Homeતાપણુંગુજરાત કોંગ્રેસે પક્ષપલટા નામના પડકાર સામે લડવા એક બહ્માસ્ત્ર તૈયાર કર્યું

ગુજરાત કોંગ્રેસે પક્ષપલટા નામના પડકાર સામે લડવા એક બહ્માસ્ત્ર તૈયાર કર્યું

Team Chabuk-Political Desk : જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના ધમપછાડા વધી ગયા છે. કેટલીક ઘટનાઓ તો એવી બની રહી છે કે, ક્યારેય ન દેખાતા વોર્ડમાં કોર્પોરેટર દોડી-દોડીને પહોંચી રહ્યા છે. એ જ આશાએ કે તેમને રિપિટ કરવામાં આવશે. જો કે, હવે પાંચ વર્ષમાં તમે કામ નથી દેખાડ્યું અને હવે તરસ લાગી ત્યારે કૂવો ખોદવા બેસો તો પાણી મળે ? અને જો ટિકિટ મળી પણ ગઈ તો ભાઈ ‘એ જનતા હૈ સબ જાનતી હૈ !‘

ટિકિટ કોને આપવી ?

ટિકિટ કોને આપવી અને કેમ આપવી એ તો જે તે પક્ષ જ નક્કી કરે છે. આ જ મુદ્દે હવે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે અને ચૂંટણીના રણમેદાનમાં મોકલવા માટે યોદ્ધાઓને શોધી રહી છે. જો કે, કોંગ્રેસ સામે એક પડકાર સૌથી મોટો છે. આ પડકારનું નામ છે પક્ષપલટો. જો કે, હવે દૂધથી દાજેલી કોંગ્રેસ છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહી છે. કોંગ્રેસે પક્ષપલટા નામના પડકાર સામે લડી લેવા માટે એક શસ્ત્ર બનાવ્યું છે. અને આ શસ્ત્રનો ઉપયોગ તે ટિકિટની વહેંચણીમાં કરશે.

પક્ષ ન છોડવાની આપવી પડશે બાંયધરી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે નક્કી કર્યું છે કે, એવા જ લોકોને ટિકિટ આપવી છે જે પક્ષપલટો નહી કરે.  કોંગ્રેસ પોતાના વિશ્વાસ માટે ઉમેદવારો પાસેથી બાંયધરી પણ લઈ રહી છે. એ પણ લેખિતમાં. એટલે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારે કોંગ્રેસને ફરજિયાત બાંયધરી આપવી પડશે કે પક્ષ છોડીને નહીં જાય. એટલું જ નહીં કોંગ્રેસના બે નેતાના ભલામણપત્ર તેમજ ઉમેદવારની સોશિયલ મીડિયા પરની કામગીરીને પણ જોવામાં આવશે.

ભાજપની નીતિનો વિરોધ કર્યો છે ?

જે ઉમેદવારને ટિકિટ જોઈએ છે તેમનો સોશિયલ મીડિયોનો ઈતિહાસ પણ ચકાસવામાં આવશે. જેમ કે, સોશિયલ મીડિયા પર ભાજપની નીતિઓનો વિરોધ કર્યો છે કે કેમ, પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે કેટલી પોસ્ટ કરી છે,  ફેસબુક ઉપરાંત ટ્વીટર પર એક્ટીવ છે કે કેમ, અન્ય સોશિયલ મીડિયામા પક્ષની વિચારધારાઓ લોકો સુધી પહોંચાડી છે કે કેમ. ટૂંકમા કોંગ્રેસ એવા કાર્યકર્તાઓને ટિકિટ આપવા માગી રહી છે જેઓ ગમે એ રીતે પ્રજા સુધી પહોંચ્યા હોય. જો કે, હવે છેલ્લી ઘડીએ કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની નીતિ બદલતા વિવાદ ભાવિ ઉમેદવારોમાં ભલામણપત્રો અને લેખિત બાંયધરી મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.

અમદાવાદમાં 2500 દાવેદાર

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી નસીબ અજમાવવા માટે કુલ 2 હજાર 500 જેટલા લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે. ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને કોંગ્રેસે બનાવેલી સમિતીએ સાંભળ્યા હતા. જમાલપુર, સરખેજ, બહેરામપુરા અને દાણીલીમડામાં સૌથી વધુ દાવેદારોએ ટિકિટ માગી છે. 24મી જાન્યુઆરી સુધીમાં ઉમેદવારોની પેનલ તૈયાર કરી લેવાય તેવી શક્યતા છે. પેનલ તૈયાર થયા બાદ સ્ક્રિનિંગ સમિતિને આ યાદી મોકલવામાં આવશે.

યુવાનોને વધુ તક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજીવ સાતવ પહેલાં જ સંકેત આપી ચુક્યા છે કે, આ વખતે વિશ્વાસુ નવા ચહેરા અને યુવાનોને વધુ તક આપવામાં આવશે. જ્યારે બીજી તરફ પક્ષમાં રહીને વિપક્ષને ફાયદો કરાવનારા લોકોની હકાલપટ્ટી કરવામાં આવશે. અત્યાર સુધીમાં જે લોકોએ પક્ષ માટે કામ નથી કર્યું તે લોકોની પણ હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. આવા લોકોને રિપિટ ન કરાય તેવી પણ શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments