ઝાલાવાડી જલજીરા: 1980માં ગેહરાય નામની હિન્દી ફિલ્મ આવી હતી. 2021માં ગહેરાઈયા નામની વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ પણ આવી ગઈ. વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ વિષેની માહિતી સર્ચ કરતી વખતે, એકાએક 1980માં પદ્મિની કોલ્હાપુરી અભિનીત ફિલ્મ ગેહરાય હાથમાં આવી ગઈ. આ ફિલ્મ વિષે વિકીપીડિયામાં કાંઈ ટોપલા ભરી ભરીને લખ્યું નથી. ટ્રીવીયા પણ નથી. અભિનેતાઓ એટલા લોકપ્રિય નથી, પણ એમના અભિનય વિના હિન્દી કે રિજનલ ફિલ્મ જગતને ચાલે પણ નહીં.
ફિલ્મની કથા કંઈક એવી છે કે ચૈન્નાબસપ્પા અમીર માણસ છે. તેની જમીન એક ગામડામાં છે. હવે તેને એ ગામડાની જમીન ફેક્ટરી બનાવનારને વેચી નાખવી છે. આ વાત તે પોતાના નોકરને કહીને ચાલ્યો જાય છે, જે યુવાઅવસ્થાથી જમીનની સાર સંભાળ રાખતો હોય છે. ચૈન્નબસપ્પાનું નાનું એવું કુટુંબ છે. બેંગ્લોરમાં રહે છે. બેંગ્લોરમાં હવે તેને નિવૃત થઈ નવું મકાન બનાવવું છે. ચૈન્નાબસપ્પાના પરિવારમાં સરોજ નામની પત્ની છે. નંદુ નામનો દીકરો છે અને સૌથી નાની દીકરી ઉમા છે. ઘરમાં એક નોકર રહે છે અને એક નોકરાણી જે સાફ સફાઈનું કામ કરવા માટે જ આવે છે. બધું રાજી ખુશીથી ચાલતું હોય છે કે એવામાં ઉમાને પ્રેત વળગે છે. આવી વાતોમાં પરિવારના મોભી ચૈન્નાબસપ્પા માનતા નથી. તે હસી કાઢે છે. જ્યારે ઘરના બીજા લોકો વિશ્વાસ ધરાવતા હોય છે. હવે ઉમાનો છૂટકારો કેવી રીતે થાય તેની વાર્તા ગેહરાય છે.
ઉપર કહેવામાં આવેલ સપાટી પરનો પ્લોટ વાંચતા એવું લાગશે કે આ કોઈ નોર્મલ સ્ટોરી છે. ઘણાને આ 1973ની એમેરિકન ફિલ્મ The Exorcistની યાદ અપાવી જાય એવી કથા છે. જોકે આ બધાથી વિપરિત તેમાં બે સસ્પેન્સ છે. એટલે કે બે એન્ડ રહેલા છે. એક અંત સુખદ છે બીજો અંત દુ:ખદ છે. બીજો અંત ભયાનકતા રજૂ કરે છે. પહેલો એન્ડ એવો જ છે જેવો મોટાભાગની હોરર ફિલ્મોમાં આપણે જોયો છે. ભૂતનો નાશ થવો અને પરિવારમાં ખુશીની લહેર ફરી દોડી આવવી.
આ હોરર ફિલ્મમાં ભૂત નથી દેખાતું. ફક્ત શરીરમાં તેનો પ્રવેશ થયો છે. ગોલીબારની જંતર મંતર નવલકથામાં નાયિકામાં થયો હતો એવી રીતે. તો પણ બે જીવતા ભૂત દર્શાવ્યા છે. આ બંને ભૂત તાંત્રિક અને અઘોરી વિધિ કરનારા છે. જે ખોટી રીતે ભૂત ભગાવવાના સપના બતાવી પરિવારને લૂંટે છે. 1980ની સાલમાં દિગ્દર્શકે ભૂત ભગાડવાના 2500 રૂપિયા અપાવ્યા. આ રકમ કંઈ નાની તો છે નહીં. આજે એ જ રકમ 80 હજારની આસપાસ દેખાડવી પડે અથવા લાખેક પણ દર્શાવવી પડે.
અમરીશ પુરીએ આ ફિલ્મમાં ગેસ્ટ અપિરિયન્સ કર્યો હતો. વિલન માટે જરૂરી એવું તેનું કસાયેલું શરીર આ ફિલ્મમાં દેખાય છે. તેનો ભરાવદાર અવાજ કાનના ખૂણે ખૂણાને ભરી દે છે. અમરીશ પુરી ફિલ્મમાં ચારેક મિનિટનો નેગેટિવ રોલ કરીને છવાય ગયા છે. એમની અભિનય પ્રતિભાની ઊંચાઈ કેટલી કે ગેહરાયમાં તમામ લોકોના ફુલ રોલ છે, છતાં કોઈનો અભિનય અમરીશની ઊંચાઈ સુધી નથી પહોંચી શક્યો. ‘વિલન’ અમરિશની હાજરી માત્રથી ફિલ્મ ઉપડી જતી હશે, જેથી મેકર્સે ફિલ્મના પોસ્ટરમાં તેની તસવીર મૂકી છે. એ વ્યક્તિની જેનો રોલ ફક્ત ચાર મિનિટનો છે.
1980ના દાયકામાં આવ્યા પછી જમાનો કેવો મોર્ડન થયો છે તે આ ફિલ્મમાં દેખાશે. ભવ્યાતિભવ્ય કાર, એવી કાર જે અત્યારે સંગ્રહાલયમાં પડી હોય શકે છે. ઉપરથી 80નું એ મકાન જ્યાં આ સમગ્ર ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું, તે ઘર એક વખત જુઓ તો આંખો આગળથી ખસવાનું નામ નથી લેતું.
આ ફિલ્મની પટકથા નાટ્યકાર વિજય તેંડુલકરે લખી હતી. પટકથામાં તેમની સાથે અરુણ રાજે અને વિકાસ દેસાઈએ પણ કામ કર્યું હતું. અરુણ રાજે અને વિકાસ દેસાઈ આ બંનેએ જ અબ્બાસ મસ્તાનની માફક ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. લેખક અને દિગ્દર્શક અરુણ રાજે એટલે એ વ્યક્તિ જેમણે મલ્લિકા સારાભાઈ પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ત્રણેની મહેનતથી ગેહરાય બની છે.
ફિલ્મમાં એક દૃશ્ય છે. ઘરનો મોટો દીકરો નંદુ પોતાની ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવે છે અને માતા પિતા સાથે મુલાકાત કરાવે છે. આ સમયે માતા પિતા નંદુને રમત ગમતનો શોખ નથી એવું કહે છે, પણ બીજી બાજુ તેનાં બેડરૂમમાં ખેલાડીઓની અને ખાસ બ્રૂસ લીની તસવીર જોઈ થાય છે કે આ તેણે તેની ગર્લફ્રેન્ડ માટે ટીંગાળ્યા છે કે પોતાના માટે ટીંગાળ્યા છે? ગર્લફ્રેન્ડને જોતા તો બિલકુલ એવું નથી લાગતું કે તે બ્રૂસ લીની દિવાની હશે.
માલ્ગુડી ડેઈઝનું દિગ્દર્શન કરનારા શંકરનાગના ભાઈ અનંતનાગે પદ્મિની કોલ્હાપુરીના મોટા ભાઈનો રોલ પ્લે કર્યો છે. અનંત નાગ એટલે એ વ્યક્તિ જે KGF ફિલ્મમાં લેખકની ભૂમિકામાં છે અને રોકીની સ્ટોરી દર્શકોને કહી રહ્યો છે.
આ ફિલ્મે સિનેમાના ઈતિહાસમાં એક અલગ છાપ છોડી હતી. પદ્મિની કોલ્હાપુરી આ ફિલ્મમાં કિશોર કલાકારના રૂપે છે અને તેણે સેમી ન્યૂડ સીન આપ્યો છે. અમરીશ પુરી જ્યારે તેના પર વિધિ કરતો હોય છે ત્યારે તે તમામ વસ્ત્રો ઉતારીને બેઠી હોય છે. આ દૃશ્ય તેના પીઠના ભાગેથી દર્શાવવામાં આવે છે. એક કલાક અને ત્રીસ મિનિટ પર આવતા આ દૃશ્યએ આ ફિલ્મને એક અલગ ઓળખ આપી હતી. હોરરના કારણે ચર્ચામાં આવી હોય કે ન આવી હોય પણ પદ્મિની કોલ્હાપુરીના સેમી ન્યૂડ સીનના કારણે આજે પણ ગેહરાયની ચર્ચા થતી રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત