Homeવિશેષગુજરાતી વેબ મીડિયાની ઓનલાઇન અશ્લિલતા

ગુજરાતી વેબ મીડિયાની ઓનલાઇન અશ્લિલતા

Editors View: વેબ માધ્યમમાં કમાણીનો સ્ત્રોત ક્લિક છે. જેટલી વધારે ક્લિક આવે એટલી વધારે કમાણી થાય. કમાણીની લ્હાયમાં કેટલાક મીડિયા સંસ્થાનો એ ભૂલી ગયા છે કે સેક્સની સમસ્યાને ઉલટી કરી દર્શાવવાથી કમાણી તો થઈ જાય છે પણ ગાળો પણ એટલી જ પડે છે. હું જોઉં છું કે ફેસબુક પર સેક્સ સમસ્યાઓને અશ્લિલ રીતે દર્શાવી ક્લિક મેળવવાનો અને કોમેન્ટ ઉઘરાવવાનો એક ધંધો ખૂલ્યો છે. આ ધંધામાં ગુજરાતી વેબસાઈટો પોતાના હાથ બોળીને પૂણ્ય કમાઈ રહી છે.

એક વેબસાઈટ એક સ્ત્રીનાં પંદર પુરુષો સાથેના સંબંધો વિશે વિસ્તારથી લખે છે અને પછી એ પણ લખે છે કે એ મહિલાને હજુ સોળમાં પુરુષની આવશ્યકતા છે. અંદર જ્યારે ડોકિયું કરો છો તો પત્રકારત્વ તેની ચરમસીમા પર દેખાય છે. એની જોડણીઓ ઉત્તેજીત અવસ્થામાં હોય છે. એને ખ્યાલ છે કે આ વિષય પુરુષોની મોટી નબળાઈ છે. જ્યાં નબળાઈ હોય તેનાં પર જ સૂરાપૂરા થઈ શકાય અને ગુજરાતી વેબ માધ્યમ તેના પર સૂરાપૂરા થઈ રહ્યા છે.

ભારતના જ અન્ય પ્રાદેશિક ભાષાના વેબ મીડિયામાં કોઈ દિવસ આ પ્રકારની અશ્લિલતા નથી જોઈ. જ્યારે જોઈ છે ત્યારે પણ તેની પાછળનું એક વ્યાજબી કારણ જવાબદાર હોય છે, પણ હવે વેબ માધ્યમોમાં જે જે વસ્તુ આવી રહી છે તે કારણ વિનાની આવી રહી છે. તેને સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. એવી કોઈ ઘટના બની જ નથી.

હમણાં સોશિયલ મીડિયા પર લટાર મારતાં મારતાં ગુજરાતીનાં એક પેજ પર નજર પડી, જેમાં આ પ્રકારની સ્ત્રીઓ બેડરૂમના વાતાવરણને માદક કરી દે તેવું લખ્યું હતું અને અંદર જતાં એ વિષયને સંલગ્ન કંઈ હતું જ નહીં. મને દયા આવી એમના લખાણ પર. કેટલું ઉત્કૃષ્ટ પત્રકારત્વ હતું એ. ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાની કહેવતને સાર્થક કરતું.

કેવી રીતે કોઈ સ્ત્રીનો ચહેરો લાંબો હોય તો તે બેડરૂમમાં આગ લગાવી દે ? શક્ય છે તેની પાસે દિવાસળી હોય જેનાથી તે ભડકો કરવાનું કામ કરતી હોય! પહોળો ચહેરો ધરાવતા પુરુષો પથારીમાં નબળા હોય છે. આવું કયુ સંશોધન કહે છે ? પહોળો ચહેરો ધરાવનારા પુરુષોએ વિરોધ નોંધવવો જોઈએ, પણ તેઓ શીથીલ છે. કંઈ બોલી નથી રહ્યા, કારણ કે બધાને આ સાચું લાગી રહ્યું છે. બધાને આ વાતોમાં મજા આવી રહી છે. જે ગલગલીયા કરાવી રહી છે.

આ માટે શરીરથી ઝાડી સ્ત્રીઓ પુરુષની હોય છે પ્રથમ પસંદ, એવું લખી વેબ માધ્યમો એટલો સરસ અને લલચાવતો ફોટો મૂકે છે કે તેમાં ક્લિક કર્યા વિના રહેવાતું નથી. એમાં સ્ત્રીનો ચહેરો નથી હોતો. તેના સુંવાળા અને પાતળા દેહને જ દર્શાવવામાં આવ્યો હોય છે. યુઝર્સને એવું લાગે છે કે અંદર જઈ ક્લિક કરવાથી આ કન્યાનો ચહેરો પણ દેખાશે. જોકે આ એક પત્રકારે છળ કપટ ખાતર તૈયાર કરેલી એક લોભામણી જાહેરાત જ છે જેનો તમે ભોગ બન્યા છો.

2009ની સાલ પહેલા આવી વાતો વાંચવાનો એક સમય હતો. મંગળવારની પૂર્તિમાં અને રવિવારની પૂર્તિમાં સેક્સ વિશેના નિષ્ણાત ડોક્ટરો માહિતી આપતાં હતાં અને વંચાતી હતી. હવે એવું રહ્યું નથી. પત્રકારત્વમાંથી ડોક્ટર બનવાનો રસ્તો પસાર થાય છે. શું આવા પત્રકારોએ તેમના માતા પિતાને ખુશ કરવા કહ્યું છે કે, મેં એડમિશન તો પત્રકારત્વમાં લીધું હતું પણ હું કામ દાક્તરી શાખાનું કરી રહ્યો છે.

જે કામ એક નિષ્ણાત ડોક્ટરનું છે કે સેક્સની આ પોઝિશનથી આનંદની પ્રાપ્તિ થાય છે, એ ફરજ હવે નવા નવા અને ગુજરાતી લખતા પણ નથી આવડતું એવા પત્રકારો નિભાવી રહ્યા છે. કારણ ? બસ, કમાણી કરી લેવાની લ્હાયમાં. પૈસા જરૂરી છે, પણ ઓનલાઈન વાંચી વાંચીને મગજમાં વિકૃતિ વધી જવાની. શું દેશમાં બીજા કોઈ મુદ્દાઓ નથી?

હવે ગુજરાતી વેબ માધ્યમોનાં પત્રકારો આવી માહિતી પણ નથી આપતા. એ સ્ત્રી અને પુરુષને ગમે તેમ ચિતરી નાખે છે. એક યુવતી પોતાના સ્તન મોટા કરવા માટે હોસ્ટેલમાં શું શું કરે છે ? તેવી વાતો મૂકી અંદર લઈ જાય છે અને પછી અંદર કંઈક બીજું લખ્યું હોય છે.

ઘણી વખત હસવું આવે છે કે જે લોકોને આવા સમાચારમાં, જેને સમાચાર પણ ન કહેવાય રસ જ નથી તેઓ પણ કોમેન્ટમાં ગંદી ગંદી ગાળો લખે છે. બીજા કોઈ સમાચાર નથી ? આ પ્રકારની કોમેન્ટથી થાય છે કે બીજા સમાચાર છે પણ એમાં આપ નહીં આવો એટલે જ આ રસ્તો કાઢ્યો છે. ઘણા પોતાના મોબાઈલ નંબર ત્યાં રેઢા રાજ હોય તેમ કોમેન્ટ બોક્સમાં ટીપ્પણી કરી છોડી આવે છે.

આ ચાલતું રહેશે. જે તે સોશિયલ માધ્યમો પણ તેના પર રોક નહિં લગાવે, કારણ કે એમને પણ ફાયદો છે. કોઈ વખત વધી જશે ત્યારે એક વખત ચીમકી ઉચ્ચારશે. ઓનલાઈન જે દૂષણો ચાલી રહ્યા છે તેમાં સૌથી મોટું દૂષણ આ જ છે. કેટલીક અભિનેત્રીઓ આ પ્રકારની પોસ્ટમાં પોતાના શરીરનું પ્રદર્શન કરતી હોય છે. એમને તો ખ્યાલ પણ નથી હોતો કે મારી સાથે આવું કોણે કર્યું ? સમજતા વાર લાગશે, પણ છૂટકારો તો નહીં જ મળે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments