ના પાડી દેવામાં આવી, કારણ કે એ સમયે લાગી રહ્યું હતું કે કોરોના વાઈરસ ચામાચીડિયામાંથી મનુષ્યમાં આવ્યો છે.
એટલું જ નહીં યુનિક ફિંગરપ્રિન્ટની વાત સામે આવ્યા બાદ તેને ફેક ન્યૂઝ બતાવીને સમગ્ર માહિતીને ધ્વંસ કરી દેવામાં આવી હતી. જોકે વાઈરસની વર્ષી થતાં ફરી એ વાત સામે આવવા લાગી કે કોરોના વાઈરસનું આખરે ઉત્પતિ સ્થાન કયુ છે? શું તેને લેબમાં બનાવવામાં આવ્યો છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા ગુપ્ત એજન્સીઓ મારફતે 90 દિવસની અંદર અંદર રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી ચંચૂપાતિયાં ચીન માટે ફરી મુસીબત ઊભી થઈ છે.
બ્રિટિશ પ્રોફેસર એન્ગસ ડલ્ગલિશ લંડનમાં સેન્ટ જ્યોર્જ યૂનિવર્સિટીમાં કેન્સર વિજ્ઞાનના પ્રોફેસર છે. તો નોર્વેના વૈજ્ઞાનિક ડૉ. સોરેનસેન એક મહામારી વિશેષજ્ઞ છે અને ઈમ્યૂનર કંપનીના અધ્યક્ષ છે. જે કોરોનાની વેક્સિન તૈયાર કરી રહ્યા છે. જેનું નામ છે બાયોવૈક-19.
આ અભ્યાસમાં ચીન પર સનસનાટીભર્યો અને હેરાન કરનારો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનની વુહાન લેબમાં જાણીજોઈને પ્રયોગ સાથે સંલગ્ન ડેટાનો નાશ કરવામાં આવ્યો હતો, ડેટાને છુપાવવામાં આવ્યો અને તેની સાથે છેડછાડ કરવામાં આવી.
આમાં એમ કહેવામાં આવ્યું છે કે, જે વૈજ્ઞાનિકોએ આ અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો. તેને કમ્યુનિસ્ટ દેશ ચીને કાં તો મૌન કરી દીધા કાં તો ગાયબ કરી દીધા. જણાવવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલો આ અભ્યાસ ટૂંક સમયમાં એક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારના રોજ પોતાની ગુપ્ત એજન્સીઓને કોવિડ-19 મહામારીનું જન્મ સ્થળ શોધવા માટે પોતાનો બે ગણો પ્રયત્ન કરવાનું કહ્યું છે. બાઈડેને એજન્સીઓને કહ્યું છે કે, 90 દિવસની અંદર અંદર વાઈરસના જન્મસ્થાનની શોધખોળ કરી માહિતી આપવામાં આવે. આ અંગે તેમણે કહ્યું કે, આ એ નિષ્કર્ષ પર આપણને લઈ જશે કે શું વાઈરસ કોઈ જાનવરમાંથી માણસમાં આવ્યો છે કે પછી તેને કોઈ લેબમાં બનાવવામાં આવ્યો છે. બાઈડેને વધુમાં અમેરિકાની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાં કામ કરતા કર્મચારીઓને તપાસકર્તાઓની મદદ કરવા માટે આહ્વહન કર્યું છે. સાથે જ ચીનને આંતરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવાનું પણ કહ્યું છે.
અમેરિકા અને બ્રિટન કોરોના વાઈરસનું ઉત્પતિ અંગે જાણવા હઠ લગાવીને બેઠા છે. જેથી તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર દબાણ લાદી રહ્યા છે. બંને દેશોનું સ્પષ્ટ પણે માનવું છે કે WHOની ટીમે ચીનમાં જવું જોઈએ અને આરંભથી તપાસની પુન: કાર્યવાહી કરવી જોઈએ.
જોકે WHO અને ચીનના વિશેષજ્ઞોએ માર્ચ મહિનામાં જ એક રિપોર્ટ પ્રકાશિત કરી હતી અને મહામારી ઉત્પન્ન થવાની ચાર સંભાવનાઓ અંગેની જાણકારી આપી હતી. આ ટીમનું સંયુક્ત રીતે માનવું છે કે વાઈરસ ચામાચીડિયામાંથી ફેલાયો હતો. WHOની ટીમે કહ્યું હતું કે, તેની સંભાવના નથી કે વાઈરસ લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો હોય. જોકે હવે નવા સંશોધનમાં અને તપાસ એજન્સીઓની રિપોર્ટમાં શું સત્ય સામે આવે છે તેના પર જગતભરનો ડોળો મંડાયેલો છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા