Team Chabuk National Desk: ગુજરાતમાં ઘોંઘાટ કરતાં વાહનો પર તવાઈ યથાવત છે. રાજકોટ, નવસારી, પંચમહાલ બાદ હવે વડોદરામાં પણ બુલેટરાજા વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે વડોદરામાં બપોર સુધીમાં 25 બુલેટ જપ્ત કરાયા હતા જ્યારે 27 બુલેટચાલકોને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. કાર્યવાહીના ડરથી બુલેટચાલકો ફરી રેગ્યુલર સાયલેન્સર લગાવી રહ્યા છે. એવામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોએ નબીરાઓનો ડર બેવડો કર્યો છે.
વીડિયોમાં શું છે ?
વીડિયોમાં રસ્તા પર વાહનોના મોડિફાઈ કરેલા સાયલેન્સર ગોઠવાયેલા છે. જાહેર માર્ગ પર સાયલેન્સરની કતારની સામે એક રોડરોલર ઉભુ છે. આ વીડિયોમાં પોલીસ પણ જોવા મળી રહી છે. લોકોનું ટોળું પણ છે. ઓર્ડર મળ્યા બાદ રોડરોલર સેંકડોની સંખ્યામાં હારબદ્ધ ગોઠવેલા સાયલેન્સર પર ફરી વળે છે. આમ જોત જોતામાં તમામ સાયલેન્સર પર રોડરોલર ફરી વળે છે.
ગુજરાતના નામે વાયરલ થયેલો આ વીડિયો હકીકતે ક્યાનો છે તેની તપાસ માટે ટીમ ચાબુકે સોશિયલ મીડિયાની સફર કરી. અમે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ તપાસ કરી રહ્યા હતા તેવામાં અમારી ટીમને એક ટ્વીટ મળી ગયું.
The Udupi district police, Karnataka, seized about 110 modified noisy silencers on two wheelers in a month-long drive & destroyed them using a road roller at the Manipal police station premises. #InstantJustice #Shared pic.twitter.com/4G7foLYpsK
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) February 10, 2021
ટ્વીટમાં લખ્યું હતું કર્ણાટકના ઉડુપી જિલ્લાની પોલીસે એક મહિનામાં ઘોંઘાટ કરતાં 110 વાહનોને સીઝ કર્યા અને આવા સાયલેન્સરનો મનીપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડરોલરની મદદથી નાશ કર્યો.
એટલે કે આ વીડિયો ગુજરાતનો હોવાની વાત ખોટી છે. વીડિયો મૂળ કર્ણાટકના ઉડુપી જિલ્લાનો છે જ્યાં ઘોંઘાટ કરતાં વાહનો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. IFS પ્રવીણ અંગુસેમી નામના ટ્વીટર યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. 20 સેકન્ડના આ વીડિયોમાં કેટલાક પોલીસ અધિકારી જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો વીડિયો શૂટિંગ કરી રહ્યા છે. રસ્તાની સાઈડમાં ચાલી રહેલી પોલીસની કામગીરીને જોવા માટે નજીકમાં ટોળું પણ ઉમટ્યું છે. બીજી તરફ રસ્તા પર વાહનોની અવરજવર પણ થઈ રહી છે. વીડિયોમાં વિવિધ ડિઝાઈનવાળા સાયલેન્સર જોવા મળી રહ્યા છે જેના પર રોડરોલર ફરી રહ્યું છે. 20 સેકન્ડના વીડિયોમાં સાયલેન્સર તૂટવા અને વાહનના અવાજ સિવાય એક પણ વ્યક્તિનો અવાજ આવી રહ્યો નથી.
આ વીડિયો 10 ફેબ્રુઆરીએ અપલોડ થયો છે. જેને તેના ટ્વીટર એકાઉન્ટ પર 4 હજાર 200થી વધુ લોકો જોઈ ચુક્યા છે. 77 લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે.
તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં પણ બુલેટરાજાઓની શાન ઠેકાણે લાવવાનો આદેશ આપ્યો છે. ઘોંઘાટ કરતાં વાહનો પર ગુજરાત પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. જો કે, અત્યાર સુધીમાં ગુજરાત પોલીસે માત્ર આવા વાહનચાલકોને દંડ ફટકાર્યો છે. કેટલાક વાહનો ડિટેઈન કર્યા છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ વધુ પડતાં અવાજવાળા વાહચાલકોને એક હજાર રૂપિયાનો દંડ ફટકારી રહી છે.
જો કે, વીડિયો જોયા બાદ લોકો ચર્ચા કરી રહ્યા છે કે, ગુજરાતમાં પણ આવી રીતે કાર્યવાહી કરવી જોઈએ. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત