Homeગામનાં ચોરેકરામતી ભેજું – પત્નીએ પતિની પ્રેમી પાસે હત્યા કરાવી અને આ રીતે...

કરામતી ભેજું – પત્નીએ પતિની પ્રેમી પાસે હત્યા કરાવી અને આ રીતે હત્યાને આત્મહત્યામાં ખપાવી નાખી

Team Chabuk-National Desk: નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશન વિસ્તારની અંતર્ગત બરૌલા ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જેને આત્મહત્યામાં ખપાવવામાં આવી રહ્યું હતું. સૂચના મળતા જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતકનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. દરેક વ્યક્તિ તેને આત્મહત્યા માની રહ્યું હતું. પોલીસે જ્યારે ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ કરી ત્યારે ખબર પડી કે જેને તેઓ આત્મહત્યા માની રહ્યા હતા તે ખરેખર હત્યા હતી. અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનું આ સમગ્ર ષડયંત્ર અન્ય કોઈએ નહીં પણ મૃતકની પત્નીએ કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની પત્નીએ સૌ પ્રથમ પાડોશીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. એ પછી તેની પાસે જ તેના પતિનું કત્લ કરાવી નાખ્યું. પોલીસને ગુમરાહ કરવા માટે આ સમગ્ર કાંડને હત્યામાંથી આત્મહત્યામાં તબ્દિલ કરી દીધો. નોઈડાના એડિશનલ ડીસીપી રણવિજય સિંહે આ અંગે કહ્યું કે, મૃતક મુકેશની કથિત આત્મહત્યા બાદ પરિવારજનોએ તેની પત્ની સપના ઉપર શંકાની સોય તાણી હતી. પરિવારજનોને સંશય હતો કે તેની પત્ની સપનાએ પોતાના પ્રેમી અંકિતની સાથે મળી આ કાવતરું ઘડ્યું છે. પોલીસે આ જ કડીમાં ઘટનાની તપાસ આદરી અને તેમના હાથમાં સત્યનું પગેરુ આવી ગયું.

ડીસીપીના કહ્યા અનુસાર પૂછતાછમાં ખબર પડી કે, સપના અને મુકેશ બંને એક જ ગામના રહેવાસી હતા. મુકેશે સપનાની સાથે પ્રેમ વિવાહ કર્યો હતો. બંને ગામ છોડીને નોઈડા આવીને રહેવા લાગ્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ મુકેશ પોતાની પત્ની સપનાની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. જેના કારણે તે ચિંતિત રહેતી હતી. સપનાએ પોતાના પતિ મુકેશને પાઠ ભણાવવા માટે તેની હત્યાનું ષડયંત્ર રચ્યું.

પોલીસના જણાવ્યા અનુસાર મુકેશને મારવા માટે સપનાએ પોતાના જ પાડોશી અંકિતની પસંદગી કરી. યોજનાને બરાબર કામે લગાડવા માટે સપનાએ સૌ પ્રથમ અંકિત સાથે પ્રેમનું તરકટ રચ્યું. જ્યારે તે પૂરી રીતે સપનાના ઈલુ ઈલુ સપનામાં ખોવાઈ ગયો ત્યારે તેને પતિની હત્યા કરવાનું કહ્યું.

અંકિત સપનાની વાત સાંભળીને જ્યારે કત્લ કરવા માટે આનાકાની કરવા લાગ્યો ત્યારે સપનાએ તેને બળાત્કારના ગુનામાં જેલ મોકલવાની ધમકી આપી. બળાત્કારની ધમકી આગળ વિવશ થઈને અંકિત મુકેશની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયો. સમય મળ્યે અંકિતે મુકેશનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

ડીસીપીના જણાવ્યા અનુસાર મુકેશના ભાણીયાએ જણાવ્યું હતું કે, સપનાની ચાલ ચલગત ઠીક નથી અને જ્યાં આ સમગ્ર ઘટના ઘટી ત્યાં પોલીસને એવી જ વસ્તુ મળી હતી. પોલીસ પહોંચી તેની થોડી ક્ષણો પહેલા જ સપના પોતાનો સામાન પેક કરી ક્યાંક જવાની તૈયારી કરી રહી હતી. જે પછી પોલીસે શંકાને આધારે પૂછતાછ કરી અને સપના પોપટની જેમ પટ પટ બોલવા લાગી ગઈ. રહસ્ય છતું થઈ ગયું જે પછી પોલીસે સપના અને તેના પ્રેમી અંકિતની ધરપકડ કરી લીધી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments