Team Chabuk-Political Desk: મીડિયા સમાચાર પ્રસારિત કરવા સિવાયનું પણ એક કાર્ય કરે છે. એ કાર્યનું નામ છે વાતાવરણ ઊભું કરવું. રાષ્ટ્રીય મીડિયાના ઉહાપોહથી સભર કાર્યક્રમો જોનારાઓને આ વાત સમજતા વાર નહીં લાગે. 2017માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પધારેલા અને સ્વર્ગસ્થ એવા પત્રકાર અને વિચારક પદ્મ શ્રી નગીનદાસ સંઘવીને કોઈએ પૂછ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદીનું મૂલ્યાંકન કરો.’ તેનો નગીનબાપાએ પોતાની આગવી શૈલીમાં ખૂબ સરસ પ્રત્યુતર વાળેલો, ‘અરે બાપા, જીવતા માણસનું મૂલ્યાંકન ન થાય.’ રાજકારણીઓ જીવતા હોય ત્યારે તો કોઈ વખાણ નથી કરતું પણ મૃત્યુ પામે ત્યારે પણ ખૂબ જૂજ એવા રાજકારણીઓ હોય છે જે સ્મરણમાં રહી જાય. કોઈ જીવિત રાજકારણી વિષે સારું લખવામાં આવે ત્યારે ટ્રોલર ટોળકી ખબર લઈ નાખે છે.
મીડિયાનું નીતિનભાઈની પાછળ જ પડી જવું અને તેમને જ સવાલો પૂછવાનું એક કારણ એ પણ છે કે તેઓ જવાબ આપવામાં કુશળ છે. એમને ગમે ત્યારે કોઈ પણ વિષય પર પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ પાક્કા પટેલ અથવા તો એમના જ શબ્દો ઉધાર લઈને કહીએ તો પાક્કા મહેસાણી બનીને જવાબ આપી દેશે. ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ નરેન્દ્ર મોદી પ્રેસ કોન્ફરન્સથી દૂર જ રહ્યા હતા.
એ પછી તો નીતિનભાઈ પટેલે ભાજપ વતી સૌથી વધારે પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપ્યા છે. ગત પેટા ચૂંટણીમાં તો તેમના પર ચપ્પલ પણ ફેંકાયું હતું. ઘટના બાદ એમણે જે સજ્જતાથી જવાબ આપ્યો હતો એ તેમનો રાજકીય અનુભવ દર્શાવે છે. એમણે શરૂઆત જ ત્યાંથી કરી કે, ‘તમે મીડિયાવાળા મિત્રો સવાલ કરો ત્યારે અમારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. એમાં અમારું ધ્યાન ન રહે.’ બીજો કોઈ રાજકારણી હોય તો આવી વિપરિત પરિસ્થિતિમાં ભાંગરો વાટી નાખે. ભૂતકાળમાં દાખલા પણ છે.
પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ મંચ પર નીતિનભાઈના વખાણ કરતા કહેલું, ‘એમનું કદ નાનું છે પણ વહીવટ ઉંચા છે.’ આ વાક્યથી હાસ્યનું મોજુ તો ફરી વળ્યું હતું, પણ તેમાં ભારોભાર સત્યતા પણ વર્તાતી હતી. નીતિન પટેલ વગર ભાજપનો વહિવટ કોણ કરે? જવાબ કોણ આપે?
વિધાનસભાના સત્રની ચર્ચા હોય ત્યારે બીજા દિવસે અખબારોમાં નીતિનભાઈના નામનો ઉલ્લેખ ન આવે તો ચર્ચા પણ કેમ ગણવી! એક વખત વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ ભાષણમાં કોઈ કવિની પંક્તિ ફટકારી હતી. જેના જવાબમાં નીતિનભાઈએ સહજતાથી કહ્યું હતું કે, ‘મારે પણ કવિતા શીખવી છે.’ આમ જ એક વખત હિન્દી બોલવાનું આવ્યું હતું. તેમનું હિન્દી એટલું મજબૂત ન હોવા છતાં તેમણે બોલ્યું અને બાદમાં હસી રહેલા વિરોધીઓને જવાબ પણ આપ્યો હતો કે, ‘મને આવડે એવું બોલ્યું, હું કોઈ હિન્દીનો તજજ્ઞ તો નથી.’ હિન્દી એમની ભાષા નથી. દક્ષિણમાં તો આવડતું હોવા છતાં કોઈ નેતાઓ બોલતા સુદ્ધાં નથી.
વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ સીધી ચર્ચા થવા લાગી હતી કે હવે નીતિન પટેલ મુખ્યમંત્રી હશે કે નહીં? સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રેન્ડ નીતિનભાઈ થયા હતા. નીતિનભાઈ તો ખેર મુખ્યમંત્રી ન બન્યા, પરંતુ વિજાણું માધ્યમનો પત્રકાર તેને પૂછવા જતાં નીતિનભાઈએ પોતાના હ્યુમરનો પણ પરચો આપ્યો. આજે એમની આંખના આંસુ પણ નેશનલ મીડિયામાં ચમકી રહ્યા છે. આ આંસુ પાછળનું કારણ શું તે તો નીતિનભાઈ જ જણાવી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત